<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

અમેરિકાના ન્યૂ જર્સીમાં શ્રી વેંકટેશ્વર મંદિર ખાતે હેલ્થ કેમ્પ ઓફ ન્યૂ જર્સી દ્વારા સફળ કમ્યુનિટી હેલ્થ ફેર યોજાયો : ૨૦૦થી વધુ નાગરિકોએ મફત આરોગ્ય તપાસ અને તબીબી સલાહનો લાભ લીધો

"આરોગ્ય સંસ્થાઓ, સમુદાયિક સંગઠનો, સ્વયંસેવકો અને ધાર્મિક સંસ્થાઓ સાથે મળીને કામ કરે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શકાય છે" - હેલ્થ કેમ્પ ઓફ ન્યૂ જર્સીના પ્રમુખ ડૉ. તુષાર પટેલ : કેન્સર નિવારણ, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ડેન્ટલ, આંખની તપાસ સહિતની મફત સેવાઓ પૂરી પાડવામાં આવી : આવનારો આગામી હેલ્થ કેમ્પ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પ્રિન્સટનના દુર્ગા મંદિર ખાતે યોજાશે

(દીપ્તિબેન જાની દ્વારા) ન્યૂ જર્સી: હેલ્થ કેમ્પ ઓફ ન્યૂ જર્સી (HCNJ), શ્રી વેંકટેશ્વર મંદિર (બાલાજી મંદિર) અને રોબર્ટ વૂડ જોન્સન યુનિવર્સિટી હોસ્પિટલ-સોમરસેટના સંયુક્ત ઉપક્રમે રવિવાર, ૧૯ જુલાઈ ૨૦૨૬ના રોજ બ્રિજવોટર સ્થિત શ્રી વેંકટેશ્વર મંદિર ખાતે એક વિશાળ અને સફળ કમ્યુનિટી હેલ્થ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય મેળાને સમુદાય તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો, જેમાં ૨૦૦થી વધુ લોકોએ મફત આરોગ્ય તપાસ, અનુભવી તબીબો સાથે પરામર્શ, રોગ અટકાયત વિષયક શિક્ષણ અને વેલનેસ સંસાધનોનો લાભ મેળવ્યો હતો.

આ આયોજનનો મુખ્ય હેતુ વિમા વિહોણા તેમજ નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકોને ગુણવત્તાસભર સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાનો અને રોગોનું વહેલું નિદાન કરવાનો હતો. હેલ્થ ફેરમાં કેન્સર નિવારણ શિક્ષણ, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, યુરોલોજી, મહિલા આરોગ્ય શિક્ષણ, માનસિક સ્વાસ્થ્ય તપાસ અને કાઉન્સેલિંગ, ફિઝિયોથેરાપી, આહાર અને પોષણ સંબંધિત માર્ગદર્શન, દાંતની તપાસ અને મુખ સ્વાસ્થ્ય શિક્ષણ, ગ્લુકોમા તથા ડાયાબિટીક રેટિનોપેથી માટે આંખની તપાસ તેમજ વૈકલ્પિક તબીબી સારવાર સહિતની સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ ઉપરાંત, ઈમરજન્સી તબીબી સ્થિતિમાં ઉપયોગી એવી સીપીઆર (CPR) અને ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર (AED) ની પ્રાયોગિક તાલીમ અને પ્રદર્શન પણ યોજાયા હતા.

હેલ્થ કેમ્પ ઓફ ન્યૂ જર્સીના પ્રમુખ ડૉ. તુષાર બી. પટેલે જણાવ્યું હતું કે, આરોગ્ય સંસ્થાઓ, સમુદાયિક સંગઠનો, સ્વયંસેવકો અને ધાર્મિક સંસ્થાઓ સાથે મળીને કામ કરે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શકાય છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂક કરવાનો અને વહેલા નિદાન દ્વારા જીવન બચાવવાનો છે.

આ કાર્યક્રમમાં SSAI, SAMHIN, RWJ યુનિવર્સિટી હોસ્પિટલ, શ્રી વેંકટેશ્વર મંદિરના સ્વયંસેવકો તેમજ લેબકોર્પ (LabCorp), રિતેશ શાહ ચેરિટેબલ ફાર્મસી અને ANS જેવી ભાગીદાર સંસ્થાઓએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. સંસ્થા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આગામી કમ્યુનિટી હેલ્થ ફેર રવિવાર, ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પ્રિન્સટન, ન્યૂ જર્સીના દુર્ગા મંદિર ખાતે યોજાશે, જે માટે www.IHCNJ.org પર ઓનલાઈન રજીસ્ટ્રેશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ છે.

છેલ્લા ૨૬થી વધુ વર્ષોથી સક્રિય હેલ્થ કેમ્પ ઓફ ન્યૂ જર્સી સંસ્થાએ અત્યાર સુધીમાં ૧૪,૦૦૦થી વધુ લોકોને મફત સ્વાસ્થ્ય તપાસ પૂરી પાડી છે અને ૪,૫૦૦થી વધુ ક્રોનિક રોગોનું સમયસર નિદાન કર્યું છે. સ્વાસ્થ્ય સેવાઓનો વ્યાપ વધારવાના ભાગરૂપે સંસ્થા દ્વારા આગામી ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સોમરસેટ, ન્યૂ જર્સી ખાતે 'લતા અતુલ શાહ કમ્યુનિટી હેલ્થ સેન્ટર'નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે, જે વર્ષભર પ્રાથમિક સારવાર, રોગ નિયંત્રણ અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડશે.

(11:34 PM IST)