News of Thursday, 30th July 2026
ચર્ચિત લેખક સલમાન રશ્દી પર જાનલેવા હુમલો કરનાર આરોપી હાદી માતર યુએસ ફેડરલ કોર્ટમાં આતંકવાદનો દોષિત ઠેરવાયો: આજીવન કેદની સજા થવાની શક્યતા!
2022માં સ્ટેજ પર 15 વાર છરીના ઘા ઝીંકીને કર્યો હતો જીવલેણ હુમલો: ન્યૂ યોર્ક સ્ટેટ જેલમાં 25 વર્ષની સજા ભોગવી રહેલા 28 વર્ષીય હુમલાખોર પર ફેડરલ જ્યુરીનો મોટો ચૂકાદો

વોશિંગ્ટન, તા.30: વિશ્વવિખ્યાત અને વિવાદાસ્પદ લેખક સલમાન રશ્દી પર વર્ષ 2022માં સ્ટેજ પર થયેલા ભયાનક જીવલેણ હુમલાના કેસમાં યુનાઇટેડ સ્ટેટ્સની ફેડરલ કોર્ટે મોટો અને સખત નિર્ણય સંભળાવ્યો છે. ન્યૂ યોર્કની ફેડરલ જ્યુરીએ હુમલાખોર હાદી માતરને આંતરરાષ્ટ્રીય આતંકવાદના કૃત્ય સહિતના તમામ ફેડરલ આરોપોમાં દોષિત ઠેરવ્યો છે. આ નવા દોષસિદ્ધિના ચુકાદા બાદ હવે 28 વર્ષીય હુમલાખોરને સંભવિતપણે આજીવન કેદની સજાનો સામનો કરવો પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2022માં ચોટોક્વા ઇન્સ્ટિટ્યુશનના એમ્ફીથિયેટર સ્ટેજ પર સલમાન રશ્દી જ્યારે લેખકોની સુરક્ષા વિષય પર વક્તવ્ય આપવા જઈ રહ્યા હતા, ત્યારે હાદી માતરે અચાનક સ્ટેજ પર ચડીને સ્તબ્ધ પ્રેક્ષકોની સામે જ તેમના પર છરી વડે 15 વાર સરાજાહેર ઘા કર્યા હતા. આ ભયાનક હુમલામાં રશ્દી ગંભીર રીતે ઘવાયા હતા અને કમનસીબે તેમણે પોતાની જમણી આંખની દ્રષ્ટિ ગુમાવવી પડી હતી.
ન્યૂયોર્ક સ્ટેટ કોર્ટ દ્વારા હત્યાના પ્રયાસ બદલ હાદી માતરને પહેલાથી જ 25 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે અને તે હાલ જેલવાસ ભોગવી રહ્યો છે. જોકે, ફેડરલ સ્તરે આતંકવાદના ચાર્જ હેઠળ દોષિત ઠરતાં હવે તેને આજીવન જેલમાં રહેવું પડી શકે છે. તેમની ચર્ચિત નવલકથા 'ધ સેટેનિક વર્સીસ'ના પ્રકાશન બાદથી જ સલમાન રશ્દી દાયકાઓથી મૃત્યુની ધમકીઓનો સામનો કરી રહ્યા હતા, અને આ કેસમાં કડક સજા થતાં વિશ્વભરના સાહિત્યિક જગતે રાહતનો શ્વાસ લીધો છે.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
