<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

ફિલિપાઇન્સની સંસદમાં ધડાધડ ગોળીબાર : જીવ બચાવવા ધારાસભ્યો રૂમમાં ભરાયા!

સેનેટર રોનાલ્ડ ડેલા રોઝાની ધરપકડ કરવા NBI અને સેનાના સંયુક્ત દરોડા : સંસદની દિવાલો તોડીને અંદર ઘૂસ્યા સૈનિકો: ગનશૉટ્સના અવાજથી આખું મનીલા ધ્રૂજી ઉઠ્યું અને લોકશાહીના મંદિર પર જોખમ તોળાયું

મનીલા : ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં ત્યારે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ જ્યારે સેનેટ કોમ્પ્લેક્સની બહાર એકાએક ૧૨થી વધુ રાઉન્ડ ગોળીબાર થયો. સંસદ ભવનમાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે જ ધડાધડાટીના અવાજ સંભળાતા સેનેટર્સ અને કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. સેનેટ પ્રમુખ એલન પીટર કેયેટાનોએ ભયભીત થઈને દાવો કર્યો હતો કે નેશનલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (NBI) ના અધિકારીઓ બિલ્ડિંગની દિવાલોમાં ખોદકામ કરીને જબરદસ્તી અંદર પ્રવેશ્યા છે. હુમલાના ડરે તમામ ધારાસભ્યોએ પોતાની જાતને ઓફિસના રૂમોમાં પૂરી દીધી હતી, જ્યારે બહાર સશસ્ત્ર સૈનિકો અને સુરક્ષા દળોએ આખા સંકુલને ઘેરી લીધું હતું.

આ આખી લોહિયાળ ડ્રામા પાછળનું મુખ્ય કારણ સેનેટર રોનાલ્ડ ડેલા રોઝાની ધરપકડ હોવાનું મનાય છે. ડેલા રોઝા પર આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત (ICC) દ્વારા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેના લોહિયાળ ડ્રગ વિરોધી અભિયાન દરમિયાન હજારો લોકોની હત્યામાં ભૂમિકા ભજવવાનો અને માનવતા વિરુદ્ધના ગુનાનો ગંભીર આરોપ છે. છેલ્લા કેટલાક દિવસોથી ડેલા રોઝાએ સેનેટ બિલ્ડિંગને જ પોતાનું સુરક્ષિત આશ્રયસ્થાન બનાવ્યું હતું અને સેનેટ નેતૃત્વએ તેમને સુરક્ષા પૂરી પાડી હતી. આ રક્ષણાત્મક કવચ તોડવા માટે NBI અને લશ્કરી દળોએ બળપ્રયોગ કરતા મામલો ગોળીબાર સુધી પહોંચ્યો હતો.

ઘટનાના કલાકો પછી પણ સંસદ ભવનની આસપાસ ભારે તણાવ જોવા મળી રહ્યો છે અને આખું સંકુલ સૈન્ય છાવણીમાં ફેરવાઈ ગયું છે. હજુ સુધી આ અથડામણમાં કોઈ જાનહાનિના સત્તાવાર અહેવાલ નથી, પરંતુ સંસદ જેવી સુરક્ષિત જગ્યાએ ગોળીબાર થવો એ ફિલિપાઇન્સની રાજકીય અસ્થિરતાનો મોટો પુરાવો છે. સેનેટ પ્રમુખે આ ઘટનાને સીધો હુમલો ગણાવ્યો છે, જ્યારે તપાસ એજન્સીઓ ડેલા રોઝાને કોઈપણ ભોગે કસ્ટડીમાં લેવા માંગે છે.

(7:53 PM IST)