<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

ઓમાનમાં હૈદરાબાદની મહિલાની કાળજું કંપાવતી આપવીતી: ૧૫-૧૫ કલાક વૈતરું અને ૪ મહિનાથી પગાર નથી, ભારતીય દૂતાવાસ પાસે માંગી મદદ

એજન્ટના ખોટા વચનોની જાળમાં ફસાયેલી શબનમ બેગમ અત્યાચારોથી કંટાળી માલિકના ઘરથી ભાગી: પરિવારે વિદેશ મંત્રી એસ. જયશંકરને દીકરીને વતન પાછી લાવવા કરી કરુણ અપીલ

હૈદરાબાદ : રોજીરોટીની તલાશમાં વિદેશ જતી ભારતીય મહિલાઓના શોષણની વધુ એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હૈદરાબાદના પહાડી શરીફ વિસ્તારની રહેવાસી શબનમ બેગમ નામની મહિલા ઓમાનની રાજધાની મસ્કતમાં એમ્પ્લોયર (માલિક) ના અત્યાચારોનો ભોગ બની છે. નરક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બનેલી આ પીડિત મહિલાએ કોઈક રીતે જીવ બચાવીને મસ્કતમાં આવેલા ભારતીય દૂતાવાસ (Indian Embassy) નો આશરો લીધો છે અને ભારત સરકાર પાસે વતન પરત ફરવા માટે મદદની ગુહાર લગાવી છે.

એજન્ટની માયાવી જાળ અને છેતરપિંડી:
ગરીબીથી કંટાળેલી શબનમ બેગમને હૈદરાબાદના એક સ્થાનિક ભરતી એજન્ટે ઓમાનમાં ઘરકામ માટે સારા પગારની લાલચ આપી હતી. એજન્ટે વચન આપ્યું હતું કે તેને દર મહિને ૨૦૦ ઓમાની રિયાલ (આશરે ₹૪૩,૦૦૦ થી વધુ) નો પગાર મળશે. આ ખોટા વચનો પર ભરોસો રાખીને શબનમ ૨૬ માર્ચ, ૨૦૨૬ ના રોજ આશાભર્યા આંખે મસ્કત પહોંચી હતી. પરંતુ ઓમાનની ધરતી પર પગ મૂકતાની સાથે જ તેની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું અને તેના સપના દુઃસ્વપ્નમાં બદલાઈ ગયા.

દિવસમાં ૧૫ કલાક કામ અને ભૂખનો ત્રાસ:
મસ્કત પહોંચ્યા પછી શબનમના માલિકે તેની સાથે ગુલામો જેવું વર્તન શરૂ કર્યું. તેને માત્ર એક ઘરના બદલે અનેક ઘરોમાં દરરોજ ૧૨ થી ૧૫ કલાક સુધી સખત મજૂરી કરવા માટે મજબૂર કરવામાં આવી. આટલું ઓછું હોય તેમ, તેને પૂરતું ભોજન પણ આપવામાં આવતું નહોતું અને રહેવા માટે યોગ્ય વ્યવસ્થાનો પણ ઇનકાર કરવામાં આવ્યો હતો. અત્યંત આઘાતજનક બાબત એ છે કે છેલ્લા ચાર મહિનાથી તેને એક પણ રૂપિયાનો પગાર આપવામાં આવ્યો ન હતો. માલિકના આ અમાનુષી અત્યાચારો અસહ્ય બની જતાં, શબનમ એક દિવસ મોકો જોઈને ત્યાંથી ભાગી છૂટી હતી અને સીધી ભારતીય દૂતાવાસ પહોંચી ગઈ હતી.

પરિવારની વિદેશ મંત્રી એસ. જયશંકરને આજીજી:

હૈદરાબાદમાં રહેતા શબનમના પરિવારે ભારતની કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રી એસ. જયશંકરને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા કરુણ અપીલ કરી છે. પરિવારે માંગ કરી છે કે મસ્કતમાં ભારતીય દૂતાવાસને કડક નિર્દેશ આપી શબનમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને તેને સહીસલામત જલ્દીથી હૈદરાબાદ લાવવાની વ્યવસ્થા કરવામાં આવે. આ સાથે જ, પરિવારે દેશની દીકરીઓને ખોટા વાયદા કરીને વિદેશમાં નરકમાં ધકેલી દેતા નરાધમ એજન્ટ સામે પણ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

(8:46 PM IST)