તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
બ્રિટનમાં ભીષણ ગરમીનો પ્રકોપ: મે મહિનામાં ૮૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, લંડનમાં તાપમાન ૩૪.૮ ડિગ્રીને પાર: આજે પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે: તાપમાન ૩૫ ડિગ્રીએ પહોંચવા સંભવ
રવિવારની રાત પણ બ્રિટનના ઇતિહાસમાં મે મહિનાની સૌથી ગરમ રાત તરીકે નોંધાઈ: ઈંગ્લેન્ડના મોટાભાગના વિસ્તારોમાં 'યલો' અને 'એમ્બર' હીટ હેલ્થ એલર્ટ જારી કરવામાં આવ્યા

લંડન: બ્રિટનમાં અત્યારે સુરજદાદા આકરા પાણીએ છે. યુકેમાં મે મહિનાની ગરમીએ અગાઉના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. મેટ ઓફિસે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે સોમવારે નોંધાયેલું ૩૪.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન, મે મહિના માટે અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. આ સાથે જ ૮૦ વર્ષ કરતાં પણ વધુ સમયથી અકબંધ રહેલો ૩૨.૮ ડિગ્રીનો રેકોર્ડ તૂટી ગયો છે.
ડિજિટલ પ્લેટફોર્મ્સ અને હવામાન વિભાગ ના સત્તાવાર આંકડાઓ અનુસાર, સોમવારે બપોરે પહેલા લંડનના હિથ્રો ખાતે તાપમાન ૩૩.૫ ડિગ્રીએ પહોંચ્યું હતું. ત્યારબાદ થોડા જ કલાકોમાં લંડનના ક્યૂ ગાર્ડન્સ ખાતે પારો ૩૪.૮ ડિગ્રી સેલ્સિયસને આંબી ગયો હતો. અગાઉ મે મહિનામાં સૌથી વધુ ગરમીનો રેકોર્ડ ૨૨ મે ૧૯૨૨ ના રોજ કેમડેન સ્ક્વેર અને ૨૯ મે ૧૯૪૪ ના રોજ હોર્શમ, ટનબ્રિજ વેલ્સ અને રીજન્ટ્સ પાર્ક ખાતે ૩૨.૮ ડિગ્રી નોંધાયો હતો.
બ્રિટનમાં અત્યારે 'બેન્ક હોલિડે' ની રજાઓ ચાલી રહી છે ત્યારે આ હીટવેવે લોકોની ચિંતા વધારી છે. આ સોમવાર માત્ર મે મહિનાનો જ નહીં, પરંતુ બ્રિટનના ઇતિહાસનો સૌથી ગરમ 'બેન્ક હોલિડે મન્ડે' બની ગયો છે. અગાઉ ઓગસ્ટ ૨૦૧૯ માં ૩૩.૩ ડિગ્રીનો રેકોર્ડ હતો, જે પણ હવે તૂટી ગયો છે. એટલું જ નહીં, રવિવારની રાત પણ બ્રિટનના ઇતિહાસમાં મે મહિનાની સૌથી ગરમ રાત તરીકે નોંધાઈ છે.
સ્થિતિની ગંભીરતાને જોતા 'યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી' દ્વારા ઈંગ્લેન્ડના મોટાભાગના વિસ્તારોમાં 'યલો' અને 'એમ્બર' હીટ હેલ્થ એલર્ટ જારી કરવામાં આવ્યા છે. ભીષણ ગરમીના કારણે આરોગ્ય સેવાઓ પર દબાણ વધવાની અને ખાસ કરીને ૬૫ વર્ષથી વધુ વયના વૃદ્ધો તથા અન્ય બીમારીઓ ધરાવતા લોકોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચવાની અથવા મૃત્યુદરમાં વધારો થવાની ચેતવણી અપાઈ છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન અને ગ્લોબલ વોર્મિંગના કારણે હવે આવા ઐતિહાસિક રેકોર્ડ તૂટવાની શક્યતાઓ કુદરતી આબોહવાની સરખામણીમાં ત્રણ ગણી વધી ગઈ છે. અગાઉ જે ઘટના ૧૦૦ વર્ષમાં એકાદ વખત બનતી હતી, તે હવે દર ૩૩ વર્ષે બની શકે છે.
આગામી દિવસોની આગાહી કરતા મેટ ઓફિસે જણાવ્યું છે કે મંગળવારે પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. લંડન, કેમ્બ્રિજશાયર અને હોમ કાઉન્ટીઝમાં તાપમાન ૩૫ ડિગ્રી સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે. જ્યારે ઈંગ્લેન્ડના દક્ષિણ-પૂર્વ વિસ્તારો અને વેલ્સમાં પારો ૩૦ ડિગ્રીથી ઉપર રહેશે.
ગરમીથી રાહત મેળવવા દરિયાકિનારે જતાં લોકો માટે 'રોયલ લાઈફ સેવિંગ સોસાયટી' એ ખાસ એડવાઇઝરી જારી કરી છે. તેઓએ ચેતવણી આપી છે કે બહાર ભલે ભીષણ ગરમી હોય, પરંતુ દરિયાનું પાણી હજુ પણ ખતરનાક રીતે ઠંડુ છે. અચાનક ઠંડા પાણીમાં પડવાથી 'કોલ્ડ વોટર શોક' લાગી શકે છે, જે શ્વાસ લેવામાં તકલીફ ઉભી કરી શકે છે અને જીવલેણ સાબિત થઈ શકે છે. લોકોએ સુરક્ષિત બીચ પર જ તરવા જવું અને બાળકોનું ખાસ ધ્યાન રાખવું હિતાવહ છે.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
