<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

માતા વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓ માટે નવરાત્રી પૂર્વે આનંદના સમાચાર: સાબરમતી-જમ્મુ તાવી એક્સપ્રેસ હવે સીધી કટરા સ્ટેશન સુધી લંબાવાઈ

ગુજરાત સહિત પાંચ રાજ્યોના લાખો યાત્રાળુઓનો સમય અને નાણાં બચશે; ૧૮ ઓક્ટોબરથી બદલાયેલા રૂટ સાથે ટ્રેન નંબર ૧૯૨૨૩ સીધી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા પહોંચશે

અમદાવાદ : ગુજરાતમાંથી જમ્મુ-કાશ્મીર સ્થિત માતા વૈષ્ણોદેવીના દર્શને જતાં લાખો શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરતા ભારતીય રેલ્વે દ્વારા નવરાત્રીના પાવન પર્વ પૂર્વે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ્વે તંત્ર દ્વારા સાબરમતી-જમ્મુ તાવી એક્સપ્રેસના રૂટને લંબાવીને હવે સીધો શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશન સુધી કરવાનો નિર્ણય કરાયો છે. આગામી ૧૮ ઓક્ટોબરના રોજ સાબરમતીથી ઊપડનારી ટ્રેન નંબર ૧૯૨૨૩ હવે જમ્મુ તાવીને બદલે છેક કટરા પહોંચશે, જ્યારે વળતા પ્રહારમાં ટ્રેન નંબર ૧૯૨૨૪ તારીખ ૨૦ ઓક્ટોબરથી કટરા સ્ટેશનથી સાબરમતી માટે રવાના થશે. દર વર્ષે ગુજરાતમાંથી અંદાજે ૪૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓ મા વૈષ્ણોદેવીના ચરણોમાં શીશ નમાવવા જાય છે, જેમના માટે આ નિર્ણય વરદાનરૂપ સાબિત થશે.

 

અત્યાર સુધી સાબરમતીથી ઊપડતી આ એક્સપ્રેસ ટ્રેન માત્ર જમ્મુ તાવી સ્ટેશન સુધી જ જતી હતી, જેના કારણે યાત્રાળુઓને કટરા સ્થિત બાણગંગા બેઝ કેમ્પ પહોંચવા માટે પ૦ કિલોમીટર જેટલું અંતર અન્ય વાહનો મારફતે કાપવું પડતું હતું. આ વધારાની મુસાફરીને કારણે ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને ભારે શારીરિક હાલાકી ભોગવવી પડતી હતી, સાથોસાથ પ્રવાસીઓ પર આર્થિક બોજ પણ વધતો હતો. હવે ટ્રેન સીધી કટરા સુધી લંબાવાતા શ્રદ્ધાળુઓના સમય અને નાણાં બંનેની મોટી બચત થશે.

 

આ ટ્રેનની મુસાફરીનો લાભ માત્ર ગુજરાત પૂરતો સીમિત ન રહેતાં દેશના પાંચ રાજ્યોના પ્રવાસીઓને મળશે. આ ટ્રેન ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના અનેક પ્રમુખ શહેરો અને સ્ટેશનો પરથી પસાર થાય છે. જમ્મુ-કાશ્મીર ક્ષેત્રમાં પ્રવેશ્યા બાદ આ ટ્રેન સાંભા, બારી બ્રાહ્મણ અને શહીદ કેપ્ટન તુષાર મહાજન (ઉધમપુર) જેવા મહત્વના સ્ટેશનો પર પણ વિરામ લેશે, જેથી આસપાસના વિસ્તારોના લોકોને પણ કટરા જવા માટે સીધી કનેક્ટિવિટી મળી રહેશે.

 

કટરા રેલવે સ્ટેશન સીધું વૈષ્ણોદેવી યાત્રાના મુખ્ય બેઝ કેમ્પ એટલે કે બાણગંગાની ખૂબ જ નજીક આવેલું હોવાથી પ્રવાસીઓને અનેક સગવડો પ્રાપ્ત થશે. રેલવે સ્ટેશન પરિસરમાં જ યાત્રા રજિસ્ટ્રેશન કાઉન્ટર, સામાન રાખવા માટે ક્લોક રૂમ, પ્રી-પેડ ઓટો સર્વિસ અને હોટેલોની ઉત્તમ સુવિધા સરળતાથી મળી રહે છે. આ ઉપરાંત સ્ટેશન પરથી તારાકોટ માર્ગ, બાણગંગા ચઢાઈ પોઈન્ટ અથવા સાંઝી છત જવા માટેના હેલિપેડ અને રોપવે પોઈન્ટ સુધી પહોંચવું પણ પ્રવાસીઓ માટે અત્યંત સરળ બની જશે.

 

ઉલ્લેખનીય છે કે, પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં રેલવે લાઇનના વિસ્તારીકરણ અને યાત્રાળુઓની સુવિધા વધારવાના ભાગરૂપે રેલવે મંત્રાલય દ્વારા અગાઉ પણ અનેક ટ્રેનોને કટરા સુધી લંબાવવાના સફળ પ્રયોગો કરવામાં આવ્યા છે. અગાઉ જમ્મુ સુધી જતી ટ્રેનોમાં મુસાફરી કર્યા બાદ સ્થાનિક ટેક્સી કે બસ ચાલકો દ્વારા વસૂલવામાં આવતા મનસ્વી ભાડાંથી મુસાફરો ભારે પરેશાન થતા હતા. આ નિર્ણયથી પ્રવાસીઓની તે જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે.

 

આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયને પશ્ચિમ રેલવેના વિવિધ મુસાફર મંડળો અને ધાર્મિક સંગઠનો દ્વારા આવકારવામાં આવ્યો છે. ૧૮ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી આ સીધી ટ્રેન સેવાને કારણે ચાલુ વર્ષે પાવન નવરાત્રી પર્વ દરમિયાન માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થે જતાં યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેલવે તંત્ર દ્વારા પણ મુસાફરોના ઘોડાપૂરને પહોંચી વળવા માટે સ્ટેશન પર જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરી લેવામાં આવી છે.

 

(7:17 PM IST)