<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

વિદેશમાં વેચવામાં આવતી વસ્‍તુ ઉપર મળતા કમિશન પર GST નહીં વસૂલાય

આઈજીએસટીની કલમમાં સુધારાથી અનેક એજન્‍ટને લાભ મળશે : કમિશનની આવક પર અત્‍યાર સુધી ૧૮ ટકા પ્રમાણે ટેક્‍સ ચૂકવાતો હતો

મુંબઈ,તા.૧૫: વિદેશમાં માલનું વેચાણ કરવામાં મદદ કરનારને કમિશન પેટે જે પણ રકમ મળતી હતી તેના પર અત્‍યાર સુધી જીએસટી ચૂકવવાનો નિયમ લાગુ કરવામાં આવ્‍યો હતો. પરંતુ હવેથી આઇજીએસટીની કલમમાં સુધારો કરવામાં આવતા વિદેશમાં માલ વેચ્‍યા બાદ મળતા કમિશન પર જીએસટી વસૂલ કરવામાં આવશે નહીં તેવો નિર્ણય કરવામાં આવ્‍યો છે. તેના કારણે કમિશન પર કામ કરનારાઓને સીધો ફાયદો થવાનો છે.

વિદેશમાં માલ મોકલવામાં આવે અને તેના પર કમિશન મળે તો ૧૮ ટકા પ્રમાણે જીએસટી ભરવાનો નિયમ હોવાના કારણે અનેક ભારતીયોએ પોતાની ઓફિસ વિદેશમાં જ ખોલી નાંખી હતી. આ રીતે તેઓ ટેકસની બચત કરતા હતા, કારણ કે બિલિગ સહિતની પ્રક્રિયા વિદેશમાં રાખવામાં આવેલી ઓફિસમાં જ કરતા હતા. આ માટે મોટાભાગના લોકોએ દુબઈમાં જ ઓફિસ ખોલીને ઈમ્‍પોર્ટ એક્‍સપોર્ટનો વેપાર કરતા હતા.

આ કારણોસર કેન્‍દ્ર સરકાર દ્વારા ફાઈનાન્‍સ એકટ ૨૦૨૬ હેઠળ આઇજીએસટી એક્‍ટ ૨૦૧૭ની કલમ ૧૩(૮)(બી)ને દૂર કરવાનો નિર્ણય કર્યો છે. આ કારણોસર ટેકસ ચૂકવવામાં રાહત મળવાની છે. જોકે તેના દ્વારા કરવામાં આવતી પ્રક્રિયાને હવેથી એક્‍સપોર્ટ ઓફ સર્વિસ ગણવામાં આવશે. આ કારણોસર જીએસટી ભરવામાંથી મુક્‍તિ મળવાની છે. આ અંગે સીએ મુકુંદ ચૌહાણે જણાવ્‍યું હતું કે કાયદામાં કરવામાં આવેલા સુધારાના કારણે કમિશનની આવક પર ટેક્‍સ ભરવામાંથી છુટકારો મળવાની સાથે સાથે તેઓ આઈટીસી રિફંડ પણ મેળવી શકશે.

જેથી કમિશન પર કામ કરનારાઓને બેવડો ફાયદો થવાનો છે. આ ઉપરાંત વિદેશમાં જે લોકોએ ઓફિસ ખોલીને વેપાર કરી રહ્યા છે તેઓ હવેથી ભારતમાં જ આવીને બિલિગ પ્રક્રિયા કરવાના લીધે ભારતમાંથી એક્‍સપોર્ટ કરનારાઓની સંખ્‍યા વધવાની સાથે સાથે વિદેશી હૂંડિયામણ પણ સીધું ભારતના બેંક ખાતામાં આવવાની શક્‍યતા નકારી શકાય તેમ નથી. આ તમામ પાંસાઓને ધ્‍યાને રાખીને જ કેન્‍દ્ર સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્‍યો હોવાની શકયતા રહેલી છે.

(10:07 AM IST)