તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
બાળ સુરક્ષામાં ગુજરાતનો નબળો દેખાવ: બાળકો વિરુદ્ધ ગુનામાં દોષસિદ્ધિ દર માત્ર ૧૯.૨૦ ટકા, હજારો કેસો પેન્ડિંગ*
ઉત્તરપ્રદેશ, બિહાર અને રાજસ્થાન પણ ગુજરાતથી આગળ: તપાસની ગુણવત્તા અને ટ્રાયલની ગતિ પર ફરી ગંભીર સવાલો ઊભા

નવી દિલ્હી: રાજ્યસભામાં રજૂ થયેલા જવાબ મુજબ વર્ષ ૨૦૨૪ના અંત સુધીમાં બાળકો વિરુદ્ધના ગુનાઓમાં ગુજરાતનો દોષસિદ્ધિ દર માત્ર ૧૯.૨૦ ટકા નોંધાયો છે. તેની સામે ઉત્તરપ્રદેશમાં ૬૬.૫૦ ટકા, બિહારમાં ૫૨.૭૦ ટકા અને રાજસ્થાનમાં ૪૫.૯૦ ટકા દોષસિદ્ધિ દર નોંધાયો છે. બાળકો વિરુદ્ધના ગુનાઓની સંખ્યા આ રાજ્યોમાં વધુ હોવા છતાં આરોપીઓ સામે કોર્ટમાં ગુનો પુરવાર થવાનો દર ગુજરાત કરતાં નોંધપાત્ર રીતે ઊંચો રહ્યો છે.
અહેવાલ મુજબ બાળકો વિરુદ્ધના ગુનાઓમાં પોલીસ તપાસની ગતિ અને ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે. સંવેદનશીલ પ્રકારના ગુનાઓ હોવા છતાં તપાસમાં વિલંબ અને પુરાવા રજૂ કરવાની પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓને કારણે દોષસિદ્ધિ દર નીચો રહેતો હોવાનું ચિત્ર સામે આવ્યું છે. તેના પરિણામે રાજ્યની વિવિધ અદાલતોમાં બાળકો વિરુદ્ધના અંદાજે ૩૦ હજાર કેસો હજુ ટ્રાયલ હેઠળ પેન્ડિંગ છે.
અહેવાલમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે માત્ર બાળકો વિરુદ્ધના ગુનાઓમાં જ નહીં પરંતુ સામાન્ય ફોજદારી ગુનાઓમાં પણ ગુજરાતનો દોષસિદ્ધિ દર આશરે ૩૫થી ૪૧ ટકા વચ્ચે રહે છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ ૫૦થી ૫૪ ટકા હોવાનું જણાવાયું છે. આ સ્થિતિને કારણે તપાસની અસરકારકતા, પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા અને ન્યાયિક કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.
રાજ્યસભામાં રજૂ થયેલા આંકડાઓએ બાળકો વિરુદ્ધના ગુનાઓમાં ગુજરાતના દોષસિદ્ધિ દરનું ચિંતાજનક ચિત્ર રજૂ કર્યું; કોર્ટોમાં અંદાજે ૩૦ હજાર કેસો હજુ ટ્રાયલ હેઠળ પેન્ડિંગ.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
