<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

ગલ્‍ફ શેખે RBL બેંકમાં રૂ.૨૬,૦૦૦ કરોડનું રોકાણ કર્યુઃ ૬૦% હિસ્‍સો ખરીદ્યો

ભારતીય બેંક વિદેશી માલિકીની બની! : અમીરાત NBD એ RBL બેંકમાં ૬૦% બહુમતી હિસ્‍સો મેળવ્‍યો

નવી દિલ્‍હી,તા.૧૯: ભારતીય બેંકિગ ક્ષેત્રમાંથી મોટા સમાચાર સામે આવ્‍યા છે. ગલ્‍ફ દેશ UAE ની એક બેંકે ૮૨ વર્ષ જૂની ભારતીય બેંક RBL બેંકમાં હિસ્‍સો ખરીદ્યો છે. સંયુક્‍ત આરબ અમીરાતની અગ્રણી બેંક, અમીરાત NBD એ ભારતીય ખાનગી ક્ષેત્રની બેંક ય્‍ગ્‍ન્‍ બેંકમાં લગભગ $૨.૭૫ બિલિયન (આશરે રૂ.૨૬,૦૦૦ કરોડ)નું રોકાણ કર્યું છે, જેમાં બહુમતી હિસ્‍સો મેળવ્‍યો છે. અહેવાલો અનુસાર, NBD એ $૨.૭૫ બિલિયનનું રોકાણ કરીને ૬૦% હિસ્‍સો હસ્‍તગત કર્યો છે.

RBL બેંકના મેનેજિગ ડિરેક્‍ટર અને ચીફ એક્‍ઝિક્‍યુટિવ ઓફિસર આર. સુબ્રમણ્‍યકુમારે જણાવ્‍યું હતું કે આ રોકાણ બેંકના વ્‍યવસાયને મજબૂત બનાવશે. તેમણે જણાવ્‍યું હતું કે આ સોદો બેંક માટે લાંબા ગાળાના અને ટકાઉ વિકાસ માટે મજબૂત પાયો નાખશે.

આ સોદો સૌપ્રથમ ઓક્‍ટોબર ૨૦૨૫ માટે જાહેર કરવામાં આવ્‍યો હતો. બધી જરૂરી નિયમનકારી મંજૂરીઓ પ્રાપ્ત કર્યા પછી અને અન્‍ય શરતો પૂર્ણ કર્યા પછી, તે હવે ઔપચારિક રીતે બંધ થઈ ગયો છે. શેરના પ્રેફરન્‍શિયલ ઇશ્‍યૂ અને ફરજિયાત ઓપન ઓફર પ્રક્રિયા પૂર્ણ થયા પછી, એમિરેટ્‍સ NBDનો હિસ્‍સો ૬૦% સુધી પહોંચી ગયો છે.

આ સોદો પૂર્ણ થયા પછી, RBL બેંકના ડિરેક્‍ટર બોર્ડે એમિરેટ્‍સ NBD ના પાંચ વરિષ્ઠ અધિકારીઓને વધારાના નોન-એક્‍ઝિક્‍યુટિવ અને નોન-ઇન્‍ડિપેન્‍ડન્‍ટ ડિરેક્‍ટર તરીકે નિયુક્‍ત કરવાની મંજૂરી આપી છે. આમાં એમિરેટ્‍સ NBD ગ્રુપના સીઈઓ શેન નેલ્‍સન, ગ્રુપ CFO પેટ્રિક સુલિવાન, ગ્રુપ હેડ ઓફ સ્‍ટ્રેટેજી નીરજ માકિન, ગ્રુપ ચીફ રિસ્‍ક ઓફિસર મનોજ ચાવલા અને રિટેલ બેંકિગ અને વેલ્‍થ મેનેજમેન્‍ટના વડા મારવાન હાદીનો સમાવેશ થાય છે.

બેંકના જણાવ્‍યા મુજબ, આ બધા ડિરેક્‍ટરો એમિરેટ્‍સ એનબીડીના નામાંકિત પ્રતિનિધિઓ હશે અને નિયમો અનુસાર રોટેશનલ ધોરણે નિવૃત્તિ લેવા માટે લાયક હશે.

રૂ.૨૬,૦૦૦ કરોડના આ મૂડી રોકાણથી આરબીએલ બેંકની બેલેન્‍સ શીટ વધુ મજબૂત થવાની અપેક્ષા છે. આ બેંકની મૂડી પર્યાપ્તતામાં સુધારો કરશે અને ભવિષ્‍યની વૃદ્ધિ યોજનાઓને વેગ આપશે. નિષ્‍ણાતો માને છે કે આ રોકાણ બેંકને નવા વ્‍યવસાયો, ટેકનોલોજી અને ગ્રાહક સેવાઓમાં વિસ્‍તરણ કરવામાં મદદ કરશે.

એમિરેટ્‍સ એનબીડીના ચેરમેન શેખ અહેમદ બિન સઈદ અલ મક્‍તુમે કહ્યું કે આ સોદો ભારત અને યુએઈ વચ્‍ચે મજબૂત વ્‍યૂહાત્‍મક ભાગીદારીનું પ્રતીક છે. તેમણે કહ્યું કે આ પગલું બંને દેશો વચ્‍ચે લાંબા સમયથી ચાલતા વિશ્વાસ અને આર્થિક સહયોગને વધુ મજબૂત બનાવશે.

એમિરેટ્‍સ એનબીડી ગ્રુપના સીઈઓ શેન નેલ્‍સને કહ્યું કે આ ભાગીદારી ભારતમાં મજબૂત સ્‍થાનિક બેંકિગ નેટવર્ક અને એમિરેટ્‍સ એનબીડીની પ્રાદેશિક પહોંચને એકસાથે લાવવાની તક પૂરી પાડે છે.

(10:53 AM IST)