<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

કાનૂની ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ વધારતા હરિન પી. રાવલઃ દીપાંકર ગુપ્તા રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત

પૂર્વ ચીફ જસ્ટીસ સંજીવ ખન્નાના હસ્તે અપાયું સન્માનઃ ચાર દાયકાની વિશિષ્ટ કાનૂની કારકિર્દરને રાષ્ટ્રીય માન્યતા

નવી દિલ્હી, તા. ૮ : સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને ગુજરાતના જાણીતા કાનૂનવિદ્ શ્રી હરિનભાઈ પ્રવીણકાંત રાવલને ભારતીય ન્યાયતંત્ર તથા કાનૂની ક્ષેત્રે આપેલા વિશિષ્ટ યોગદાન બદલ પ્રતિષ્ઠિત ‘સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા દીપાંકર ગુપ્તા રાષ્ટ્રીય પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા છે.

 

નવી દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ સંજીવ ખન્નાના હસ્તે તેમને આ પુરસ્કાર અર્પણ કરાયો હતો. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ જસ્ટિસ એ. કે. પટનાયક સહિત કાનૂની ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ડિસેમ્બર, ૧૯૬૩માં પ્રતિષ્ઠિત કાનૂની પરિવારમાં જન્મેલા શ્રી હરિન રાવલ ત્રીજી પેઢીના ધારાશાસ્ત્રી છે. તેમના માતામહ અગાઉના ધ્રાંગધ્રા રજવાડામાં ન્યાયાધીશ હતા. તેમના પિતા સ્વ. પ્રવીણકાંત રાવલ વરિષ્ઠ ધારાશાસ્ત્રી, કેન્દ્ર સરકારના વરિષ્ઠ સ્થાયી વકીલ અને રાજ્યના અધિક મહાધિવક્તા તરીકે સેવાઓ આપી ચૂક્યા હતા.

 

શ્રી હરિન રાવલે અમદાવાદની એચ. એ. કોલેજ ઓફ કોમર્સમાંથી વાણિજ્ય અને સર એલ. એ. શાહ લો કોલેજમાંથી કાયદાની પદવી મેળવી હતી. તેઓ તા. ૭ સપ્ટેમ્બર, ૧૯૮૭ના રોજ ગુજરાત બાર કાઉન્સિલમાં નોંધાયા અને પિતાના માર્ગદર્શન હેઠળ ગુજરાત હાઇકોર્ટમાં વકીલાતનો પ્રારંભ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે જુલાઈ, ૨૦૦૯માં તેમને વરિષ્ઠ ધારાશાસ્ત્રી તરીકે માન્યતા આપી હતી.

 

તેમણે દીવાની, ફોજદારી, બંધારણીય, જમીન, મહેસૂલ અને કરવેરા સહિતના અનેક જટિલ કેસો હાથ ધર્યા છે. જિલ્લા, તાલુકા, અનુસૂચિત અને રાજ્ય સહકારી બેન્કો, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, નગરપાલિકાઓ, પંચાયતો તથા સહકારી સંઘો માટે પણ તેમણે કાનૂની સેવાઓ આપી છે. સુપ્રીમ કોર્ટે વિવિધ કેસોમાં તેમની અદાલત મિત્ર તરીકે પણ નિમણૂક કરી હતી.

 

તેઓ જુલાઈ, ૨૦૦૭થી જુલાઈ, ૨૦૦૯ સુધી ગુજરાત હાઇકોર્ટમાં ભારત સરકારના મદદનીશ સોલિસિટર જનરલ અને જુલાઈ, ૨૦૦૯થી એપ્રિલ, ૨૦૧૩ સુધી સુપ્રીમ કોર્ટમાં અધિક સોલિસિટર જનરલ રહ્યા હતા. આ દરમિયાન તેમણે ટુ-જી સ્પેક્ટ્રમ કેસ, સત્યમ  કૌભાંડ, ભોપાલ ગેસ દુર્ઘટના અને બાળ અધિકારો સહિતના મહત્ત્વપૂર્ણ કેસોમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

 

જૂન, ૨૦૧૩થી તેઓ સુપ્રીમ કોર્ટમાં સ્વતંત્ર વરિષ્ઠ ધારાશાસ્ત્રી તરીકે કાર્યરત છે. રાજસ્થાન, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને કેરળ સરકારનું પ્રતિનિધિત્વ કરવા ઉપરાંત તેઓ હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના સ્થાયી વરિષ્ઠ વકીલ પણ છે.

 

શ્રી હરિન રાવલે વર્ષ ૧૯૯૮માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી પણ લડી હતી. હાલમાં તેઓ સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય છે. અગાઉ તેઓ રાંચીની નેશનલ લો યુનિવર્સિટી અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની સંચાલક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા રહ્યા હતા.

(4:10 PM IST)