News of Thursday, 7th May 2026
ભારતીય શિક્ષણ જગતની વરવી વાસ્તવિકતા: નીતિ આયોગના રિપોર્ટમાં મોટો ધડાકો, ૧ લાખ શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે!
ડિજિટલ ડિવાઈડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં; ૯૮,૦૦૦ થી વધુ શાળાઓમાં છોકરીઓ માટે અલગ શૌચાલય પણ નથી

નવી દિલ્હી: ભારતની શિક્ષણ વ્યવસ્થામાં પ્રગતિના દાવાઓ વચ્ચે નીતિ આયોગનો લેટેસ્ટ રિપોર્ટ 'સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા' ચોંકાવનારા આંકડાઓ સામે લાવ્યો છે. આ અહેવાલ મુજબ, દેશમાં શિક્ષણનું માળખું સુધરવાને બદલે અનેક જગ્યાએ ખાડે ગયું છે. સૌથી ગંભીર બાબત એ છે કે દેશની ૧ લાખથી વધુ શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના જોરે ચાલી રહી છે, જે શિક્ષણની ગુણવત્તા સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા કરે છે.
શાળાઓનું માળખું જ નબળું: પ્રાથમિક પછી ડ્રોપઆઉટ વધ્યો
રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં પ્રાથમિક શાળાઓની સંખ્યા ૭.૩ લાખ છે, પરંતુ ઉચ્ચ માધ્યમિક સુધી પહોંચતા આ સંખ્યા ઘટીને માત્ર ૧.૬૪ લાખ થઈ જાય છે. આ 'પિરામિડ' જેવું માળખું વિદ્યાર્થીઓને વારંવાર શાળા બદલવા મજબૂર કરે છે, જેના કારણે ધોરણ ૫, ૮ અને ૧૦ પછી વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે. નવાઈની વાત એ છે કે દેશમાં માત્ર ૫ ટકા શાળાઓ જ એવી છે જ્યાં ધોરણ ૧ થી ૧૨ સુધીનો સળંગ અભ્યાસ ઉપલબ્ધ છે.
સુવિધાઓનો અભાવ: ક્યાંક વીજળી નથી તો ક્યાંક શૌચાલય નથી
ડિજિટલ ઈન્ડિયાના યુગમાં પણ ૧.૧૯ લાખ શાળાઓ હજુ અંધકારમાં છે, કારણ કે ત્યાં વીજળીની કોઈ સુવિધા નથી. આ સિવાય, ૯૮,૫૯૨ શાળાઓમાં છોકરીઓ માટે અલગ શૌચાલય નથી અને ૬૧,૦૦૦ થી વધુ શાળાઓમાં તો વાપરવા લાયક એક પણ શૌચાલય નથી. આ પાયાની સુવિધાઓના અભાવે ખાસ કરીને કિશોરીઓમાં ડ્રોપઆઉટ રેટ સતત વધી રહ્યો છે.
શિક્ષકોની અછત અને નબળું જ્ઞાન
રિપોર્ટમાં શિક્ષકોની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. શિક્ષકો ભણાવવાને બદલે સર્વે, ચૂંટણી લક્ષી કામગીરી અને રેકોર્ડ રાખવા જેવા બિન-શૈક્ષણિક કામોમાં વધુ વ્યસ્ત રહે છે. આઘાતજનક બાબત એ છે કે ઘણા શિક્ષકો પોતે જે વિષય ભણાવે છે તેમાં ૬૦-૭૦ ટકા જેટલા ગુણ પણ મેળવી શકતા નથી. આ જ કારણ છે કે ગ્રામીણ ભારતમાં ધોરણ ૫ ના અડધા વિદ્યાર્થીઓ ધોરણ ૨ નું પુસ્તક પણ વાંચી શકતા નથી.
ખાનગી શાળાઓ તરફ વધતો ઝોક
સરકારી શાળાઓની આ ખસ્તા હાલતને કારણે વાલીઓ હવે ખાનગી શાળાઓ તરફ વળ્યા છે. ૨૦૦૫માં ૭૧ ટકા બાળકો સરકારી શાળામાં હતા, જે ૨૦૨૫ સુધીમાં ઘટીને ૪૯ ટકા થઈ ગયા છે. નીતિ આયોગે ચેતવણી આપી છે કે જો સમયસર શિક્ષણમાં સુધારો નહીં કરવામાં આવે, તો આ 'ડિજિટલ ડિવાઈડ' અને શૈક્ષણિક અસમાનતા દેશના ભવિષ્ય માટે મોટો ખતરો બની શકે છે.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
