તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
કમાણી અને ખર્ચ મામલે દેશમાં ગુજરાતનો ડંકો: મુંબઈ-દિલ્હી જેવા મહાનગરોને પાછળ છોડી ભારતના ટોપ-૧૦ શહેરોમાં રાજ્યના ૩ શહેરોએ મેળવ્યું સ્થાન
સરેરાશ વાર્ષિક આવકમાં ત્રીજા ક્રમે વડોદરા અને પાંચમા ક્રમે સુરતનો દબદબો; મધ્યમ વર્ગની આવક વધતાં ગુજરાતના નાના અને ઉભરતા શહેરો બન્યા આર્થિક વિકાસના નવા કેન્દ્રો

નવી દિલ્હી/અમદાવાદ: ગુજરાત સામાજિક અને આર્થિક બંને ક્ષેત્રે મજબૂતીથી આગળ વધી રહ્યું છે, જેના કારણે ભારતના અન્ય ધનાઢ્ય શહેરોની યાદીમાં હવે ગુજરાતના શહેરોએ પણ પોતાની ધાક જમાવી દીધી છે. દેશના નાના અને ઉભરતા શહેરોની આર્થિક સ્થિતિને લઈને કરવામાં આવેલા એક ખાસ સર્વેક્ષણ અને 'CNBC Awaaz'ના વિશ્લેષણમાં ગુજરાત માટે અત્યંત ઉત્સાહજનક અને સારા સમાચાર સામે આવ્યા છે. કમાણી અને ઘરેલુ ખર્ચના મામલે ગુજરાતના શહેરો હવે મુંબઈ અને દિલ્હી જેવા માયાવી મહાનગરોને પણ જોરદાર ટક્કર આપીને હંફાવી રહ્યા છે. આ રિપોર્ટ અનુસાર છેલ્લા એક દાયકામાં દેશમાં મધ્યમ વર્ગની સંખ્યામાં અને તેમની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
રૂપિયા ૬ થી ૩૬ લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારો વધ્યા:
રિપોર્ટના વિશ્લેષણ મુજબ, દેશભરમાં ખાસ કરીને રૂપિયા ૬ લાખથી લઈને રૂપિયા ૩૬ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. આ આર્થિક પરિવર્તનના કારણે નાના અને ઉભરતા શહેરો દેશના આર્થિક વિકાસના નવા કેન્દ્રો તરીકે ઉભરી આવ્યા છે. ગુજરાતમાં આર્થિક ક્ષેત્રે હવે સરકાર પણ પૂરતો સહકાર આપી રહી હોવાથી નવા ઉદ્યોગો આ શહેરો તરફ આકર્ષાઈ રહ્યા છે, જેના પરિણામે રોજગારી અને લોકોની આવકની સ્થિતિમાં અભૂતપૂર્વ સુધારો નોંધાયો છે. આ શહેરો માત્ર કમાણીની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ ઘરેલુ ખર્ચમાં પણ મોખરે છે; એટલે કે અર્થશાસ્ત્રની ભાષામાં આવક વધવાની સાથે જાવકમાં પણ વધારો નોંધાયો છે જે બજાર માટે હકારાત્મક સંકેત છે.
દેશના ટોપ-૧૦ કમાઉ શહેરોની યાદી આ મુજબ છે:
આ સર્વેમાં દેશભરના ટોપ-૧૦ શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં પરિવારોની વાર્ષિક કમાણીના આધારે ક્રમ નક્કી કરાયા છે:
૧. ચંડીગઢ: વાર્ષિક સરેરાશ પરિવારની કમાણી રૂપિયા ૧૯ લાખ સાથે દેશમાં પ્રથમ ક્રમે.
૨. તિરુવનંતપુરમ: રૂપિયા ૧૭.૫ લાખની વાર્ષિક આવક સાથે બીજા ક્રમે.
૩. વડોદરા: ગુજરાતની સંસ્કારી નગરી વડોદરા રૂપિયા ૧૭.૩ લાખ (અન્ય અહેવાલ મુજબ ૨૬ લાખ)ની સરેરાશ આવક સાથે દેશમાં ત્રીજા ક્રમે.
૪. તિરુપુર: રૂપિયા ૧૭ લાખની વાર્ષિક આવક સાથે ચોથા ક્રમે.
૫. સુરત: ટેક્સટાઈલ અને ડાયમંડ સિટી સુરત રૂપિયા ૧available૫.૫ લાખની સરેરાશ આવક સાથે પાંચમા ક્રમે.
૬. બેંગ્લોર: યાદીમાં છઠ્ઠા સ્થાન પર.
૭. પૂણે: યાદીમાં સાતમા સ્થાન પર.
૮. દિલ્હી: દેશની રાજધાની આ યાદીમાં આઠમા સ્થાન પર ધકેલાઈ છે.
૯. અમૃતસર: યાદીમાં નવમા સ્થાન પર.
૧૦. અમદાવાદ: ગુજરાતનું મેગા સિટી અમદાવાદ રૂપિયા ૧૪.૨ લાખની વાર્ષિક આવક સાથે દસમા ક્રમે.
જામનગર સહિતના નાના શહેરો પણ ભરી રહ્યા છે હરણફાળ:
આ આર્થિક વિશ્લેષણના અહેવાલમાં જણાવ્યા અનુસાર, દેશની એકંદર આર્થિક સ્થિતિ સુધારવામાં ગુજરાતના આ શહેરો પોતાનું મોટું યોગદાન આપી રહ્યા છે, જેના કારણે સમગ્ર રાજ્યની આર્થિક સ્થિતિ વધુ સુદ્રઢ બની છે. અમદાવાદ, સુરત અને વડોદરા ઉપરાંત આ યાદીના વિશ્લેષણમાં જામનગર શહેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ તથ્યો એ વાતનો મજબૂત સંકેત આપે છે કે ગુજરાતના નાના અને મધ્યમ કદના શહેરો હવે મોટા મહાનગરોની સમકક્ષ ખૂબ જ સારી રીતે વિકસિત થઈ રહ્યા છે અને લોકોના જીવનધોરણમાં મોટો સુધારો જોવા મળી રહ્યો છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
