<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

મહારાષ્ટ્રના સતારામાં કાળજું કંપાવનારી ઘટના: ફોન અને ટીવી જોવાની તકરારમાં શિક્ષક પિતાએ બેટ મારી ૧૭ વર્ષીય પુત્રીની કૂર હત્યા કરી

ગોડોલી વિસ્તારમાં મધ્યરાત્રિએ બોલાચાલી બાદ પિતાએ માથામાં ક્રિકેટ બેટ ઝીંક્યું; પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરનાર આરોપી પિતાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

સતારા, તા.૦૬: મહારાષ્ટ્રના સતારા સ્થિત ગોડોલી વિસ્તારમાં કાળજું કંપાવનારી અને સગા સંબંધોને શર્મસાર કરતી ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. મોડી રાત્રે ટેલિવિઝન જોવા અને મોબાઈલ ફોનના ઉપયોગ બાબતે થયેલા સામાન્ય વિવાદમાં એક ૪૭ વર્ષીય શિક્ષક પિતાએ આવેશમાં આવી પોતાની ૧૭ વર્ષીય પુત્રી પર ક્રિકેટ બેટ વડે ભયાનક હુમલો કરી તેની ક્રૂર હત્યા કરી નાખી છે. ધોરણ ૧૧માં અભ્યાસ કરતી કિશોરીના કરુણ મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે આરોપી પિતા પુરુષોત્તમ કદમની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેમને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે.

 

પોલીસ સૂત્રો પાસે મળતી વિગતો મુજબ, મૃતક યુવતીની માતા અને પોતે પણ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શીલા કદમ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રવિવારે વહેલી સવારે મધ્યરાત્રિ બાદ પિતા અને પુત્રી વચ્ચે ફોન તથા ટીવી વાપરવા અંગે સામાન્ય બોલાચાલી શરૂ થઈ હતી, જે જોતજોતામાં હિંસક ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. આ તકરાર દરમિયાન પરિસ્થિતિ વણસતા પિતાએ કંટ્રોલ ગુમાવ્યો હતો અને ઘરમાં પડેલું ક્રિકેટ બેટ ઉપાડી પુત્રીના માથાના પાછળના ભાગે સખત પ્રહાર કરી દીધો હતો, જેના કારણે ગંભીર ઈજા થતાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

 

બનાવ અંગે માહિતી આપતા સતારાના સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી વિપુલ પાટીલે જણાવ્યું હતું કે, "ઝઘડા દરમિયાન યુવતીએ નાની બહેન અને પિતા પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પિતાએ તેને કાબૂમાં લેવાના પ્રયાસમાં બેટથી માથામાં ફટકો માર્યો હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે." પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ યુવતીની ખોપરીમાં ઊંડી અને જીવલેણ ઈજા થવાથી મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે. ઘટના બની ત્યારે મોડી રાત્રે ઘરમાંથી આવેલો હોબાળો સાંભળીને પડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.

 

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ તપાસ ટીમને ગેરમાર્ગે દોરવા માટે શરૂઆતમાં માતા-પિતાએ એવો દાવો કર્યો હતો કે દીકરીનું માથું ભૂલથી દીવાલ સાથે અથડાવાથી અકસ્માતે ઈજા થઈ હતી. જોકે, કડક પૂછપરછ દરમિયાન સત્ય સામે આવ્યું હતું. તપાસમાં બહાર આવ્યું કે આરોપી કદમે પુત્રીના લોહીથી ખરડાયેલા કપડાં બદલી નાખ્યા હતા, શરીર સાફ કર્યું હતું અને લોહીવાળા કપડાં વોશિંગ મશીનમાં ધોઈને પુરાવા મિટાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પોલીસે પાછળથી ઘરમાં છુપાવેલું લોહીવાળું ક્રિકેટ બેટ કબજે કર્યું હતું, ત્યારબાદ શિક્ષકે પોતાની પુત્રીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

 

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એ વાત પણ પ્રકાશમાં આવી છે કે મૃતક કિશોરી ભૂતકાળમાં પણ આક્રમક વર્તન દર્શાવતી હતી અને અગાઉની એક ઘરગથ્થુ તકરારમાં તેણે પોતાના પિતાનો હાથ પણ તોડી નાખ્યો હતો. કૌટુંબિક વર્તણૂક અને આક્રમકતાને કારણે પરિવારે પુણેના નિષ્ણાત તબીબ પાસે તેની સારવાર અને કાઉન્સેલિંગ પણ કરાવ્યું હતું. આ માનસિક તણાવ અને સતત થતા ઝઘડા અંતે આવી ભયાનક દુર્ઘટનામાં પરિણમશે તેવી આશંકા પરિવારમાંથી કોઈને ન હતી.

 

હાલમાં પોલીસે હત્યાના ગંભીર આરોપસર ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૧૦૩(૧) હેઠળ આરોપી શિક્ષક વિરુદ્ધ કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો તપાસ દરમિયાન પુરાવા નષ્ટ કરવાનો અને ગુનો છુપાવવાનો ગુનો સાબિત થશે તો આરોપી વિરુદ્ધ વધુ સખત કલમો ઉમેરવામાં આવશે. હાલ પોલીસ રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટના ક્રમ અને હત્યા પાછળના અન્ય કોઈ સંભવિત કારણો અંગે આરોપીની સઘન પૂછપરછ ચલાવી રહી છે.

(5:34 PM IST)