<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખવા ગુરુજીનું ભગીરથ તપ: માત્ર બે બાળકીઓને ભણાવવા શિક્ષક રોજ ઘનઘોર જંગલ ખૂંદીને 33 કિલોમીટરની સાહસિક સફર ખેડે છે

​મહારાષ્ટ્રના કોલ્હાપુરના ગાઢ જંગલોમાં દીપડા, રીંછ અને જંગલી કૂતરા જેવા હિંસક પ્રાણીઓના ભય વચ્ચે વિતેલા 13 વર્ષથી અવિરત કસ્તૂરબા આશ્રમશાળા તરફ પળતા જીવન મિથારીના પગલાં; શિક્ષણ પ્રત્યે સમર્પણની અનોખી મિસાલ

​કોલ્હાપુર:​શિક્ષણ પ્રત્યેની અથાક નિષ્ઠા અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આપેલું સમર્પણ કેવું હોઈ શકે, તેનું એક પ્રેરણાદાયી ઉદાહરણ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાંથી સામે આવ્યું છે. અહીંના એક સમર્પિત શિક્ષક જીવન મિથારી વિતેલા ૧૩ વર્ષથી સતત એક અતિ મુશ્કેલ અને જોખમી દિનચર્યાનું પાલન કરી રહ્યા છે, જે જાણીને કોઈપણ વ્યક્તિ દંગ રહી જાય. તેઓ દરરોજ માત્ર બે જ વિદ્યાર્થીનીઓને અક્ષરજ્ઞાન આપવા માટે ભયાનક જંગલ અને દુર્ગમ માર્ગો પાર કરીને શાળાએ પહોંચે છે.

​જીવન મિથારી નામના આ શિક્ષક પોતાની રોજિંદી યાત્રા દરમિયાન પ્રથમ ૨૮ કિલોમીટરનું અંતર વાહન દ્વારા કાપે છે અને ત્યારબાદ વાહન જઈ ન શકે તેવા અતિ દુર્ગમ અને ઘનઘોર જંગલ વિસ્તારમાં ૫ કિલોમીટર જેટલું અંતર પગપાળા ચાલીને પૂરું કરે છે. આમ, તેઓ રોજના કુલ ૩૩ કિલોમીટરની અત્યંત કઠિન મુસાફરી માત્ર એટલા માટે કરે છે જેથી જંગલના છેવાડાના વિસ્તારમાં રહેતી બે માસૂમ દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય.

​હિંસક વન્યજીવોના ખૌફ વચ્ચે સતત કર્તવ્યપથ

​જે જંગલમાંથી તેઓ પગપાળા પસાર થાય છે, તે વિસ્તાર આતંક અને જોખમોથી ભરેલો છે. આ વન્ય વિસ્તારમાં દીપડા, રીંછ તેમજ હિંસક જંગલી કૂતરાઓનો ભારે ઉપદ્રવ રહે છે. ડગલે ને પગલે જીવનું જોખમ હોવા છતાં, શિક્ષક મિથારીના મનોબળ આગળ આ ભયંકર કષ્ટો પણ વામણા સાબિત થયા છે. વિતેલા એક દાયકાથી પણ વધુ સમયથી હવામાન ગમે તેવું હોય કે જંગલના રસ્તા કેટલા પણ ભયાનક હોય, તેઓ નિયમિતપણે પોતાની ફરજ પર પહોંચીને બંને બાળકીઓને નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરાવે છે.

​ગુરુ-શિષ્યના આ અનોખા સંબંધ અને શિક્ષણ પ્રત્યેના આ અસીમ પ્રેમની ચર્ચા હવે સમગ્ર દેશમાં થઈ રહી છે. કોઈપણ ભૌતિક સુવિધાઓ કે પ્રસિદ્ધિની પરવા કર્યા વિના, જંગલના છેવાડે વિદ્યાનો દીપક પ્રજ્વલિત રાખનારા જીવન મિથારીનું આ ભગીરથ કાર્ય સમાજ માટે એક અદ્ભુત અને વંદનીય ઉદાહરણ બની રહ્યું છે.

(12:18 PM IST)