તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th August 2026
ગુજરાતની વાડીનાર રિફાઇનરીએ રચ્યો ઇતિહાસ: રશિયાને રેકોર્ડબ્રેક ગેસોલિન વેચીને કમાઈ લીધા કરોડો રૂપિયા
યુક્રેન યુદ્ધ વચ્ચે યુકે્રેની ડ્રોન હુમલાઓથી તબાહ થયેલા રશિયાને ભારતની નાયરા એનર્જી દ્વારા સંચાલિત ગુજરાતની રિફાઇનરીએ બે મહિનામાં સૌથી વધુ ગેસોલિન મોકલીને આર્થિક નફો કમાયો છે.

જામનગર : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા વિનાશક યુદ્ધને સાડા ચાર વર્ષથી વધુ સમય થઈ ગયો છે, અને આ સંઘર્ષ દરમિયાન યુક્રેનિયન ડ્રોન હુમલાઓથી રશિયાની રિફાઇનરીઓને ભારે નુકસાન થતા સ્થાનિક ઇંધણ ઉત્પાદનમાં ૭૦ ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે રશિયાએ ઇંધણની તીવ્ર અછત સર્જાતા ભારત તરફ નજર દોડાવી છે અને શિપ સર્વેલન્સ ડેટા મુજબ ગુજરાતના વાડીનાર ખાતે આવેલી નાયરા એનર્જીની રિફાઇનરીએ આ કટોકટીનો ભરપૂર લાભ લઈને રશિયાને કરોડો બેરલ ગેસોલિન મોકલીને મોટો વ્યાપારી નફો કમાવવામાં સફળતા મેળવી છે.
ઘટનાની વિગતો આપતા ઊર્જા વિશ્લેષક ફર્મ વોર્ટેક્સાના ડેટા અનુસાર, રશિયામાં સ્થાનિક રિફાઇનિંગ ક્ષમતા ખોરવાઈ જવાથી ઓગસ્ટ મહિનામાં રશિયાની પેટ્રોલ આયાત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જ્યારે ભારતે જૂન અને જુલાઈ મહિનામાં દરરોજ ૨.૬ મિલિયન બેરલથી વધુ રશિયન ક્રૂડ ઓઇલ આયાત કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો; આશ્ચર્યજનક વાત એ છે કે ભારત રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ આયાત કરીને તેને રિફાઈન કર્યા બાદ પેટ્રોલ (ગેસોલિન) સ્વરૂપે પરત રશિયાને જ નિકાસ કરી રહ્યું છે, જેમાં ગુજરાતની નાયરા એનર્જી (જેમાં રશિયાની સરકારી કંપની રોઝનેફ્ટનો ૫૦ ટકા હિસ્સો છે) મુખ્ય સપ્લાયર તરીકે ઉભરી આવી છે.
આ આખી પ્રક્રિયામાં પરિવહનને લઈને પણ મોટા ખુલાસા થયા છે કારણ કે વોર્ટેક્સાના અહેવાલ મુજબ ઓગસ્ટ મહિનામાં ભારતથી રશિયા પહોંચતા પેટ્રોલના તમામ કાર્ગો પ્રતિબંધિત કાફલાના જહાજો (ફ્લીટ) દ્વારા મોકલવામાં આવ્યા હતા અને ભૂમધ્ય સમુદ્રમાં શિપ-ટુ-શિપ (STS) ટ્રાન્સફર દ્વારા રશિયા પહોંચાડાયા હતા, જ્યાં અંદાજે ૪૦ ટકા ટ્રાન્સફર દરમિયાન જહાજોએ પોતાની ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS) બંધ રાખી હતી જેથી કડક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો વચ્ચે વેપાર ચાલુ રાખી શકાય.
આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં રશિયન રિફાઇનરીઓ પર થયેલા સતત ૩૨ જેટલા ડ્રોન હુમલાઓ અને રશિયા દ્વારા જાન્યુઆરી ૨૦૨૭ સુધી પેટ્રોલ નિકાસ પર લંબાવવામાં આવેલા સંપૂર્ણ પ્રતિબંધો જવાબદાર છે, જેના કારણે વિશ્વના સૌથી મોટા ક્રૂડ નિકાસકાર ગણાતા રશિયાએ પોતે વિદેશથી ઇંધણ મંગાવવાની ફરજ પડી છે; હાલની આ સ્થિતિ આગામી સમયમાં વૈશ્વિક ઉર્જા બજાર અને ભૌગોલિક રાજકારણમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવી રહી છે, અને ભારતીય રિફાઇનરીઓ માટે આ કટોકટી ભારે નફાકારક સોદો સાબિત થઈ રહી છે.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
