<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

હૈયાના બદલે હૈયું ! હાર્ટનું ઓપરેશન સફળ થયું તો, શ્રદ્ધાળુએ સાંવરિયા શેઠના ચરણોમાં સોનાનું હૃદય અર્પણ કર્યું

રાજસ્‍થાનના ચિતૌડગઢ જિલ્‍લાના મંડફિયા ખાતે આવેલા પ્રસિદ્ધ શ્રી સાંવરિયા શેઠ મંદિરમાં એક શ્રદ્ધાળુની અનોખી ભેટ ચર્ચાનો વિષય બની

જાલૌર,તા.૭: રાજસ્‍થાનના ચિતૌડગઢ જિલ્‍લાના મંડફિયા ખાતે આવેલા પ્રસિદ્ધ શ્રી સાંવરિયા શેઠ મંદિરમાં એક શ્રદ્ધાળુની અનોખી ભેટ ચર્ચાનો વિષય બની છે. જાલૌર જિલ્‍લાનો એક રહેવાસી હૃદય સંબંધિત ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો હતો. જેનું ઓપરેશન સફળ થયા પછી તેણે ભગવાન સાંવરિયા શેઠને ૨૧ ગ્રામ સોનાથી બનેલું હૃદય ભેટ ધર્યું છે. આ અનોખી ભેટની અંદાજિત કિમત ૩ લાખ રૂપિયાથી વધુ જણાવવામાં આવી રહી છે.

જાણકારી અનુસાર જાલૌરમાં રહેતો આ શ્રદ્ધાળુ હાર્ટ સંબંધિત બીમારીથી પીડિત હતો. સારવાર દરમિયાન તેણે ભગવાન સાંવરિયા શેઠ પાસે સ્‍વસ્‍થ થવાની પ્રાર્થના કરી હતી. સાથે જ માનતા પૂરી થાય તો ભગવાનને સોનાનું હૃદય ભેટ ધરવાનો વાયદો કર્યો હતો. જ્‍યારે તેની સારવાર અને ઓપરેશન સફળ રહ્યું તો તેણે પોતાની માનતા પૂરી કરવાનો નિર્ણય કર્યો અને મેવાડના પ્રસિદ્ધ કૃષ્‍ણધામ શ્રી સાંવરિયાજી મંદિર પહોંચી ગયો.

હાર્ટની બીમારીનું સફળ ઓપરેશન થયા પછી આ વ્‍યક્‍તિ ભગવાન સાંવરિયા શેઠના દરબારમાં પહોંચી ગયો. મંદિરમાં પહોંચીને શ્રદ્ધાળુએ ભગવાનના ચરણોમાં સોનામાંથી બનાવેલું હૃદયનું મોડલ અર્પણ કર્યું. સંપૂર્ણ રીતે સોનામાંથી તૈયાર કરવામાં આવેલું આ હાર્ટ મોડલનું વજન ૨૧ ગ્રામ છે અને તેની કિમત ૩ લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે. શ્રદ્ધાળુએ આ ભેટને મંદિરના ભેટ રૂપ કાર્યાલયમાં જમા કરાવી છે, ત્‍યાર બાદ મંદિર મંડળ દ્વારા તેને તેની રસીદ પણ આપવામાં આવી.

સામાન્‍ય રીતે સાંવરિયા શેઠના દરબારમાં શ્રદ્ધાળુઓ સોના-ચાંદીના આભૂષણ, મુકુટ, હાર અને અન્‍ય કિમતી વસ્‍તુઓની ભેટ અર્પણ કરતા હોય છે. પરંતુ હાર્ટની બીમારીથી સ્‍વસ્‍થ થયા પછી ભગવાનને હૃદયના આકારનું સોનાનું મોડલ ચડાવવું અનોખી ઘટના છે. શ્રદ્ધાળુએ પોતાની આ ભેટ દ્વારા ભગવાન પ્રત્‍યે આભાર અને અટૂટ આસ્‍થા પ્રગટ કરી છે. હવે ૨૧ ગ્રામના સોનાનું આ હૃદય મંદિરમાં ચડાવાયેલી અનોખી ભેટોમાં ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યું છે.

તમને જણાવી દઈએ કે, સાંવરિયા શેઠ મંદિરમાં આ વખતે શ્રદ્ધાળુઓએ દિલ ખોલીને દાન કર્યું છે. લોકોએ મંદિરમાં ૩૧ કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું છે. મંદિરને ૯૩૦ ગ્રામથી વધુ સોનાનું દાન પણ મળ્‍યું છે.(૪૦.૩)

(10:28 AM IST)