તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
મહારાષ્ટ્રના અકોલામાં ગરમીએ હાહાકાર મચાવ્યો : 44 ડિગ્રી તાપમાન સાથે વિશ્વનું સૌથી ગરમ બન્યું
વિદર્ભ પંથકમાં તાપમાનનો પારો આસમાને પહોંચ્યો: ઉત્તર ભારત પણ ગરમીમાં શેકાયુ :દિલ્હીમાં તાપમાન 40 ડિગ્રી નોંધાતા સામાન્ય જનજીવન પર વ્યાપક અસર

નવી દિલ્હી :ચાલુ વર્ષે ગરમી અગાઉના તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા સેવાઈ રહી છે, જેમાં મહારાષ્ટ્રનું અકોલા શહેર 44 ડિગ્રી તાપમાન સાથે વિશ્વના સૌથી ગરમ શહેરોની યાદીમાં સ્થાન પામ્યું છે. હવામાન વિભાગે દેશના વિવિધ રાજ્યોમાં હીટવેવની ગંભીર ચેતવણી જાહેર કરી છે, જેના કારણે આગામી દિવસોમાં જનજીવન વધુ પ્રભાવિત થવાની શક્યતા છે.
સમગ્ર દેશમાં અત્યારથી જ અસહ્ય ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ખાસ કરીને વિદર્ભ પંથકમાં તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે. મહારાષ્ટ્રનું અકોલા શહેર 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે વિશ્વના સૌથી ગરમ સ્થળોમાંનું એક નોંધાયું છે. સામાન્ય રીતે મે મહિનામાં જોવા મળતી આવી કાળઝાળ ગરમી એપ્રિલના મધ્યમાં જ શરૂ થઈ જતાં લોકોમાં ચિંતા વધી છે. રસ્તાઓ બપોરના સમયે સુમસામ જોવા મળી રહ્યા છે.
માત્ર મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ ઉત્તર ભારત પણ ગરમીમાં શેકાઈ રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં તાપમાન 40 ડિગ્રી નોંધાતા સામાન્ય જનજીવન પર તેની વ્યાપક અસર પડી છે. ગરમ પવનોને કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, મે મહિના સુધીમાં દિલ્હી સહિતના અનેક શહેરોના સરેરાશ તાપમાનમાં હજુ પણ 4 થી 8 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
હવામાન વિભાગે એક ચોંકાવનારી આશંકા વ્યક્ત કરી છે કે આ વર્ષે ભારતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 50 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી શકે છે. ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા હવામાનના મિજાજને કારણે ગરમીના જૂના તમામ રેકોર્ડ તૂટી શકે છે. અત્યારે જ દેશના મોટાભાગના હિસ્સાઓમાં તાપમાન 40 થી 44 ડિગ્રીની વચ્ચે રમી રહ્યું છે, જે આગામી મહિનાઓમાં વધુ વિકરાળ બને તેવી ભીતિ છે.
તીવ્ર ગરમીને જોતા મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને ઝારખંડ જેવા રાજ્યોમાં હીટવેવ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશમાં ન નીકળવા, પુષ્કળ પાણી પીવા અને સુતરાઉ કપડાં પહેરવા જેવી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે આ ગરમી જીવલેણ સાબિત થઈ શકે છે.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
