<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

જ્ઞાનેશ કુમાર વિરુધ્‍ધની સુનાવણી ટળીઃ સુપ્રીમ કોર્ટે ૧૦ દિવસનો સમય આપ્‍યો

આગામી સુનાવણી ૧૭ નવેમ્‍બરેઃ તમામ અરજીઓ સંદર્ભે ચૂંટણી પંચને નવી નોટિસ પાઠવી

નવી દિલ્‍હી, તા.૨૭: ભારતીય લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાની નિષ્‍પક્ષતા પર ઉભા થયેલા ગંભીર પ્રશ્‍નો વચ્‍ચે, સુપ્રીમ કોર્ટે મુખ્‍ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને દેશના ચૂંટણી પંચ ની કામગીરી વિરુદ્ધ દાખલ કરાયેલી હાઈ-પ્રોફાઈલ અરજીઓ પરની સુનાવણી મુલતવી રાખી છે. મુખ્‍ય ન્‍યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની ખંડપીઠે અરજદાર રાકેશ સિંહને ચૂંટણી પંચ દ્વારા છેલ્લી ઘડીએ રજૂ કરવામાં આવેલા કાઉન્‍ટર-એફિડેવિટનો અભ્‍યાસ કરવા અને પોતાનો જવાબ દાખલ કરવા માટે ૧૦ દિવસનો પૂરતો સમય મંજૂર કર્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ઈન્‍ડિયા ગઠબંધનના અગ્રણી નેતાઓ સહિત અનેક અરજદારોની અરજીઓ પર આકાર લઈ રહેલા આ કાનૂની વિવાદમાં હવે ૧૭ નવેમ્‍બર, ૨૦૨૬ ના રોજ આગામી મહત્‍વપૂર્ણ ધમાકો થવાની ધારણા છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદાર રાકેશ સિંહના વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે દલીલ કરી હતી કે ચૂંટણી પંચે ગત રાત્રે જ પોતાનું એફિડેવિટ કોર્ટમાં રજૂ કર્યું હતું, જેના અભ્‍યાસ અને યોગ્‍ય જવાબ માટે ૧૦ દિવસનો સમય અત્‍યંત જરૂરી છે. આ દલીલ માન્‍ય રાખીને CJI સૂર્યકાંતની બેન્‍ચે કેસને આગળ ધકેલ્‍યો હતો. સુનાવણી દરમિયાન ડૉ. એ.એમ. સિંઘવી અને મેનકા ગુરુસ્‍વામી જેવા પ્રખ્‍યાત વકીલો પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમણે ઈલેક્‍શન કમિશનના મૂળ રેકોર્ડ્‍સ અને ઓનલાઈન ફોર્મ ૬ તથા પ્રેસ નોટોમાં થયેલી કથિત છેડછાડ અંગેની ફાઈલ નોટિંગ્‍સ સાચવવાની મજબૂત માંગણી કરી હતી, જેના પર CJI એ અમે તપાસ કરીશું તેવી ખાતરી આપતા નવી નોટિસ જારી કરી છે.

આ સમગ્ર કાનૂની લડાઈના મૂળમાં સ્‍પેશિયલ ઈન્‍ટેન્‍સિવ રિવિઝન અને મતદાર યાદીમાંથી મોટા પાયે નામો કાઢી નાખવાની કામગીરી સામે ઉઠેલા ગંભીર આક્ષેપો છે. વિપક્ષનો આરોપ છે કે ચૂંટણી પંચ દ્વારા કાયદાકીય નિયમો અને સર્વસંમતિને નેવે મૂકીને એકપક્ષીય નિર્ણયો લેવામાં આવ્‍યા છે. બીજી તરફ, ચૂંટણી પંચે પોતાના સોગંદનામામાં તમામ આક્ષેપોને ફગાવી દેતા સ્‍પષ્ટતા કરી છે કે SIR સંબંધી તમામ નિર્ણયો ત્રણેય કમિશનરો દ્વારા સર્વાનુમતે જ લેવામાં આવ્‍યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા રેકોર્ડ તપાસવાના સંકેત અને ૧૦ દિવસની મુદત બાદ આ કેસમાં કયો નવો વળાંક આવે છે તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.

(3:45 PM IST)