<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

ગુવાહાટીમાં લગ્નના થોડા મહિનામાં પતિએ પત્‍નીની હત્‍યા કરી દીધી, માથું ફ્રિજમાં રાખ્‍યું

પડોશીઓએ દુર્ગંધ આવતાં પોલીસને જાણ કરી હતી, હત્‍યાનું કારણ સ્‍પષ્ટ નથી થયું : હત્‍યા પછી પતિએ ભોજન બનાવ્‍યું, ખાધું અને પછી ફરાર થઈ ગયો, બાદમાં આત્‍મસમર્પણ કર્યું

ગુવાહાટી,તા.૦૮: આસામના ગુવાહાટીમાં શ્રદ્ધા વોલ્‍કર જેવી એક હૃદયદ્રાવક હત્‍યાની ઘટના બની છે. એ કેસમાં યુવકે પોતાની લિવ ઈન પાર્ટનરની હત્‍યા કરીને તેના મૃતદેહના ટુકડા ફિજમાં છુપાવ્‍યા હતા. ગુવાહાટીવાળી ઘટનામાં પતિએ પત્‍નીની હત્‍યા કરીને તેના મૃતદેહના ટુકડા ફ્રિજમાં સંતાડયા હતા. ઘટના ઉજાગર થતાં સનસનાટી મચી ગઈ છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીએ સરેન્‍ડર કરી દીધું છે. ૩૦ વર્ષીય રામાનુજ ગોસ્‍વામી પર પત્‍ની રિયા તાલુકદારની હત્‍યા બાદ મૃતદેહને ફ્રિજમાં સંતાડવાનો આરોપ છે.

કહેવાય છે કે રામાનુજ અને રિયાનાં લગ્ન થોડાક મહિના પહેલાં જ થયાં હતાં. ગુવાહાટીના હાટીગાંવ પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારમાં આવેલા એક એપાર્ટમેન્‍ટમાં આ કપલ રહેતું હતું. ત્‍યાંના રહેવાસીઓએ હાટીગાંવ પોલીસ સ્‍ટેશનને માહિતી આપી હતી કે તેમના ફલેટમાંથી દુર્ગંધ આવી રહી છે અને છેલ્‍લા બે દિવસથી કોઈ દેખાતું નથી તથા ફોન પણ બંધ છે. ત્‍યાર બાદ પોલીસે ફલેટનો દરવાજો તોડયો તો તેમને એક મહિલાનો કપાયેલો મૃતદેહ જોવા મળ્‍યો.

મહિલાની ઓળખ ૨૫ વર્ષીય રિયા તાલુકદાર તરીકે થઈ. તેની આંગળીઓ અડધી કપાયેલી હતી. મૃતદેહ સડવા લાગ્‍યો હતો અને માથું ગાયબ હતું. ઘરમાં તપાસ કરતાં પોલીસને ફ્રિજમાંથી પોલિથિન બેગમાં રાખેલું મૃતકનું માથું મળી આવ્‍યું હતું. પોલીસે માથું અને ધડ પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપ્‍યાં હતાં. આ દરમિયાન મહિલાના આરોપી પતિએ પોલીસ સમક્ષ સરેન્‍ડર કરી દીધું. પોલીસ તેની સઘન પૂછપરછ કરી રહી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્‍યું કે હત્‍યા કરવાનું કારણ હજુ સ્‍પષ્ટ નથી થયું. બની શકે કે પતિ ડ્રગ્‍સની ટેવ ધરાવતો હોય. પોલીસ એક્‍સ્‍ટ્રા-મેરિટલ અફેર અને અગાઉ થયેલી ઘરેલુ હિસાના એંગલથી પણ તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રોએ જણાવ્‍યું કે પતિની યોજના મૃતદેહના નાના ટુકડા કરીને તેને રખડતાં કૂતરાંને ખવડાવી દેવાની હતી.

(10:10 AM IST)