<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

ક્રુઝ જહાજમાં હંટાવાયરસનો હાહાકાર: તમામ મુસાફરોને 'હાઈ રિસ્ક' કેટેગરીમાં મુકીને સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા વતન પરત મોકલવા કવાયત તેજ

યુરોપિયન હેલ્થ એજન્સીએ જહાજ પર સવાર તમામ પ્રવાસીઓને જોખમી ગણાવ્યા, ત્રણના મોત બાદ WHO અને ECDC એ સાવચેતીના ભાગરૂપે આકરા પ્રોટોકોલ સાથે ઓપરેશન શરૂ કર્યું

ટેનેરાઇફ: એમવી હોન્ડિયસ ક્રુઝ જહાજ પર હંટાવાયરસના ચેપને કારણે ત્રણ પ્રવાસીઓના મોત નિપજતા યુરોપિયન હેલ્થ એજન્સી સતર્ક બની છે. ટેનેરાઇફ ટાપુ પર જહાજના લંગર પહેલા જ એજન્સીએ તમામ મુસાફરોને ઉચ્ચ જોખમી સંપર્ક તરીકે જાહેર કર્યા છે. જે મુસાફરોમાં લક્ષણો નથી તેમને પણ સામાન્ય વિમાન સેવાને બદલે ખાસ વ્યવસ્થા હેઠળ તેમના વતન મોકલીને ક્વોરન્ટાઇન કરવામાં આવશે જેથી સંક્રમણ ફેલાતું અટકાવી શકાય.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના રિપોર્ટ અનુસાર આ જહાજ પર કુલ આઠ લોકો બીમાર પડ્યા હતા, જેમાંથી છમાં વાયરસની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં નેધરલેન્ડનું એક દંપતી અને જર્મન નાગરિકનો સમાવેશ થાય છે. આરોગ્ય અધિકારીઓ દ્વારા મુસાફરોને બહાર કાઢવા માટેની તબીબી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ચેપગ્રસ્ત મુસાફરોને સ્થાનિક સ્તરે જ આઇસોલેશનમાં રાખવા અથવા તબીબી દેખરેખ હેઠળ એર લિફ્ટ કરવાની દરખાસ્ત મુકવામાં આવી છે.
જોકે નિષ્ણાતોના મતે હંટાવાયરસ સામાન્ય રીતે ઉંદરોથી ફેલાય છે અને માનવથી માનવમાં ફેલાવવાનું જોખમ ઘણું ઓછું છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે એજન્સીએ તમામ દેશોને તકેદારી રાખવા સૂચના આપી છે. લક્ષણો ધરાવતા દર્દીઓની મેડિકલ તપાસને પ્રાથમિકતા આપીને તેમને અન્ય લોકોથી અલગ રાખવાની કામગીરી ચાલી રહી છે. ક્રુઝ ઓપરેશનમાં આ પ્રકારે વાયરસ ફાટી નીકળવાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસન અને આરોગ્ય સુરક્ષા મામલે ચિંતા વધી છે.

(2:19 PM IST)