તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
હામિદ અન્સારીના વિવાદિત નિવેદનથી રાજકારણ ગરમાયું: "દક્ષિણપંથી સાંપ્રદાયિકતા સામ્યવાદ કરતા પણ મોટો ખતરો"
જવાહરલાલ નેહરુ અને એ.જી. નૂરાનીના પુસ્તકના સંદર્ભ સાથે પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ દેશમાં ધાર્મિક બહુમતીવાદ પર ચિંતા વ્યક્ત કરી : ભાજપ અને VHP એ સામૂહિક પ્રહાર કરી અન્સારી પર કટ્ટરપંથીઓને છાવરવાનો આક્ષેપ કર્યો

નવી દિલ્હી: દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીના એક નવેસરના વિવાદિત નિવેદને દેશના રાજકારણમાં એક મોટો વૈચારિક અને રાજકીય સંગ્રામ છેડી દીધો છે. ૧૮ સપ્ટેમ્બરે નવી દિલ્હીના ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટર ખાતે આયોજિત 'એ.જી. નૂરાની મેમોરિયલ લેક્ચર' દરમિયાન બોલતા હામિદ અન્સારીએ દિવંગત બંધારણીય નિષ્ણાત એ.જી. નૂરાનીના પુસ્તક "ધ આરએસએસ: અ મેનિસ ટુ ઈન્ડિયા" નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના એક જૂના સંદર્ભને ટાંકીને જણાવ્યું હતું કે ભારત માટે વાસ્તવિક ખતરો સામ્યવાદ કે ડાબેરી વિચારધારા નથી, પરંતુ હિન્દુ જમણેરી સાંપ્રદાયિકતા છે. અન્સારીએ દેશમાં નાગરિક રાષ્ટ્રવાદના સ્થાને સાંસ્કૃતિક અને ધાર્મિક બહુમતીવાદ સ્થાપવાના થઈ રહેલા પ્રયાસો સામે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
હામિદ અન્સારીના આ વિવાદિત નિવેદન સામે શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) અને હિન્દુ સંગઠનોએ આકરા પ્રહારો કર્યા છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ અન્સારી પર સીધો નિશાન સાધતા કહ્યું હતું કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિની સૌથી મોટી સમસ્યા એ છે કે તેઓ દેશને તોડનારા ધાર્મિક કટ્ટરપંથીઓ, ઉગ્રવાદીઓ અને અલગતાવાદીઓ સામે એક શબ્દ પણ બોલતા નથી. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ આ નિવેદનને કોંગ્રેસની જૂની "હિન્દુ આતંકવાદ" વાળી વૈચારિક માનસિકતા સાથે સરખાવ્યું હતું અને આક્ષેપ કર્યો હતો કે અન્સારી જાણી જોઈને એક ચોક્કસ રાજકીય એજન્ડાને પ્રોત્સાહન આપી રહ્યા છે.
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નેતા સુરેન્દ્ર જૈને પણ અન્સારીના નિવેદનને સખત શબ્દોમાં ફગાવી દેતા વળતો પ્રહાર કર્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો હિન્દુ સમાજ સાંપ્રદાયિક, અસહિષ્ણુ કે કટ્ટરપંથી હોત, તો શું અન્સારી દેશના ઉચ્ચતમ સબંધિત બંધારણીય પદો પર રહી શક્યા હોત કે આવી મુક્ત ટિપ્પણીઓ કરી શક્યા હોત? ભાજપના નેતા નીલમ સોનકરે પણ અન્સારીને ભૂતકાળની વિભાજનકારી માનસિકતામાંથી બહાર આવીને દેશની વાસ્તવિક અને સામાજિક પરિસ્થિતિનું તટસ્થ આકલન કરવાની સલાહ આપી હતી.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
