<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

તમિલનાડુમાં કાળજું કંપાવતી ઘટના: ૧૦ વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી હત્યા કરાતા પ્રચંડ જનઆક્રોશ

કોઈમ્બતુરના સુલુરમાં કરિયાણું લેવા નીકળેલી બાળકીને બાઇક સવારે મોતને ઘાટ ઉતારી : નરાધમ મુખ્ય આરોપી કાર્તિક અને તેના સાથીદારની ધરપકડ બાદ પણ લોકો રસ્તા પર ઉતર્યા

કોઈમ્બતુર : તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લાના સુલુર વિસ્તારમાં એક ૧૦ વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેની નિર્મમ હત્યા કરી દેવાની કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. ગુરુવારે સાંજે આ બાળકી પોતાના ઘર નજીક આવેલી કરિયાણાની દુકાને સામાન લેવા ગઈ હતી, ત્યારે જ બાઇક પર આવેલા નરાધમે તેનું અપહરણ કર્યું હતું. ગુમ થયેલી બાળકીનો મૃતદેહ શુક્રવારે કન્નમપલયમ નજીક આવેલા એક તળાવ પાસેથી મળી આવતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે.

 

સુલુર પોલીસે આ જઘન્ય ગુનાના મુખ્ય આરોપી ૩૩ વર્ષીય કાર્તિક (રહે. નાગપટ્ટિનમ) ની શનિવારે વહેલી સવારે ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત આ ઘાતકી હત્યાકાંડમાં તેને મદદ કરનારા તેના સાથીદાર મોહન રાજની પણ પોલીસે અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓએ બાળકીને એકલી જોઈને પોતાની હવસ અથવા અન્ય કોઈ બદઇરાદાથી આ ભયાનક ગુનાને અંજામ આપ્યો હોવાની શંકા છે.

 

માસૂમ બાળકીની લાશ મળ્યા બાદ પીડિત પરિવાર અને સ્થાનિક લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા હજારો નાગરિકોએ શુક્રવાર રાતથી શનિવાર સવાર સુધી સુલુર રોડ ચક્કાજામ કરીને આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા આપવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસ મહાનિરીક્ષક આર.વી. રામ્યા ભારતી અને સ્થાનિક ધારાસભ્ય એન.એમ. સુકુમારે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને લોકોને કડક કાર્યવાહીની ખાતરી આપી મામલો શાંત પાડ્યો હતો.

(6:13 PM IST)