News of Thursday, 9th July 2026
અમેરિકામાં ગુજરાતી પરિવાર પર આભ તૂટ્યું: પત્નીને સ્મૂધીમાં ઝેર આપી ગળું દબાવી હત્યા કર્યા બાદ ભારતમાં રહેતી પ્રેમિકાને મૃતદેહનો ફોટો મોકલી આરોપી પતિએ ખેલ્યો ક્રૂર ખેલ
ટેક્સાસમાં સોફ્ટવેર એન્જિનિયર પતિની હેવાનિયત: પત્નીની હત્યા કર્યા બાદ મૃતદેહ સાથે સેલ્ફી લઈ ભારતમાં બેઠેલી પ્રેમિકાને મોકલી, પોલીસ તપાસમાં ખુલાસો થતા સમગ્ર તેલંગાણા અને ભારતીય સમુદાયમાં ચકચાર

અમેરિકા (ટેક્સાસ): અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં તેલંગાણાના મૂળ વતની અને સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા એક વ્યક્તિએ પોતાની જ પત્નીની ઘાતકી હત્યા કરી નાખી છે. અંગત સંબંધો અને પ્રેમ પ્રકરણમાં અંધ બનેલા આ આરોપી પતિએ પહેલા પત્નીને ઝેરી સ્મૂધી પીવડાવી બેભાન કરી હતી અને ત્યારબાદ ગળું દબાવીને તેની જીવલીલા સંકેલી લીધી હતી. આટલેથી જ ન અટકતા, આરોપીએ પત્નીના મૃતદેહનો ફોટો પાડીને ભારતમાં રહેતી પોતાની પ્રેમિકાને મોકલી આપ્યો હતો, જેણે સમગ્ર કેસની પોલ ખોલી નાખી છે.
મળતી માહિતી મુજબ, આરોપી પતિ અમેરિકામાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કાર્યરત હતો. છેલ્લા કેટલાક સમયથી તેના ભારતમાં રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધો હતા. પોતાની પત્ની આ સંબંધમાં અવરોધરૂપ બનતી હોવાથી તેણે આ ભયાનક કાવતરું રચ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ પત્નીને મારવા માટે એક વ્યવસ્થિત પ્લાન બનાવ્યો હતો. સૌપ્રથમ તેણે પત્નીને જે સ્મૂધી પીવડાવી હતી તેમાં ઘાતક ઝેર ભેળવ્યું હતું. સ્મૂધી પીધા બાદ જ્યારે પત્ની બેભાન થઈ ગઈ, ત્યારે તેણે ગળું દબાવીને તેની હત્યા કરી હતી.
હત્યા બાદ આરોપીની ક્રૂરતાની પરાકાષ્ઠા ત્યારે જોવા મળી જ્યારે તેણે મૃત પત્નીનો ફોટો પાડીને તરત જ ભારતમાં રહેતી પોતાની પ્રેમિકાને વોટ્સએપ પર મોકલી દીધો હતો. આ ફોટો મળ્યા બાદ પ્રેમિકા અને અન્ય લોકો દ્વારા મળેલી માહિતીના આધારે આ સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ અમેરિકન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી પતિને અટકાયતમાં લઈ લીધો છે.
આ ઘટનાથી માત્ર અમેરિકામાં વસતા ભારતીયો જ નહીં, પરંતુ તેલંગાણામાં રહેતો આરોપીનો પરિવાર પણ આઘાતમાં છે. હાલ સ્થાનિક પોલીસ દ્વારા મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે. એક ટેકનિકલ રીતે સક્ષમ યુવાનના આ અમાનવીય કૃત્યને કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, પુરાવા એકત્રિત કર્યા બાદ આરોપી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
