<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

કર્ણાટકમાં ‘અતિથિ દેવો ભવ:’ લજવાયું: કોડાગુના હોમસ્ટેમાં અમેરિકન મહિલા પર બળાત્કાર, ૩ દિવસ સુધી રૂમમાં પૂરી રાખી ફોન અને વાઈ-ફાઈ ઝૂંટવી લીધા

મહિલાની મક્કમતા સામે નરાધમો હાર્યા: મૈસુરુ જવાનું બહાનું કાઢી ચુંગાલમાંથી છૂટેલી પીડિતાએ અમેરિકન એમ્બેસીને કરી જાણ, ઝારખંડના શ્રમિક અને હોમસ્ટે માલિકની ધરપકડ

કોડાગુ, તા.૨૨: કર્ણાટકના રમણીય હિલ સ્ટેશન કોડાગુ (કુર્ગ) માં ફરવા આવેલી એક અમેરિકન પ્રવાસી મહિલા સાથે જે બન્યું તે જાણીને માનવતા શરમાઈ જાય તેમ છે. એક પ્રાઈવેટ હોમસ્ટેમાં રહેવા ગયેલી આ મહિલા પર જાતીય હુમલો થયા બાદ તેને ત્રણ દિવસ સુધી બંધક બનાવી રાખવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ મામલે કર્ણાટક પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

શું હતી સમગ્ર ઘટના?

અહેવાલો મુજબ, કોડાગુના એક હોમસ્ટેમાં રોકાયેલી અમેરિકન મહિલા પર ત્યાં કામ કરતા વ્રુજેશ કુમાર નામના શ્રમિકે (મૂળ ઝારખંડનો રહેવાસી) બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે પીડિતાએ આ બાબતે હોમસ્ટેના માલિકને ફરિયાદ કરી, ત્યારે ન્યાય આપવાને બદલે માલિક પણ આ પાપમાં ભાગીદાર બન્યો હતો. માલિકે મહિલાને પોલીસ પાસે જતી રોકવા માટે તેનો મોબાઈલ ફોન છીનવી લીધો અને હોમસ્ટેનું વાઈ-ફાઈ કનેક્શન કાપી નાખ્યું હતું.

૩ દિવસ સુધી બંધક બનાવી આપી ધમકી

પીડિતાને બહારની દુનિયાથી સંપર્ક વિહોણી કરી દઈને ત્રણ દિવસ સુધી એક રૂમમાં પૂરી રાખવામાં આવી હતી. હોમસ્ટે માલિકે તેને કોઈને પણ આ વાતની જાણ ન કરવાની ધમકી આપી હતી. જોકે, પીડિતાએ હિંમત હારી નહીં. તેણે યુક્તિ વાપરીને માલિકને વિશ્વાસ અપાવ્યો કે તે મૈસુરુ જઈ રહી છે અને ત્યાંથી પરત આવશે. આ બહાને તે નરાધમોની ચુંગાલમાંથી છૂટીને મૈસુરુ પહોંચી હતી.

અમેરિકન એમ્બેસીના હસ્તક્ષેપથી એક્શન

મૈસુરુ પહોંચતા જ મહિલાએ સીધો યુનાઇટેડ સ્ટેટ્સ એમ્બેસીનો સંપર્ક કર્યો અને પોતાની આપવીતી જણાવી. યુએસ એમ્બેસીએ તરત જ કર્ણાટક પોલીસને ઈમેઈલ કરીને આ ગંભીર ગુનાની જાણ કરી હતી. એમ્બેસીની સક્રિયતા બાદ હરકતમાં આવેલી પોલીસે તાત્કાલિક ગુનો નોંધી વ્રુજેશ કુમાર અને હોમસ્ટે માલિકની ધરપકડ કરી લીધી છે.

૩ મે સુધી ન્યાયિક કસ્ટડી

કોર્ટે બંને આરોપીઓને ૩ મે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. કર્ણાટક પોલીસ આ કેસમાં વધુ પુરાવા એકત્ર કરી રહી છે. આ ઘટનાને કારણે પ્રવાસન ક્ષેત્રે મહિલાઓની સુરક્ષા પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે.

વિદેશી પ્રવાસી સાથે બનેલી આ ઘટનાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની સુરક્ષા વ્યવસ્થા પર આંગળી ચીંધાઈ રહી છે. સ્થાનિક રહીશો પણ આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી રહ્યા છે.

(5:17 PM IST)