<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

રિયોના આકાશમાં ગોળીઓનો ગુંજારવ: સૂર્યોદય જોવા ગયેલા ૨૦૦ પ્રવાસીઓ ટેકરીની ટોચ પર ફસાયા, જીવ હથેળી પર લઈ જમીન પર સૂઈ ગયા

પોલીસ અને ખતરનાક ‘કોમાન્ડો વર્મેલ્હો’ ગેંગ વચ્ચે જામ્યો લોહિયાળ જંગ; હેલિકોપ્ટરના ગડગડાટ અને ગોળીબાર વચ્ચે પ્રવાસીઓનું દિલધડક રેસ્ક્યુ

રિયો ડી જાનેરો: બ્રાઝિલના પ્રખ્યાત શહેર રિયો ડી જાનેરોમાં કુદરતી સૌંદર્ય માણવા ગયેલા પ્રવાસીઓ માટે સવારનો સૂર્યોદય આજીવન યાદ રહી જાય તેવો ભયાનક અનુભવ બની ગયો હતો. ઇપાનેમા બીચના અદભૂત નજારા માટે જાણીતી ‘મોરો ડોઇસ ઇર્માઓસ’ ટેકરી પર જ્યારે આશરે ૨૦૦ પ્રવાસીઓ સૂર્યોદયની મજા માણી રહ્યા હતા, ત્યારે અચાનક નીચે ફાવેલા (ઝૂંપડપટ્ટી) વિસ્તારમાં પોલીસ અને ડ્રગ માફિયાઓ વચ્ચે ભીષણ ગોળીબાર શરૂ થઈ ગયો હતો.
ગભરાયેલા પ્રવાસીઓ અને મોતનો પગરવ
જ્યારે પોલીસે ખતરનાક ‘કોમાન્ડો વર્મેલ્હો’ ગેંગના સભ્યોને પકડવા ઓપરેશન શરૂ કર્યું, ત્યારે ગેંગ તરફથી વળતો પ્રહાર થતાં સમગ્ર વિસ્તાર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો હતો. ટેકરીની ટોચ પર હાજર પોર્ટુગીઝ પ્રવાસી માટિલ્ડા ઓલિવેરોએ જણાવ્યું કે, "અમે સૂર્યોદયની રાહ જોતા હતા અને અચાનક માર્ગદર્શકોએ અમને નીચે બેસી જવા કહ્યું. ચારેબાજુથી ગોળીઓનો અવાજ આવવા લાગ્યો હતો." સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પ્રવાસીઓ ડરના માર્યા જમીન પર સૂતેલા જોવા મળ્યા હતા, જ્યારે ઉપર પોલીસ હેલિકોપ્ટર સતત રાઉન્ડ મારી રહ્યું હતું.
સ્થાનિક ગાઈડ્સની સૂઝબૂઝ અને સાહસ
આ કટોકટીના સમયે સ્થાનિક માર્ગદર્શકોએ અદ્ભુત સંયમ બતાવ્યો હતો. ગાઈડ્સ પોલીસના સતત સંપર્કમાં હતા અને પ્રવાસીઓને શાંત રહેવા સૂચના આપી રહ્યા હતા. આશરે ૩૦ મિનિટ સુધી ચાલેલા આ હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ, જ્યારે સ્થિતિ થોડી નિયંત્રણમાં આવી, ત્યારે તમામ ૨૦૦ પ્રવાસીઓને એક જ લાઇનમાં સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. પ્રવાસી ડેનિયલલી નોબ્રેએ કહ્યું કે, "ભયની વચ્ચે પણ એક અલગ જ એડ્રેનાલિન ધસારો અનુભવાયો, અંતે બધું હેમખેમ પાર પડ્યું."
કોણ છે આ ‘કોમાન્ડો વર્મેલ્હો’ ગેંગ?
તમને જણાવી દઈએ કે કોમાન્ડો વર્મેલ્હો એ રિયોની સૌથી શક્તિશાળી ગુનાહિત ગેંગ છે. આ ગેંગ માત્ર ડ્રગ્સના વેપારમાં જ નહીં, પણ ગેસ સપ્લાય, ઇન્ટરનેટ અને કેબલ ટીવી જેવી સેવાઓ પર પણ પોતાનું નિયંત્રણ ધરાવે છે અને પોતાના કડક નિયમો લાગુ કરવા માટે જાણીતી છે. રિયોની પોલીસે આ ગેંગના શંકાસ્પદ સભ્યોને પકડવા માટે જ આ ઓપરેશન હાથ ધર્યું હતું, જેણે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.

(6:30 PM IST)