<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

હિમાચલમાં કાળજું કંપાવતો અકસ્માત: ખીણમાં બસ ખાબકતાં કંડક્ટર સહિત બેનાં કમકમાટીભર્યા મોત

શિમલાના નાનખારીમાં રામપુરથી ખોલીઘાટ જતી સરકારી એસ.ટી. બસ ચાલકે કાબૂ ગુમાવતા ઊંડી ખીણમાં ખાબકી : ૨૦ મુસાફરો ને ઇજા

શિમલા :  દેવભૂમિ હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. નાનખારી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પહાડી માર્ગ પર બુધવારે મોડી સાંજે હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ની એક સરકારી બસ બેકાબૂ થઈને ભયાનક રીતે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બસના કંડક્ટર સહિત બે લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૨૦ થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભીષણ હતો કે બસ પહાડી પરથી પલટી મારી ગઈ હતી અને ઘટનાસ્થળે મુસાફરોની ચીસાચીસથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ સરકારી બસ રામપુરથી ખોલીઘાટ તરફ જઈ રહી હતી અને તેમાં આશરે ૨૫ જેટલા પ્રવાસીઓ સવાર હતા. ખોલીઘાટ નજીક પહોંચતા જ વળાંક પર ડ્રાઇવરે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે બસ સીધી નીચે ખાબકી હતી. દુર્ઘટનાનો અવાજ સાંભળીને સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને વહીવટી તંત્રની ટીમો પણ બચાવ સામગ્રી સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

હાલ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે રામપુર સ્થિત મહાત્મા ગાંધી સેવા મેડિકલ કોમ્પ્લેક્સ (ખાનેરી હોસ્પિટલ) માં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, ઘાયલો પૈકી કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારી સારવાર માટે આઈજીએમસી (IGMC) શિમલા રિફર કરવામાં આવી શકે છે. સ્થાનિક પ્રશાસને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને ઘાયલોને તમામ શક્ય સરકારી મદદ આપવાની જાહેરાત કરી છે, જ્યારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટેકનિકલ ખામી કે ડ્રાઇવરની બેદરકારી અંગે તપાસ હાથ ધરી છે.

(10:52 PM IST)