<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

અમેરિકામાં હેલોવીન વીકએન્ડ ભયાનક: ટેક્સાસના ડલાસ, અલબામા, ડેલવેર અને અરકન્સાસમાં શ્રેણીબદ્ધ ગોળીબારમાં 5 લોકોના મોત: 35 થી વધુ ઘાયલ

ડલાસમાં જ ત્રણ જગ્યાએ ફાયરિંગથી 4 ના મોત થયા:પોલીસે અમુક લોકોની ધરપકડ કરી:ફૂટબોલ મેચ પછી તેમજ યુનિવર્સિટી નજીક થયેલા આ હુમલાઓની તપાસ તેજ કરી

અમેરિકામાં હેલોવીન વીકએન્ડ દરમિયાન અલગ-અલગ શહેરોમાં થયેલી ગોળીબારની ઘટનાઓએ લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. ટેક્સાસના ડલાસમાં જ 3 અલગ-અલગ સ્થળોએ ફાયરિંગની ઘટનાઓ બની હતી, જેમાં 4 લોકોનાં મોત થયાં છે, જ્યારે 15 અન્ય લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત અલબામા, ડેલવેર અને અરકન્સાસમાં પણ ગોળીબારની ઘટનાઓ સામે આવી છે. પોલીસે તમામ ઘટનાઓની તપાસ શરૂ કરી છે અને ડલાસની ત્રણેય ઘટનાઓ વચ્ચે કોઈ કડી છે કે કેમ તે જાણવાના પ્રયાસો થઈ રહ્યા છે.

 

એસોસિએટેડ પ્રેસ (AP)ના અહેવાલ અનુસાર, ટેક્સાસના ડલાસ શહેરના ડીપ એલમ વિસ્તારમાં 3 અલગ-અલગ સ્થળોએ ગોળીબાર થયો હતો. આ ઘટનાઓમાં 4 લોકોનાં મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. ડલાસના પોલીસ ચીફ ડેનિયલ કોમોના જણાવ્યા મુજબ, હાલમાં આ ગોળીબાર પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

 

આ મામલે પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરી છે. જોકે, કેટલા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમની સામે કયા આરોપો મૂકવામાં આવ્યા છે તે અંગે અધિકારીઓએ વિગતો જાહેર કરી નથી. પોલીસ ચીફે જણાવ્યું કે ગોળીબારનાં સ્થળો ઘણાં મોટા વિસ્તારમાં ફેલાયેલાં છે. ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી ત્રણેય ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકે.

 

 

અમેરિકાના અલબામા રાજ્યના બર્મિંગહામમાં પણ ગોળીબારની ગંભીર ઘટના બની હતી. લેજિયન ફિલ્ડ સ્ટેડિયમ નજીક શનિવારે રાત્રે મેજિક સિટી ક્લાસિક ફૂટબોલ મેચ પૂર્ણ થયા બાદ ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય 8 લોકો ઘાયલ થયા છે. બર્મિંગહામના પોલીસ ચીફ માઈકલ પિકેટે જણાવ્યું કે મેચ પૂર્ણ થયા બાદ મોટા ભાગના દર્શકો અને પરિવારો સ્ટેડિયમ પરિસરમાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ નજીકના ગ્રેમોન્ટ એવન્યુ વિસ્તારમાં ગોળીબાર થયો હતો. આ વિસ્તારમાં અનેક સ્થાનિક વિક્રેતાઓ પણ હાજર હતા.

પોલીસ પ્રવક્તા ડી'રેલ ફ્રીમેનના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિને કસ્ટડીમાં લઈને પૂછપરછ માટે પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યો છે. ઘટનાસ્થળેથી કેટલાંક હથિયારો પણ મળી આવ્યાં છે, જેને સુરક્ષિત રીતે કબજે કરવામાં આવ્યાં છે. જોકે, ફાયરિંગ પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઉલ્લેખનીય છે કે આ ફૂટબોલ મુકાબલામાં અલબામા A&Mએ અલબામા સ્ટેટને 31-28થી હરાવ્યું હતું. આ મેચ નિહાળવા માટે અંદાજે 70 હજાર દર્શકો પહોંચ્યા હતા.

 

 

ડેલવેર રાજ્યના નેવાર્ક શહેરમાં આવેલી યુનિવર્સિટી ઓફ ડેલવેરના કેમ્પસ નજીક પણ શનિવારે રાત્રે ગોળીબાર થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, રાત્રે લગભગ 11:10 વાગ્યા બાદ બનેલી આ ઘટનામાં 6 લોકોને ગોળી વાગી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં લોકો જીવ બચાવવા માટે દોડતા જોવા મળ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરની મેઇન સ્ટ્રીટનો એક ભાગ કેટલાંક કલાકો સુધી બંધ રાખવામાં આવ્યો હતો.

 

અરકન્સાસ રાજ્યના ફેયેટવિલે શહેરમાં રવિવારે વહેલી સવારે ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનામાં 6 લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગોળીબાર પહેલાં કેટલાક લોકો વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો.

(11:26 PM IST)