<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

મહારાષ્ટ્ર મહાયુતિમાં ગરમાગરમી: ભંડોળ નહીં મળે તો ચૂંટણી હારી જઈશું, એનસીપીના વિધાનસભ્યોએ નાયબ મુખ્યપ્રધાન સામે ઠાલવ્યો રોષ

સત્તામાં ભાગીદાર હોવા છતાં વિકાસ કાર્યો માટે ફંડ ન મળતા નારાજ ધારાસભ્યોએ ગઠબંધનના સહયોગીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો, આગામી રણનીતિ પર ચર્ચા

મુંબઈ, તા.૦૫: મહારાષ્ટ્રના રાજકારણમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધન અંદરખાને ભારે ખેંચાખેંચી અને આંતરિક અસંતોષના કારણે ચર્ચામાં આવ્યું છે. સરકારમાં ભાગીદાર હોવા છતાં પોતાના મતવિસ્તારોમાં વિકાસલક્ષી કાર્યો માટે પૂરતું ભંડોળ નહીં મળી રહ્યું હોવાની ગંભીર ફરિયાદો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-અજિત પવાર જૂથ)ના વિધાનસભ્યો દ્વારા ઉઠાવવામાં આવી છે. નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારના મુંબઈ સ્થિત નિવાસ્થાને યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન ધારાસભ્યોએ સાથી પક્ષો ભાજપ અને શિવસેના સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

આ બેઠકમાં કેટલાક વિધાનસભ્યોએ ચેતવણીનાસૂરમાં જણાવ્યું હતું કે જો તેમના મતવિસ્તારમાં સમયસર વિકાસ કાર્યો માટે ફંડ ફાળવવામાં નહીં આવે, તો ૨૦૨૯ની વિધાનસભા ચૂંટણીમાં પરિસ્થિતિ એવી સર્જાશે કે તેઓ ૨૦૨૪માં જેટલા મતોના માર્જિનથી જીત્યા હતા, તેટલા જ માર્જિનથી ચૂંટણી હારી પણ શકે છે. ધારાસભ્યોની મુખ્ય ફરિયાદ હતી કે ચૂંટણી દરમિયાન જનતાને આપેલા વચનો પૂરા કરવામાં વહીવટી અડચણો અને ભંડોળની અછત સૌથી મોટો અવરોધ બની રહી છે.

ખાસ કરીને નાશિક અને સાતારાના ધારાસભ્યોએ ગઠબંધનના સહયોગીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. નાશિકની એક મહિલા ધારાસભ્યે આક્ષેપ કર્યો હતો કે આગામી કુંભમેળાના આયોજન અન્વયે મોટા પાયે વિકાસ કાર્યો ચાલી રહ્યા છે, પરંતુ ભાજપના મંત્રીઓ અને સ્થાનિક નેતાઓ એનસીપીના પ્રતિનિધિઓને આ પ્રક્રિયામાં બિલકુલ સામેલ કરતા નથી અને વિશ્વાસમાં પણ લેતા નથી. સાતારાના એક ધારાસભ્યે જિલ્લા સ્તરે ભાજપ દ્વારા તાનાશાહી વલણ અપનાવવામાં આવતું હોવાની અને સ્થાનિક સહકારી સંસ્થાઓની ચૂંટણીઓમાં મુશ્કેલીઓ ઊભી કરાઈ હોવાની ફરિયાદ કરી હતી.

ધારાસભ્યોની આ લાંબી બેઠક બાદ બીજા દિવસે સવારે સુનેત્રા પવારના નેતૃત્વમાં કોર કમિટીની બેઠક પણ યોજાઈ હતી, જેમાં પક્ષના સંગઠનાત્મક મુદ્દાઓ અને આંતરિક સંકલન પર ચર્ચા કરવામાં આવી હતી. પક્ષના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેએ વિધાનસભ્યોની ભંડોળ સંબંધિત ફરિયાદો વ્યાજબી હોવાનું સ્વીકાર્યું હતું. આ મામલે નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર દ્વારા આગામી મંત્રીમંડળની બેઠકમાં સત્તાવાર રીતે ભંડોળ ફાળવણીનો મુદ્દો ઉઠાવવામાં આવશે તેવી ખાતરી આપવા આવી છે.

આ બેઠકમાં પક્ષના સંગઠનને મજબૂત બનાવવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં પક્ષના કાર્યાલય ખાતે ફરીથી 'જનતા દરબાર' શરૂ કરવાનો અને સાપ્તાહિક ધોરણે ધારાસભ્યો સાથે બેઠકો યોજવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત જીશાન સિદ્દીકીને મુંબઈ અધ્યક્ષ અને ઉમેશ પાટીલને મુખ્ય પ્રવક્તા તરીકે યથાવત્ રાખવાની સાથે પક્ષના મોટા નિર્ણયો હવેથી કોર કમિટીની મંજૂરી બાદ જ લેવાશે તેમ નક્કી કરવામાં આવ્યું હતું.

મહાયુતિ ગઠબંધન સરકારની અંદર ચાલી રહેલી આ ખેંચાખેંચી અને વિધાનસભ્યોના અસંતોષને વિપક્ષ દ્વારા પણ આડેહાથ લેવામાં આવી રહ્યો છે. જોકે પક્ષના મોવડી મંડળ દ્વારા તમામ આંતરિક મતભેદોને ટૂંક સમયમાં સંકલન અને વાતચીતના માધ્યમથી ઉકેલી લેવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે, જેથી આગામી સમયમાં સરકારની કામગીરી વધુ સુચારૂ બની શકે.

(4:53 PM IST)