<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

સોમનાથ મંદિર નીચે બૌદ્ધ અવશેષો હોવાના દાવા સાથેની પીઆઈએલ ગુજરાત હાઈકોર્ટે ફગાવી : ભ્રામક અરજી કરનાર અરજદાર પર ૨ લાખ રૂપિયાનો ભારે દંડ ફટકારાયો

કોઈપણ પ્રમાણભૂત દસ્તાવેજ, સત્તાવાર રેકોર્ડ કે નક્કર પુરાવા વિના માત્ર સોશિયલ મીડિયા અને અખબારી અહેવાલોના આધારે કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન સંવેદનશીલ ધાર્મિક સ્થળને વિવાદમાં ઢસડવાનો પ્રયાસ : ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી. એન. રાયની બેન્ચે અરજદારને 'અપ્રમાણિક લિટિગન્ટ' ગણાવ્યો

 અમદાવાદ:  વિશ્વપ્રસિદ્ધ અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમાન સોમનાથ મંદિરની નીચે બૌદ્ધ અવશેષો હોવાના દાવા અને તેના કથિત સર્વે રિપોર્ટને સાર્વજનિક કરવાની માંગ કરતી જનહિત અરજી (PIL) ને ગુજરાત હાઈકોર્ટે સખત શબ્દોમાં ફગાવી દીધી છે. અદાલતે આ અરજીને તદ્દન ખોટી, ભ્રામક અને તથ્યોને તોડી-મરોડીને રજૂ કરનારી ગણાવી છે. આ સાથે જ હાઈકોર્ટે ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ કરવા બદલ અરજદાર પર ૨ લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે.

 

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ (ચીફ જસ્ટિસ) સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી. એન. રાયની ખંડપીઠે ૨૫ જૂન ૨૦૨૬ના રોજ આ હાઈપ્રોફાઈલ કેસમાં પોતાનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે, આ પ્રકારની પાયાવિહોણી અરજીઓ અદાલતમાં આવવાથી વાસ્તવિક અને સાચી જનહિત અરજીઓની વિશ્વસનીયતા તેમજ પવિત્રતાને મોટું નુકસાન પહોંચે છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે અરજદાર પોતાના દાવાઓના સમર્થનમાં કોઈ પણ પ્રમાણભૂત દસ્તાવેજ, ભરોસાપાત્ર સંશોધન કે નક્કર પુરાવા રજૂ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે.

 

 શું હતો સમગ્ર મામલો અને અરજદારનો દાવો:

આ વિવાદાસ્પદ જનહિત અરજી મહારાષ્ટ્રના રહેવાસી વિલાસ તુકારામ ખરાત દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમણે પોતાની ઓળખ મરાઠી ભાષાના વિદ્વાન, બૌદ્ધ ધર્મના અનુયાયી અને ‘સનાતન ધમ્મ’ નામના સંગઠનના સ્થાપક સભ્ય તરીકે આપી હતી. અરજીમાં એવો દાવો કરાયો હતો કે સોમનાથ મંદિરની નીચે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અને આઈઆઈટી (IIT) ગાંધીનગર દ્વારા એક વૈજ્ઞાનિક સર્વે કરવામાં આવ્યો હતો. આ કથિત સર્વે અંગેની કેટલીક માહિતી પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હોવાનો આધાર ટાંકીને અરજદારે હાઈકોર્ટ પાસે આ ગુપ્ત રિપોર્ટને જાહેર કરવાની માંગ કરી હતી. આ કેસમાં સોમનાથ ટ્રસ્ટ અને એએસઆઈ (ASI) ને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.

 

 અદાલતે અરજદારને 'અપ્રમાણિક લિટિગન્ટ' કહ્યો:

સુનવણી દરમિયાન હાઈકોર્ટે અરજદારની ઝાટકણી કાઢતા તેને 'અપ્રમાણિક લિટિગન્ટ' (બેઇમાન અરજદાર) ગણાવ્યો હતો. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, જો કોઈ માહિતી જોઈતી હતી તો સંબંધિત વિભાગ કે સત્તાધિકારીનો સંપર્ક કર્યા વિના સીધા જ હાઈકોર્ટમાં જનહિત અરજી કેમ કરી દેવામાં આવી? ન્યાયાધીશોએ નોંધ્યું કે માત્ર અખબારના કટિંગ્સ અને સોશિયલ મીડિયાની પોસ્ટના આધારે કોઈ પ્રતિષ્ઠિત ધાર્મિક સ્થળ, ટ્રસ્ટ કે સંસ્થાને વિવાદના કુંડાળામાં ખેંચી લાવવી કાયદાકીય રીતે જરાય યોગ્ય નથી. આવા સંવેદનશીલ મુદ્દાઓ પર અરજી કરતા પહેલા યોગ્ય ગૃહકાર્ય અને સત્તાવાર પુરાવા હોવા અનિવાર્ય છે.

 

 રાજ્ય સરકારે અરજીને 'પબ્લિસિટી લિટિગેશન' ગણાવી:

ગુજરાત સરકાર વતી કોર્ટમાં હાજર રહેલા પબ્લિક પ્રોસિક્યુટર જી. એચ. વિર્કે દલીલ કરી હતી કે આ અરજીનો એકમાત્ર ઉદ્દેશ્ય કોઈ પણ જાતના તથ્યાત્મક આધાર વિના સોમનાથ ટ્રસ્ટને બિનજરૂરી વિવાદોમાં ઘસીટવાનો હતો. રાજ્ય સરકારે તેને 'જનહિત અરજી' નહીં પરંતુ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેની 'પબ્લિસિટી લિટિગેશન' ગણાવી હતી. સરકારી વકીલે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે અરજીમાં 'સોમનાથ ટ્રસ્ટ એક્ટ, 1955' નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે વાસ્તવમાં આ નામે કોઈ કાયદો અસ્તિત્વમાં જ નથી. આ બાબત જ સાબિત કરે છે કે અરજી કેટલા ભ્રામક અને અધૂરા જ્ઞાન સાથે કરવામાં આવી હતી.

 

અદાલતમાં સુનવણીના અંતે અરજદારે પણ સ્વીકાર્યું હતું કે તેના તમામ આરોપો માત્ર સોશિયલ મીડિયા અને અખબારોના સમાચારો પર આધારિત હતા. આથી હાઈકોર્ટે કડક સંદેશ આપતા અરજીને ફગાવી દીધી છે અને ૨ લાખ રૂપિયાનો દંડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના આ ચુકાદા બાદ સોમનાથ મંદિરના ભોંયરામાં બૌદ્ધ અવશેષો હોવા અંગે ચાલી રહેલી તમામ અફવાઓ અને કથિત સર્વેના વિવાદો પર કાનૂની રીતે મોટો પૂર્ણવિરામ મુકાઈ ગયો છે.

(3:45 PM IST)