<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

ગરમી પકડી લીધીઃ ઘરની વહુએ પંખો ચાલુ કર્યો તો સાસુ-સસરાએ ઢીબી નાખી, વહુએ હાથની નસ કાપી

પોલીસે આ મામલામાં ફરિયાદ નોંધી તપાસ શરુ કરી

હમીરપુર તા.૨૯: ઉત્તર પ્રદેશના હમીરપુરના રાઠ કોતવાલી વિસ્‍તારના અકૌના ગામમાં પંખો ચાલુ કરવાને લઈ વિવાદ થતાં સાસુ-સસરાએ વહુ સાથે મારપીટ કરી હતી. આ મારપીટથી દુખી થયેલી વહુએ પોતાના હાથની નસ કાપી આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ મામલામાં ફરિયાદ નોંધી તપાસ શરુ કરી દીધી છે.

પીડિત મહિલા સોનમે સોમવારે રાઠ કોતવાલીમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્‍યું કે તેનો પતિ બહાર મજૂરી કરે છે અને તે પોતાના સાસુ-સસરા સાથે રહે છે. સોમવારે વધારે ગરમીના કારણે તેણે રૂમમાં પંખો ચાલુ કર્યો, જેને લઈ સાસુ-સસરા નારાજ થઈ ગયા હતા.

સાસુ-સસરાએ પહેલા તો સોનમ સાથે અભદ્રતા કરી અને ગાળાગાળી કરી. તેમણે કહ્યું કે પંખો ચાલુ કરવાથી વીજળીનું બિલ વધારે આવે છે તો એ તો શું તારો બાપ ભરશે? જ્‍યારે સોનમે આ વાતનો વિરોધ કર્યો તો તેની સાથે મારપીટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી.

સાસુ-સસરા દ્વારા કરવામાં આવેલી આ મારપીટથી દુખી થયેલી વહુએ પોતાના હાથની નસ કાપી આત્‍મહત્‍યા કરવાનો પ્રયાસ કર્યો. ઘટનાની સૂચના મળતા રાઠ કોતવાલી પોલીસે ઘાયલ મહિલાનું મેડિકલ પરીક્ષણ કરાવ્‍યું.

રાઠ કોતવાલીના પ્રભારી ઇન્‍સ્‍પેક્‍ટરે જણાવ્‍યું કે પીડિત મહિલાની ફરિયાદ પર તપાસ શરુ કરી છે, અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

(10:22 AM IST)