તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
કર્ણાટકમાં કાળજું કંપાવતી દુર્ઘટના: નદીમાં ડૂબતી બાળકીનો જીવ બચી ગયો, પણ તારણહાર બનેલા ૫ જાંબાઝ યુવકોના કરુણ મોત
પવિત્ર તુંગભદ્રા નદીના કિનારે પગ ધોવા જતાં સર્જાયો ભયાનક અકસ્માત, બાળકીને મોતના મુખમાંથી હેમખેમ બહાર કાઢીને પાંચેય યુવાનો તેજ પ્રવાહમાં વિલીન થયા

મંત્રાલયમ (કર્ણાટક), ૩૧ મે:કર્ણાટકના મંત્રાલયમ વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં વહેતી તુંગભદ્રા નદીના કિનારે શનિવારે સાંજે આશરે સાડા ચાર વાગ્યે એક મોટી હોનારત સર્જાઈ હતી. નદીના તેજ પ્રવાહમાં વહી રહેલી એક સગીર બાળકીને બચાવવાના ચક્કરમાં પાંચ બહાદુર યુવકોએ પોતાના જીવની આહુતિ આપવી પડી છે. જે બાળકી માટે આ લોકોએ પોતાના પ્રાણની બાજી લગાવી હતી, તે તો સહીસલામત બહાર આવી ગઈ છે, પરંતુ આ યુવકો નદીના ઊંડા પાણી અને જોરદાર કરંટનો શિકાર બની ગયા છે.
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, શનિવારે સાંજે તુંગભદ્રા નદીના કિનારે લોકોની સામાન્ય અવરજવર હતી. આ દરમિયાન એક સગીર વયની બાળકી નદીના કિનારે બેસીને પોતાના પગ ધોઈ રહી હતી. તે જ સમયે અચાનક તેનું સંતુલન બગડતાં તે લપસીને સીધી નદીના ઊંડા પાણીમાં પડી ગઈ હતી અને જોતજોતામાં પ્રવાહમાં તણાવા લાગી હતી. બાળકીને મોતના મુખમાં હોમાતી જોઈને કિનારે ઉભેલા લોકોમાં ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી.
બાળકીનો જીવ બચાવવા માટે ત્યાં હાજર લોકો પાસે વિચારવાનો બિલકુલ સમય નહોતો. તેને ડૂબતી જોઈને સૌપ્રથમ એક વ્યક્તિએ અને ત્યારબાદ તેને સહકાર આપવા માટે અન્ય ચાર લોકોએ એમ કુલ પાંચ યુવકોએ એકપછી એક નદીના ધસમસતા પ્રવાહમાં છલાંગ લગાવી દીધી હતી. આ બહાદુર યુવાનોની ભારે જહેમત અને સાહસના કારણે બાળકીને તો નદીમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી હતી, પરંતુ નદીનો જોરદાર કરંટ અને ઊંડાણ આ પાંચેય જણા પર ભારે પડી ગયા હતા, જેના લીધે તેઓ પાણીમાં લાપતા થયા હતા.
ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં નદી કિનારે ઉમટી પડ્યા હતા અને પીડિત પરિવારોમાં ભારે આક્રંદ મચી ગયું હતું. સ્થાનિક પોલીસે જણાવ્યું કે મૃતક યુવકો નજીકના ગામના જ રહેવાસી હતા. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલિક અસરથી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ટીમોને બોલાવીને નદીમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરી પાંચેય યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની પૂર્વસંધ્યાએ પહાડી વિસ્તારોમાં થઈ રહેલા વરસાદને કારણે તુંગભદ્રા નદીમાં હાલ પાણીનું સ્તર ઊંચું છે અને પ્રવાહ અત્યંત જોખમી છે. આ ભયાનક દુર્ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્રે લોકોને નદી, નહેરો અને જળાશયોના કિનારે જતા સમયે વિશેષ સાવધાની રાખવા કડક અપીલ કરી છે. અધિકારીઓએ માર્ગદર્શિકા જાહેર કરતા જણાવ્યું છે કે નદી કિનારે ભારે સતર્કતા રાખવી જરૂરી છે અને નાના બાળકોને ક્યારેય પણ જળાશયોની નજીક એકલા જવા દેવા જોઈએ નહીં.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
