<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

મોડેલિંગ છોડી ભગવો ધારણ કરનાર હર્ષાનંદ ગિરીનો સંતોને ખૂલ્લો પડકાર: "વિદેશી ફંડિંગ સાબિત કરો તો મિલકત દાન કરી દઈશ", માનહાનિ બદલ ₹1 કરોડ માંગ્યા

ઉજ્જૈનમાં 'ગ્લેમરસ સાધ્વી'ના સંન્યાસ પર સંતોએ ઉઠાવ્યા સવાલ; "100 ઉંદર ખાઈને બિલાડી હજ પર ન જઈ શકે" કહીને દીક્ષાની તપાસ કરવા માંગ, હર્ષાનંદે પૂછ્યું- "માત્ર સ્ત્રીનો જ વિરોધ કેમ?"

ઉજ્જૈન: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં અત્યારે એક હાઈ-પ્રોફાઈલ આધ્યાત્મિક વિવાદ વકર્યો છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડેલ રહી ચૂકેલા હર્ષ રિચારિયા, જેઓ હવે 'સ્વામી હર્ષાનંદ ગિરી' તરીકે ઓળખાય છે, તેમના સંન્યાસને લઈને સંત સમાજમાં બે ફાટા પડી ગયા છે. કેટલાક વરિષ્ઠ સંતોએ હર્ષાનંદના ત્યાગને 'પબ્લિસિટી સ્ટંટ' ગણાવતા જબરદસ્ત હંગામો મચાવ્યો છે. જેના જવાબમાં હર્ષાનંદે એક વીડિયો જાહેર કરી વિરોધ કરનારા સંતોને આડે હાથ લીધા છે.

હર્ષાનંદ ગિરીએ પોતાના પર લાગેલા વિદેશી ફંડિંગના આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. તેમણે પડકાર ફેંકતા કહ્યું કે, "જો મારા પરનો એક પણ આરોપ સાચો સાબિત થાય તો હું મારી તમામ મિલકત દાન કરી દઈશ, પરંતુ જો આરોપો ખોટા ઠરશે તો હું માનહાનિ બદલ ₹૧ કરોડનું વળતર માંગીશ." તેમણે પોતાના મેકઅપ અને ચશ્મા પર થતી ટીકાઓનો જવાબ આપતા કહ્યું કે તે ડોક્ટરની સલાહ પર ચશ્મા પહેરે છે, જે ફેશન નથી. તેમણે સવાલ કર્યો કે શું સ્ત્રી હોવાને કારણે જ તેમના સંન્યાસનો આટલો વિરોધ થઈ રહ્યો છે?

સંત સમાજમાં ભારોભાર રોષ: "આ સનાતન ધર્મની મજાક"

બીજી તરફ, મધ્યપ્રદેશ સંત સમિતિના પ્રમુખ મહારાજ અનિલાનંદે આ દીક્ષાને અસ્વીકાર્ય ગણાવી છે. તેમણે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "1૦૦ ઉંદર ખાઈને બિલાડી હજ પર જઈ શકે નહીં." તેમણે આક્ષેપ કર્યો કે હર્ષ રિચારિયાએ ભૂતકાળમાં સનાતન ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી, તેથી તેમને આ રીતે અચાનક સંન્યાસ આપવો એ પરંપરાનું અપમાન છે. તેમણે માંગ કરી છે કે ઉજ્જૈનના મૌની તીર્થ આશ્રમમાં હર્ષાનંદને દીક્ષા આપનારા મહામંડલેશ્વર સુમનાનંદજી મહારાજની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ.

કોણ છે હર્ષ રિચારિયા (હર્ષાનંદ ગિરી)?

૩૦ વર્ષીય હર્ષ રિચારિયા સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતી પ્રભાવક છે. તેમણે અમદાવાદથી યોગનો અભ્યાસ કર્યો છે અને અગાઉ તેઓ સ્ટેજ એન્કરિંગ અને મોડેલિંગ ક્ષેત્રે સક્રિય હતા. જાન્યુઆરી ૨૦૨૫માં પ્રયાગરાજ કુંભ મેળામાં સંતો સાથે રથ પર સવાર થઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા. જોકે, ત્યારે તેમણે પોતાને સાધ્વી હોવાનો ઈન્કાર કર્યો હતો, પરંતુ હવે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે તેમણે વિધિવત સંન્યાસ ગ્રહણ કર્યો છે. અખાડા પરિષદ આ મામલે હવે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

(9:57 PM IST)