<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

પાછલા ૫ વર્ષમાં ગુજરાતને CAMPA હેઠળ ₹૧૨૨૬ કરોડથી વધુનું ફંડ મળ્યું - ૧.૩૩ લાખ હેક્ટર ડિગ્રેડેડ જમીનનો જીર્ણોદ્ધાર કરાયો

રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે પાર્લામેન્ટમાં આપી મહત્વની માહિતી : કચ્છ માટે ₹૨૧.૩૬ કરોડનો ક્લાઈમેટ ચેન્જ પ્રોજેક્ટ પણ મંજૂર

નવી દિલ્હી: ગુજરાતને છેલ્લા ૫ વર્ષ દરમિયાન નેશનલ કમ્પેન્સેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી (નેશનલ CAMPA) હેઠળ ₹૧,૨૨૬.૨૧ કરોડનું ફંડ પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત મિશ્ટી (MISHTI) યોજના હેઠળ ₹૬૭.૩૦ કરોડ અને નગર વન યોજના હેઠળ ₹૭.૪૩ કરોડની રકમ મળી છે. રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ આ માહિતી ઉપલબ્ધ બનાવી હતી.

પાછલા ૫ વર્ષ દરમિયાન ગુજરાતમાં વન વિસ્તારની કુલ ૧,૩૩,६૬૬ હેક્ટર ડિગ્રેડેડ જમીનનો સફળતાપૂર્વક જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. મંત્રાલય દ્વારા ગ્રીન ઈન્ડિયા મિશન (GIM) અને નેશનલ CAMPA જેવી યોજનાઓ મારફતે તેમજ રાજ્યોને ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડીને ફોરેસ્ટ લેન્ડસ્કેપ્સના પુનરુદ્ધાર માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કામગીરીમાં સહાયિત કુદરતી પુનઃજીવન, કૃત્રિમ પુનઃજીવન, વળતર આધારિત વનીકરણ, માટી અને ભેજ સંવર્ધનના પગલાં તેમજ ચોક્કસ ઇકોલોજીકલ પરિસ્થિતિઓ મુજબ યોગ્ય સ્વદેશી છોડનું વાવેતર શામેલ છે.

મંત્રીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે જલવાયુ પરિવર્તનની વિપરીત અસરો સામે અનુકૂલન સાધવા ૨૦૧૫માં નેશનલ એડેપ્ટેશન ફંડ ફોર ક્લાઈમેટ ચેન્જ (NAFCC) ની સ્થાપના કરાઈ હતી. આ યોજના હેઠળ દેશભરમાં ૩૦ પ્રોજેક્ટ મંજૂર કરાયા છે, જેમાં "ગુજરાતના કચ્છમાં કુદરતી સંસાધન આધારિત સમુદાયો માટે જલવાયુ પરિવર્તન અનુકૂલન: પાણી અને આજીવિકા સુરક્ષા તથા ઇકોસિસ્ટમ પ્રસ્થાપન દ્વારા સ્થિતિસ્થાપકતાને સુદ્રઢ બનાવવી" શીર્ષક હેઠળ ₹૨૧.૩૬ કરોડનો પ્રોજેક્ટ સ્વીકારાયો છે. સાથોસાથ ક્લાઈમેટ ચેન્જ પરના સ્ટેટ એક્શન પ્લાનની સમીક્ષા માટે ₹૧૨ લાખની સહાય મંજૂર કરાઈ છે.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા હાથ ધરાયેલા રાષ્ટ્રીય સ્તરના અભ્યાસ "ક્લાઈમેટ વલ્નરેબિલિટી એસેસમેન્ટ ફોર એડેપ્ટેશન પ્લાનિંગ ઈન ઈન્ડિયા યુઝિંગ એ કોમન ફ્રેમવર્ક" અંતર્ગત વિવિધ રાજ્યો અને જિલ્લાઓની નબળાઈઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. ડીએસટી દ્વારા ગુજરાતના સ્ટેટ ક્લાઈમેટ ચેન્જ સેલ (SCCCs) ને પણ નાણાકીય અને સંસ્થાકીય મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ સર્વેક્ષણ અને મૂલ્યાંકન મુજબ પર્યાવરણીય જોખમોની દ્રષ્ટિએ ગુજરાતને 'સાધારણ સંવેદનશીલ' કેટેગરીમાં ગણવામાં આવ્યું છે.

(6:50 PM IST)