તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th July 2026
અમેરિકામાં શ્રી સંતરામ ભક્ત સમાજ દ્વારા આગામી ૯ ઓગસ્ટના રોજ ગુરુપૂર્ણિમા વાર્ષિકોત્સવ અને ભજન-સત્સંગ કાર્યક્રમનું ભવ્ય આયોજન
ઓલ્ડ બ્રિજ હાઈસ્કૂલ ઓડિટોરિયમ ખાતે યોજાનારા ત્રિવિધ મહોત્સવમાં ભક્તજનો માટે સત્સંગ પૂર્ણાહૂતિ બાદ મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા : નવેમ્બરમાં દિવાળી સત્સંગનું પણ આગોતરું આયોજન

દીપ્તિબેન જાની દ્વારા, ન્યૂ જર્સી: યુ.એસ.એ.માં વસતા સંતરામ ભક્તો માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. બ્રહ્મલીન અષ્ટમ્ મહંત પ. પૂ. નારાયણદાસ મહારાજશ્રી પ્રેરિત તથા પ્રાતઃસ્મરણીય પ. પૂ. રામદાસજી મહારાજશ્રીના શુભાશિર્વાદ સહ શ્રી સંતરામ ભક્ત સમાજ - યુ.એસ.એ. દ્વારા આગામી સમયમાં ગુરુપૂર્ણિમા વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા આગામી ઓગસ્ટ 9, 2026, રવિવારના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યાથી સાંજના ૭:૦૦ વાગ્યા દરમિયાન ભવ્ય ઉત્સવ ઉજવાશે, જેમાં શ્રી સંતરામ સત્સંગ નં. ૯૫ તેમજ રાજ-સ્મૃતિ પંડ્યાના ભજન-સત્સંગનો ત્રિવિધ કાર્યક્રમ યોજાશે.
ઓલ્ડ બ્રિજ હાઈસ્કૂલ ખાતે ભક્તિમય માહોલ જામશે:
આ ભક્તિસભર કાર્યક્રમનું આયોજન ઓલ્ડ બ્રિજ હાઈસ્કૂલ - ઓડિટોરિયમ (ડોર-૮), ૪૨૦૯ કાઉન્ટી રૂટ ૫૧૬, માતાવાન, ન્યૂ જર્સી (NJ 07747) ખાતે કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં કીર્તન અને ભક્તિ આરાધના બાદ સત્સંગ પૂર્ણાહૂતિ થતાં જ તમામ હરિભક્તો માટે સંસ્થા તરફથી મહાપ્રસાદની પણ વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા આગામી કાર્યક્રમોની રૂપરેખા પણ જાહેર કરાઈ છે, જે અંતર્ગત આગામી ૭ નવેમ્બર, ૨૦૨૬ - શનિવારના રોજ ઓલ્ડ બ્રિજ હાઈસ્કૂલ, ન્યૂ જર્સી ખાતે જ ભવ્ય 'દિવાળી સત્સંગ'નું આયોજન કરવામાં આવશે.
પ્રસાદીનો લાભ અને ભંડોળ અંગે સંસ્થાની મહત્વની સ્પષ્ટતા:
સંસ્થા દ્વારા હરિભક્તોને જણાવાયું છે કે, શ્રી સંતરામ મંદિર નડીઆદમાંથી પ્રસાદી તરીકે મળેલ છઠ્ઠીનું કાપડ, કંઠી અને સાહિત્ય પ્રકાશનનો લાભ લેવા ઈચ્છતા લોકો ફોન નંબર (732) 906 - 0792 પર સંપર્ક કરી શકે છે. આ સાથે સંસ્થાએ એક અત્યંત મહત્વની નોંધ જાહેર કરતા સ્પષ્ટ કર્યું છે કે, સમાજ તરફથી અથવા મંદિરના નામે કોઈપણ પ્રકારનો ફંડફાળો અથવા નાણાકીય ભંડોળ ઉઘરાવવામાં આવતું નથી, જેની સર્વે હરિભક્તોએ ખાસ નોંધ લેવી. ભક્તો સંસ્થાની સત્તાવાર વેબસાઇટ www.santram.org ની મુલાકાત લઈને વધુ વિગતો મેળવી શકે છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
