તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
ચેન્નાઈમાં કરુણ અંજામ: પ્રખ્યાત સાડી બ્રાન્ડ 'શ્રી સાઈ સિલ્ક્સ'ના માલિક નાગલક્ષ્મીની તેમના જ બેરોજગાર પતિએ નિર્મમ હત્યા કરી, બાદમાં પોતે પણ ગળાફાંસો ખાધો
પૈસાની લેતી-દેતી અને આંતરિક ઝઘડાએ સુખી પરિવાર વેરવિખેર કર્યો; પિતાએ વોટ્સએપ પર પુત્રને મેસેજ કર્યો- "હું અને તારી મમ્મી હવે ઘરે નહીં હોઈએ, તારું જમવાનું રાખ્યું છે"

ચેન્નાઈ, તા. 29: તમિલનાડુની રાજધાની ચેન્નાઈના નંગનલ્લુર વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પ્રખ્યાત સાડી બ્રાન્ડ 'શ્રી સાઈ સિલ્ક્સ'ના માલિક નાગલક્ષ્મી (42)ની તેમના જ પતિ સુબ્રમણિયન (52) દ્વારા હત્યા કરવામાં આવી છે. આ હિંસક કૃત્ય કર્યા બાદ પતિએ પણ બીજા રૂમમાં જઈને આત્મહત્યા કરી લીધી હતી. આ કિસ્સાએ સમગ્ર શહેરમાં અરેરાટી ફેલાવી દીધી છે, કારણ કે આ કપલના બે પુત્રો છે જેઓ મેડિકલ અને ડેન્ટલનો અભ્યાસ કરી રહ્યા છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે નાગલક્ષ્મી નંગનલ્લુર અને અન્ના નગરમાં સિલ્ક સાડીનો સફળ બિઝનેસ ચલાવતા હતા અને ઘરના મુખ્ય કમાનાર સભ્ય હતા. જ્યારે તેમના પતિ સુબ્રમણિયન લાંબા સમયથી બેરોજગાર હતા. તેઓ અવારનવાર નાગલક્ષ્મી પાસે પૈસાની માંગણી કરતા હતા, જેને લઈને ઘરમાં સતત ઝઘડા થતા હતા. વિવાદ વધતા બે વર્ષ પહેલા સુબ્રમણિયન મદુરાઈ રહેવા ગયા હતા, પરંતુ આર્થિક મદદ તો નાગલક્ષ્મી જ મોકલતા હતા. ઘટનાના માત્ર દસ દિવસ પહેલા જ તેઓ પરત આવ્યા હતા.
સોમવારે થયેલી આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે તેમના 18 વર્ષના પુત્ર શૈલેષને કોલેજમાં પિતાનો એક વિચિત્ર વોટ્સએપ મેસેજ મળ્યો. મેસેજમાં લખ્યું હતું કે, "હું અને તારી માતા હવે ઘરે નહીં હોઈએ. મેં તારા માટે જમવાનું તૈયાર રાખ્યું છે, ઘરે આવીને જમી લેજે." ગભરાયેલો પુત્ર જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે માતા લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવી હતી અને પિતા પંખે લટકતા હતા. મોટો પુત્ર હરીશ અત્યારે રશિયામાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર નાગલક્ષ્મીના નિધનથી શોકનું મોજું ફરી વળ્યું છે. લોકો તેમના 'સ્માઈલિંગ ફેસ' અને સાડીના વિડીયોઝને યાદ કરી રહ્યા છે. નેટીઝન્સ એ વાત પર રોષ ઠાલવી રહ્યા છે કે એક બેરોજગાર અને ઈર્ષાળુ પતિએ એક સફળ બિઝનેસ વુમનનો જીવ લીધો અને બે દીકરાઓને અનાથ કરી દીધા. પોલીસને શંકા છે કે પતિએ ઝઘડા પછી બજારમાંથી ખાસ આ હેતુ માટે હથિયાર ખરીદ્યું હતું. હાલ અડમ્બક્કમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
