તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
સગીરવયની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવો એ પોક્સો હેઠળ ગુનોઃ હાઈકોર્ટ
મુસ્લિમ પર્સનલ લોનો હવાલો આપીને આરોપી બચી શકે નહીં: કેરળ હાઈકોર્ટની સ્પષ્ટતા : પીડિત સગીરા આરોપીની પત્ની છે કે નહીં, તેનાથી કોઈ વિશેષ ફેર પડતો નથી

તિરૂવનંતપૂરમ તા.૨: કેરળ હાઈકોર્ટે મંગળવારે ૧૭ વર્ષની સગીરા પર બળાત્કારના આરોપી સામેનો કેસ રદ કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. અદાલતે જણાવ્યું હતું કે લગ્ન સંબંધ આરોપીને ફોજદારી કાર્યવાહીમાંથી બચાવી શકતો નથી. જસ્ટિસ જોબિન સેબેસ્ટિયને ૧૯ ઓગસ્ટ, ૨૦૨૬ના આદેશમાં આ મહત્વની ટિપ્પણી કરી હતી. આરોપીએ દાવો કર્યો હતો કે
સગીર પીડિતા તેની કાયદેસરની પત્ની છે અને તેમના લગ્ન મુસ્લિમ રીતિ-રિવાજો મુજબ થયા હતા. આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૫ અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (પોક્સો) એક્ટ, ૨૦૧૨ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે છોકરીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોવાથી,
મુસ્લિમ પર્સનલ લો હેઠળ થયેલા લગ્ન પણ તેને પોક્સો એક્ટ હેઠળના ગુનામાંથી મુક્ત નહીં કરાવી શકે. અદાલતે નોંધ્યું, ‘‘જો દલીલ ખાતર એવું માની પણ લેવામાં આવે કે લગ્ન ધાર્મિક વિધિઓ મુજબ થયા હતા, તો પણ તે આરોપીની ફોજદારી જવાબદારી ખતમ નથી કરતી; ખાસ કરીને એટલા માટે કે લગ્ન અને શારીરિક સંબંધો બાંધતી વખતે પીડિતાની ઉંમર ૧૭ વર્ષ જ હતી.''
પોક્સો એક્ટની કલમ ૨(૧)(ડી) મુજબ ૧૮ વર્ષથી ઓછી ઉંમરની કોઈપણ વ્યક્તિ બાળક ગણાય છે. અદાલતે કહ્યું કે આ સંજોગોમાં પીડિતા આરોપીની પત્ની છે કે નહીં, તેનાથી કોઈ વિશેષ ફેર પડતો નથી, આ કેસમાં પ્રથમદર્શીય પુરાવાઓ પોક્સો એક્ટ હેઠળ ગુનો બનતા હોવાનું સાબિત કરે છે. અહીં નોંધવું રહ્યું કે, આરોપી ૨૩ ઓક્ટોબર-૨૦૨૧ના રોજ સગીરાને પોતાના ઘરે લઈ ગયો હતો. આરોપ છે કે તે જ રાત્રે અને ત્યારબાદના ૪ દિવસ સુધી તેણે સગીરા પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં આરોપીના માતા-પિતા પર પણ આ ગુનો આચરવામાં મદદ કરવાનો આરોપ છે. ત્યારબાદ શરૂ થયેલી કાયદેસરની કાર્યવાહીમાંથી બચવા માટે આરોપીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
