<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

આત્‍મા ધ્રુજાવી દેતું દ્રશ્‍ય :વેનેઝુએલામાં સેકન્‍ડોમાં ૨૨ માળની ઇમારત જમીનદોસ્‍તઃ કારાકાસ એરપોર્ટ પર સર્જાઈ ભારે નાસભાગ

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો જોઈને વિશ્‍વ સ્‍તબ્‍ધ : ઇમારતો પત્તાના મહેલની જેમ તૂટતાં બચી ગયેલા લોકો લોહીલુહાણ હાલતમાં રસ્‍તા પર દોડ્‍યા

નવી દિલ્‍હી, તા.૨૫: કુદરત જ્‍યારે કોપાયમાન થાય છે ત્‍યારે માનવીની આધુનિક સભ્‍યતા કેટલી લાચાર બની જાય છે, તેનો ભયાનક પુરાવો વેનેઝુએલામાંથી સામે આવેલા વીડિયો આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ દ્રશ્‍યો કોઈપણ વ્‍યક્‍તિની કરોડરજ્જુમાં ધ્રુજારી પેદા કરી દે તેવા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે રિક્‍ટર સ્‍કેલ પર ૭.૧ અને ૭.૫ ની પ્રચંડ તીવ્રતા ધરાવતા બે બેવડા આંચકાઓએ અટોલ ગગનચુંબી ઇમારતોના પાયા હચમચાવી દીધા. રાજધાની કારાકાસની શાન ગણાતી એક ૨૨ માળની વિશાળ ઇમારત માત્ર થોડી જ સેકન્‍ડોમાં ધૂળના ગોટેગોટા સાથે પત્તાના ઘરની જેમ જમીનદોસ્‍ત થઈ ગઈ હતી. ચારેબાજુ આક્રંદ, ચીસાચીસ અને કાટમાળ ઉડતો જોઈને એવું લાગતું હતું જાણે ધરતી પર જ કયામત આવી ગઈ હોય.

યુએસ જીઓલોજિકલ સર્વેના જણાવ્‍યા અનુસાર, સ્‍થાનિક સમય મુજબ સાંજે ૬:૦૪ વાગ્‍યે મોન્‍ટાલ્‍બન નજીક આ કુદરતી આફત ત્રાટકી હતી. પ્રારંભિક આંચકામાંથી લોકો સંભાળે તે પહેલાં જ, એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં બીજા વધુ શક્‍તિશાળી આંચકાએ ભારે વિનાશ વેર્યો હતો. કારાકાસના મૈકેટિયા એરપોર્ટ પરથી સામે આવેલા અન્‍ય એક હૃદયદ્રાવક વીડિયોમાં ભૂકંપ સમયે છત પરથી કાટમાળ પડતો જોઈ મુસાફરો જીવ બચાવવા માટે આમતેમ આંધળી દોડ મૂકતા નજરે પડે છે. ગીચ વસ્‍તી ધરાવતા અલ્‍તામિરા વિસ્‍તારમાં પણ સેંકડો ઘરો પળવારમાં કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયા છે, જેમાં હજારો લોકો જીવતા દફન થઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ અણધારી આફતને પગલે વેનેઝુએલા સરકાર દ્વારા દેશમાં તાત્‍કાલિક ધોરણે કટોકટીની સ્‍થિતિ જાહેર કરવામાં આવી છે. ગળહમંત્રી ડિઓસડાડો કાબેલોએ સત્તાવાર નિવેદન જારી કરીને સ્‍વીકાર્યું છે કે દેશના અનેક રાજ્‍યો આ ભૂકંપથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે અને પરિસ્‍થિતિ અત્‍યંત ચિંતાજનક છે. તેમણે તમામ નાગરિકોને ખુલ્લા અને સલામત વિસ્‍તારોમાં આશ્રય લેવા વિનંતી કરી છે. સત્તાવાર રીતે મળત્‍યુઆંક હજુ જાહેર કરાયો નથી, પરંતુ બચાવ ટુકડીઓ કાટમાળ હટાવી રહી છે તેમ તેમ બહાર આવી રહેલા મળતદેહો આ સદીની સૌથી મોટી માનવ તબાહી તરફ ઈશારો કરી રહ્યા છે.

(10:58 AM IST)