<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

ટ્રેનની બારીમાંથી મોબાઇલ ચોરવા ગયો, અંદર બેઠેલા લોકોએ હાથ પકડીને તેને ૯ કિલોમીટર સુધી બહાર લટકાવી રાખ્‍યો

ખગડિયા,તા.૧૮: બિહારના એક સ્‍ટેશન પર બારીમાંથી મોબાઇલ ખૂંચવી લેવાની ચાલાકી કરવાનું એક ચોરને ભારે પડી ગયું હતું. ટ્રેન જસ્‍ટ શરૂ થવાની હતી ત્‍યારે જ એક મોબાઇલ-ચોરે બારીમાં હાથ નાખ્‍યો હતો, પરંતુ બારી પાસે બેઠેલા પેસેન્‍જરોએ સતર્કતા દાખવીને પેલાનો હાથ મોબાઇલ સુધી પહોંચ્‍યો એવો તરત જ પકડી લીધો હતો. બારીની બહાર ચોર હતો અને અંદરથી પેસેન્‍જરોએ તેનો હાથ પકડી લીધો અને એ જ સમયે ટ્રેન ચાલુ થઈ ગઈ. આ ઘટનાનો વિડિયો સોશ્‍યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં યુવક બારીની બહાર લટકી રહ્યો છે. તે વિનવણી કરે છે કે મારો હાથ પ્‍લીઝ છોડી દો, પણ પેસેન્‍જરો ટસના મસ નથી થતા. ખગડિયા સ્‍ટેશન પરની આ ઘટનામાં કહેવાઈ રહ્યું છે કે લોકોએ આ ચોરને લગભગ આઠથી ૯ કિલોમીટર સુધી ટ્રેન સાથે લટકાવીને ખેંચ્‍યો હતો. અંદરથી પેસેન્‍જરોએ તેનો વિડિયો પણ બનાવ્‍યો અને એમાં તેનું નામ અને સરનામું પૂછ્‍યું હતું. ચોરે પોતાનું નામ છોટુ યાદવ અને પિતાનું નામ પંકજ યાદવ જણાવ્‍યું હતું. તે લખમીનિયા ગામનો હતો. તેણે બચાવમાં કહ્યું હતું કે તે તો પોતાના કોઈ સંબંધીને શોધી રહ્યો હતો. નજીકના બીજા સ્‍ટેશને પહોંચ્‍યા ત્‍યાં સુધી પેસેન્‍જરોએ તેનો હાથ પકડી રાખ્‍યો હતો. આ ઘટના ૯ જુલાઈની રાતની છે. એ પછી ચોરને પોલીસના હવાલે કરી દેવામાં આવ્‍યો હતો.

 

(10:39 AM IST)