<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

ગુજરાતમાં બિન-ખેડૂત ખાતેદાર પણ ખેતીની જમીન ખરીદી શકશે

ગુજરાતમાં લેન્‍ડ રિફોર્મ માટે સીએલસી કમીટીનો રિપોર્ટ સરકારને સુપ્રતઃ ગણોત ધારામાં કરાશે બદલાવ

નવી દિલ્‍હી,તા.૨૪: ગુજરાત સરકારે  બિન ખેતીની જમીન મુદ્દે ઉભા થયેલા તાજેતરના વિવાદ બાદ હવે બિન ખેડૂત ખાતેદાર પણ ખેતીની જમીન ખરીદી  શકે તે અંગે વિચારણા હાથ ધરી છે. જેમાં હાલમાં જ વિધાનસભાના પૂર્વ સ્‍પીકર રમણલાલ વોરા ખોટા દસ્‍તાવેજના આધારે ખાતેદાર બન્‍યાં હોવાની મુખ્‍યમંત્રીને ફરિયાદ થઈ છે. જ્‍યારે આ ઉપરાંત અન્‍ય ઉદ્યોગપતિઓ પણ બોગસ ખેડૂત ખાતેદાર થઈ રહ્યાં હોવાની વિગતો પણ મળી છે. ગુજરાતમાં ગણોત ધારા ની કલમ ૬૩ હેઠળ ખેતીની જમીન ખરીદવા માટે  ખેડૂત ખાતેદાર હોવું જરૂરી છે

તેમજ હાલમાં નિયમો મુજબ ખેડૂત ન હોવાને કારણે અન્‍ય લોકો કૃષિની જમીન ખરીદી શકતા નથી. ત્‍યારે જે લોકો રસ ઘરાવે છે તેમના દ્વારા કૃષિ ક્ષેત્રે રોકાણ થાય, ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્‍ય મળે અને ખેતીની જમીનો બિનખેતી થતા અટકે જે હેતુથી રાજ્‍ય સરકાર બિન ખેડૂત ખાતેદાર પણ ખેતીની જમીન ખરીદી શકે તેવા ફેરફારો અંગે વિચારણા કરી રહી છે.

આ ઉપરાંત હાલમાં મહેસૂલ વિભાગે ખેડા જિલ્‍લાના માતરમાં ૫૦૦ બોગસ ખેડૂત ખાતેદારો પકડાયાં હતાં. આ ઉપરાંત રાજ્‍યમાં મોટાપાયે ખેતીની જમીનો બિનખેતીમાં પરિવર્તિત થઈ રહી છે. તેમજ મોટા પ્રમાણમાં ખેતીની જમીન બિન-ખેતી થઈ રહી છે. જે રાજ્‍ય સરકાર માટે ચિતાનો વિષય છે.

પંજાબ, તેલગાણાં સહિતના રાજ્‍યોમાં ખેતીની જમીન ખરીદવાના નિયમો હળવા

ઉલ્‍લેખનીય છે કે, હિમાચલ પ્રદેશ, જમ્‍મુ કાશ્‍મીર, સિક્કીમ, મિઝોરમ, ઉત્તરાખંડ, ગોવા ઉપરાંત ગુજરાતમાં માત્ર ખેડૂત જ ખેતીની જમીન ખરીદી શકે છે. જ્‍યારે  ઉત્તરપ્રદેશ, કેરાલા, રાજસ્‍થાન, હરિયાણા, કર્ણાટક આસામ, પંજાબ, તેલગાણાં સહિતના રાજ્‍યોમાં ખેતીની જમીન ખરીદવાના નિયમો હળવા છે. આ રાજ્‍યોમાં કોઈપણ વ્‍યક્‍તિ , કલેકટર સહિત સ્‍થાનિક તંત્રની મંજૂરી મેળવીને ખેતીની જમીન ખરીદી શકે છે. મહત્‍વની વાત છેકે, ગુજરાતમાં લેન્‍ડ રિફોર્મ માટે સીએલસીનાં કમીટીનો  રિપોર્ટ સરકારને સુપ્રત કરાયો છે.

આ ઉપરાંત ગુજરાતમાં લેન્‍ડ રિફોર્મ માટે સીએલસી કમીટીનો રિપોર્ટ સરકારને સુપ્રત કરવામાં આવ્‍યો છે. તેમાં પણ ખેતીની જમીન કોઈ પણ વ્‍યક્‍તિ ખરીદી શકે તેવી ભલામણ કરાઈ છે.

(10:15 AM IST)