<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

બહુચર્ચિત કેતન અગ્રવાલ હત્યાકાંડમાં હૃદયદ્રાવક વળાંક:પુત્રના હત્યારાઓને સજા અપાવવા માતાએ લખ્યો પીએમને ભાવુક પત્ર

પુત્રના વિરહમાં કેતન અગ્રવાલના દાદાનું પણ નિધન થયું, એક પછી એક બે સભ્યો ગુમાવ્યા બાદ પરિવાર સંપૂર્ણપણે પાયમાલ થઈ ગયો હોવાનું તેમણે દુઃખ સાથે જણાવ્યું

 નવી દિલ્હી :કેતન અગ્રવાલ હત્યાકાંડમાં એક હૃદયદ્રાવક વળાંક સામે આવ્યો છે. કેતન અગ્રવાલના માતા રાખી અગ્રવાલે પોતાના પુત્રને ન્યાય અપાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક અત્યંત ભાવુક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે પોતાના દીકરાને ગુમાવ્યા બાદની પીડા વર્ણવતા જણાવ્યું છે કે, “મારી તો આખી દુનિયા જ ઉજડી ગઈ છે, ઘરમાં રહેલો દરેક ખૂણો મને આજે મારા પુત્રની યાદ અપાવે છે.”

રાખી અગ્રવાલે પત્રમાં આ દુર્ઘટનાની પરિવાર પર થયેલી ગંભીર અસર વિશે લખ્યું છે. તેમણે જણાવ્યું કે પુત્રના નિધનના આઘાતમાં પરિવાર સાવ વેરવિખેર થઈ ગયો છે અને પુત્રના વિરહમાં કેતન અગ્રવાલના દાદાનું પણ નિધન થયું છે. એક પછી એક બે સભ્યો ગુમાવ્યા બાદ પરિવાર સંપૂર્ણપણે પાયમાલ થઈ ગયો હોવાનું તેમણે દુઃખ સાથે જણાવ્યું છે. આ કપરા સમયમાં ન્યાય મેળવવા માટે તેમણે વડાપ્રધાન સમક્ષ હાથ જોડીને કરગરતી અપીલ કરી છે.

વડાપ્રધાનને સંબોધીને લખેલા આ પત્રમાં માતા રાખી અગ્રવાલે સ્પષ્ટ માંગ કરી છે કે કેતન અગ્રવાલના હત્યારાઓને વહેલી તકે શોધીને તેમને કાયદા મુજબ કડકમાં કડક સજા કરવામાં આવે. તેમની એકમાત્ર આશા હવે સરકાર અને ન્યાયતંત્ર પર ટકેલી છે. સમગ્ર મામલે ન્યાયની આ માંગણી હવે સોશિયલ મીડિયા અને ચર્ચાઓમાં કેન્દ્રબિંદુ બની છે. આ કેસમાં હવે સરકાર અને તપાસ એજન્સીઓ શું પગલાં લે છે તે જોવું રહ્યું.

(1:53 PM IST)