<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

દારૂના પૈસા ન આપતાં પત્ની પર કેરોસીન છાંટી જીવતી સળગાવનાર જલ્લાદ પતિને આજીવન કારાવાસ, ૧૩ વર્ષ જૂના કેસમાં કોર્ટનો આકરો ચુકાદો!

માસૂમ પુત્રીની જુબાની અને મૃત્યુપૂર્વના નિવેદન (Dying Declaration) ના આધારે આરોપીની 'સ્ટવ ફાટવાની' બનાવટી કહાની ફગાવાઈ; થાણે સેશન્સ કોર્ટે ફટકાર્યો દંડ

થાણે : દારૂ પીવાની લત માટે પૈસા આપવાનો ઇનકાર કરનારી પત્ની પર કેરોસીન છાંટીને તેને નિર્મમતાથી જીવતી સળગાવી દેવાના ૧૩ વર્ષ જૂના દર્દનાક કેસમાં થાણે જિલ્લા અદાલતે ચુકાદો આપ્યો છે. એડિશનલ સેશન્સ જજ આર. વી. તામ્હાણેકરે ૨૮ વર્ષના પૂર્વ સિક્યોરિટી ગાર્ડને દોષી ઠેરવીને આજીવન કારાવાસની આકરી સજા ફટકારી છે.

 

શું હતી સમગ્ર ઘટના?

 

આ કમકમાટીભરી ઘટના ૧૫ જુલાઈ, ૨૦૧૩ના રોજ ઉલ્હાસનગર-૪ ખાતે ગુરુદ્વારા નજીક આવેલી સતનામ સાકી સોસાયટીમાં બની હતી. સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો મહાનમસિંહ ઉર્ફે રોબિન માનસિંગ થાપા દારૂનો ભારે આદતી હતો. બનાવના દિવસે તેણે દારૂ ખરીદવા માટે તેની પત્ની નન્હી ઉર્ફે નંદી પાસે પૈસા માંગ્યા હતા. પત્નીએ સ્પષ્ટ ઇનકાર કરતાં ઝઘડો થયો હતો. આવેશમાં આવીને રાક્ષસી માનસિકતા ધરાવતા પતિએ પત્નીને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ તેના પર કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી.

 

૯૦ ટકા દાઝી ગયેલી પત્નીનું સારવાર દરમિયાન મોત

 

આગની લપેટમાં આવી ગયેલી ૯૦ ટકા દાઝેલી પત્નીને તાત્કાલિક ઉલ્હાસનગરની સેન્ટ્રલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બે દિવસ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ ૧૭ જુલાઈ, ૨૦૧૩ના રોજ તેનું દર્દનાક મોત નીપજ્યું હતું.

 

પુત્રીની જુબાની અને 'ડાઇંગ ડિક્લેરેશન' બન્યા મુખ્ય પુરાવા

 

કોર્ટ કાર્યવાહી દરમિયાન આરોપી પતિએ બચાવપક્ષ તરીકે એવી ખોટી કહાની ઘડી હતી કે સ્ટવ ફાટવાને કારણે તેની પત્ની દાઝી ગઈ હતી. પરંતુ, બનાવની પ્રત્યક્ષદર્શી સાક્ષી એવી મૃતકની સગીર પુત્રીની જુબાની અને મૃત્યુ પામતાં પહેલાં પત્નીએ પોલીસ અધિકારી તથા સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા મજબૂત નિવેદને આરોપીનો પર્દાફાશ કર્યો હતો. કોર્ટે આરોપીના તમામ બચાવ ફગાવી દઈને તેને આજીવન કારાવાસ અને ₹૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે. જો દંડની રકમ ન ભરે તો આરોપીએ વધારાની ૩ મહિનાની સખત કેદ ભોગવવી પડશે.

(6:39 PM IST)