તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
અમેરિકાના રાજકારણમાં H-1B વિઝા મુદ્દે ભારે ગરમાવો: ભારતીય મૂળના સાંસદ શ્રી થાનેદારે ટેક્સાસના સાંસદ બ્રાન્ડન ગિલને 'જાતિવાદી' કહી ઝાટક્યા
ટેક્સાસના 7-Eleven સ્ટોરના વાયરલ વીડિયો બાદ ભારતીયોને "આયાતી મજૂર" ગણાવતા ફાટી નીકળ્યો વિવાદ; થાનેદારે કહ્યું – "રાજકીય રોટલા શેકવા માટે વંશીય ટિપ્પણીઓ કરવાનું બંધ કરો"

વોશિંગ્ટન, તા.૦૩: અમેરિકાના રાજકીય ગલિયારાઓમાં H-1B વિઝા અને ભારતીય પ્રવાસીઓને લઈને એક નવો વિવાદ છેડાયો છે. મિશિગનના ૧૩મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરતા ભારતીય મૂળના અમેરિકન સાંસદ (કોંગ્રેસમેન) શ્રી થાનેદારે, ટેક્સાસના ૨૬મા ડિસ્ટ્રિક્ટના રિપબ્લિકન સાંસદ બ્રાન્ડન ગિલ પર ભારતીય સમુદાય વિરૂદ્ધ 'જાતિવાદી' અને અપમાનજનક ટિપ્પણી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બંને નેતાઓ વચ્ચે થયેલી આ તીખી નકોઝંકે વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ટેક્સાસના એક '7-Eleven' સ્ટોરની અંદર શૂટ કરાયેલા વિડીયોથી થઈ હતી, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. આ વિડીયોમાં સ્ટોર પર કામ કરતો એક કર્મચારી પોતે ભારતના આંધ્રપ્રદેશનો હોવાનું અને H-1B વિઝા પર અમેરિકા આવ્યો હોવાનું જણાવે છે. આ વીડિયોને આધારે એક પ્રખ્યાત શો પર વાતચીત કરતી વખતે સાંસદ બ્રાન્ડન ગિલે ગેસ સ્ટેશનો અને સ્ટોર્સ પર વિદેશી કામદારોની ભરતી કરવાની પ્રક્રિયાને "મૂર્ખામીભરી" ગણાવી હતી અને આક્રોશ સાથે કાયદાકીય રીતે H-1B વિઝા પ્રોગ્રામ જ સંપૂર્ણપણે રદ કરવાની માંગ કરી હતી.
"૭-ઈલેવન કામદારો" કહીને સંબોધતા રોષ
બ્રાન્ડન ગિલે અમેરિકન નોકરીદાતાઓને વિદેશી વ્યાવસાયિકોને બદલે સ્થાનિક અમેરિકનોને જ નોકરી પર રાખવાની અપીલ કરી હતી, પરંતુ આ દરમિયાન તેમણે ભારતીય અમેરિકનો માટે "આયાતી ૭-ઈલેવન કામદારો" જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. ગિલની આ ટિપ્પણી સામે વળતો પ્રહાર કરતા શ્રી થાનેદારે X પર આકરા શબ્દોમાં લખ્યું કે, "કોઈ તમને ડરાવવા કે ચૂપ કરવા માટે જાતિવાદી નથી કહી રહ્યું, અમે તમને જાતિવાદી એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે તમે સમગ્ર ભારતીય-અમેરિકન સમુદાયને હલકા ચિતરીને માત્ર '૭-ઈલેવન કામદારો' તરીકે ઓળખાવો છો. પોતાના વોટબેંકના જાતિવાદી આધારને ખુશ કરવા માટે આવી ઉશ્કેરણીજનક ભાષા વાપરવી અત્યંત દયનીય છે."
પારિવારિક સંબંધો પર પણ ઉઠ્યા સવાલ
સોશિયલ મીડિયા પર નેટીઝન્સે બ્રાન્ડન ગિલના બેવડા વલણની ભારે ટીકા કરી છે, કારણ કે ગિલના લગ્ન જાણીતા ભારતીય-અમેરિકન લેખક અને રૂઢિચુસ્ત વિવેચક દિનેશ ડીસોઝાની પુત્રી ડેનિયલ ડીસોઝા ગિલ સાથે થયા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જેમના પોતાના સાસરી પક્ષના તાર ભારત સાથે જોડાયેલા છે, તે જ વ્યક્તિ ભારતીયો પ્રત્યે આટલી નફરત કેવી રીતે ફેલાવી શકે?
ભારતમાં જન્મેલા અને બાદમાં અમેરિકી નાગરિક બનેલા શ્રી થાનેદાર હાલમાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સેવા આપતા પાંચ પ્રતિષ્ઠિત ભારતીય-અમેરિકન સભ્યોમાંના એક છે. હાલમાં આ વિવાદ અંગે બંને પક્ષની સત્તાવાર ઓફિસ તરફથી સોશિયલ મીડિયા પોસ્ટ સિવાય કોઈ અન્ય ઔપચારિક નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ આ ઘટનાએ અમેરિકામાં વસતા લાખો ભારતીય આઈટી વ્યાવસાયિકોની સુરક્ષા અને સન્માન અંગે ફરી એકવાર ચર્ચા છેડી દીધી છે.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
