તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
ગુજરાતના સિંહો અને MP ના વાઘ પર જીવનું જોખમ: CDV વાયરસના હાહાકારથી ૧૨ સિંહોના મોત, કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યો મામલો
વનવિભાગની ટીમો હાઈ એલર્ટ પર: ૩૦ થી વધુ સિંહોને રેસ્ક્યુ કરીને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા, સિંહોના મૃત્યુનું કારણ જાણવા લેબોરેટરી રિપોર્ટની રાહ

અમરેલી, તા. ૦૧ જૂન, ૨૦૨૬ ગીરના જંગલોમાં વસતા એશિયાઈ સિંહો પર હાલમાં એક ગંભીર આફત તોળાઈ રહી છે. ગીર પૂર્વ અને ગીર પશ્ચિમના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયમાં ૧૨ સિંહોના રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટના માત્ર રાજ્ય સરકાર જ નહીં, પરંતુ કેન્દ્ર સરકાર સુધી પહોંચતા ઉચ્ચસ્તરીય ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સિંહોના મોતનું મુખ્ય કારણ 'CDV' (કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ) હોવાની આશંકા સેવાઈ રહી છે, જે સિંહો ઉપરાંત મધ્યપ્રદેશના વાઘ માટે પણ મોટું જોખમ સાબિત થઈ શકે તેમ છે.
વન વિભાગનું સઘન રેસ્ક્યુ ઓપરેશન
સિંહોના જીવ બચાવવા માટે વન વિભાગે તાત્કાલિક અસરથી કમર કસી લીધી છે. ગંભીર રીતે અસરગ્રસ્ત અને શંકાસ્પદ જણાતા ૩૦ થી વધુ સિંહોને રેસ્ક્યુ કરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને તબીબી દેખરેખ અને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
લેબોરેટરી રિપોર્ટની આતુરતા
જોકે, સિંહોના મોત પાછળનું સચોટ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. વન વિભાગ દ્વારા મૃત સિંહોના નમૂના લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આવવાની રાહ જોવાઈ રહી છે. આ રિપોર્ટ જ સ્પષ્ટ કરશે કે સિંહોના મૃત્યુ પાછળ ખરેખર CDV વાયરસ જવાબદાર છે કે અન્ય કોઈ બીમારી. આ વાયરસના ફેલાવાને રોકવા માટે તબીબી નિષ્ણાતોની ટીમ પણ કામે લાગી છે.
રાષ્ટ્રીય સ્તરે ગંભીર ચિંતા
ગાયરના સિંહો ભારતની શાન છે અને તેના મૃત્યુના સમાચાર વહેતા થતાં જ વન્યજીવ પ્રેમીઓમાં ભારે આક્રોશ અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ મુદ્દો વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચતા કેન્દ્ર સરકાર દ્વારા પણ આ બાબતે ગંભીર નોંધ લેવામાં આવી હોવાનું જાણવા મળે છે. વાઘ અને સિંહ જેવા દુર્લભ વન્યજીવોના અસ્તિત્વ માટે આ પ્રકારનો વાયરસ મોટો પડકાર બની શકે છે, ત્યારે સરકાર અને વન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વધુ કડક અને ત્વરિત પગલાં ભરવામાં આવે તેવી શક્યતા છે. વન્યજીવ પ્રેમીઓ અને તજજ્ઞો આશા રાખી રહ્યા છે કે આ મહામારીને વહેલી તકે ડામી દેવામાં આવશે.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
