<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

છ મહિના સુધી વેપાર નહિ કરે તો જીએસટી નંબર રદ

વેપારીને નોટિસ ફટકારી સાત દિવસનો સમય અપાશે : બંધ પડેલા નંબર સામે જીએસટી વિભાગની આકરી કાર્યવાહીની તજવીજ

મુંબઈ,તા.૨૮: જીએસટી નંબર લીધા બાદ છ મહિના સુધી વેપાર નહીં કરનારના નંબર રદ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. જોકે ત્રણ મહિના સુધી રિટર્ન નહીં ભરનારનો નંબર સસ્‍પેન્‍ડ તો કરી જ દેવામાં આવે છે. તેનાથી એક પગલું આગળ વધીને હવે નંબર જ કાયમી ધોરણે રદ કરી દેવામાં આવનાર છે. આ ઉપરાંત વેપારીને નોટિસ ફટકારી કયા કારણોસર વેપાર કરવામાં આવતો નથી તેનો ખુલાસો પણ પૂછવામાં આવનાર છે.

જીએસટી વિભાગ દ્વારા કરચોરી અટકાવવા અને બોગસ અથવા નિષ્‍ક્રિય રજિસ્‍ટ્રેશન ધરાવતા વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.

જીએસટી કાયદાની કલમ ૨૯(૨)(ડી) મુજબ જે વ્‍યક્‍તિઓએ જીએસટી રજિસ્‍ટ્રેશન મેળવ્‍યું હોય અને નોંધણીની તારીખથી ૬ મહિના સુધી ધંધો શરૂ ન કર્યો હોય તેવા વેપારીઓની નોંધણી રદ કરવા માટે જીએસટી વિભાગે નોટિસ ફટકારવાનું શરૂ કર્યું છે. આ નોટિસનો જવાબ વેપારીએ સાત દિવસમાં આપવાનો રહેશે. ત્‍યારબાદ પણ જવાબ આપવામાં નહીં આવે તો નંબર કાયમી ધોરણે રદ કરી દેવામાં આવનાર છે.

આ નિર્ણય કરવા પાછળનો બીજો હેતુ એવો પણ છે કે કેટલાક કૌભાંડીઓ જીએસટી નંબર લીધા પછી પાંચ કરોડથી ઓછી રકમના બોગસ બિલિગ કૌભાંડ કરતા હોય છે. તેમાં

થોડા દિવસો સુધી આ રીટે બોગસ બિલ બનાવવામાં આવ્‍યા પછી તે નંબર પરથી વ્‍યવહાર બંધ કરી દેતા હોય છે. એકાદ વર્ષ સુધી આવા નંબર પર એક પણ રૂપિયાનો વેપાર કર્યા વિના નીલ રિટર્ન ભરવામાં આવતું હોય છે. ત્‍યારબાદ કૌભાંડ કરવા માટે ફરી આજ નંબરનો વપરાશ શરૂ કરી દેવામાં આવતો હોય છે. આ કારણોસર સરકારને દર મહિને કરોડો રૂપિયાની આવક ગુમાવવી પડે છે. તેમજ કૌભાંડીઓ ખોટી રીતે આઇટીસી પણ લઈ લેતા હોય છે. આવી તમામ સમસ્‍યાના નિરાકરણ માટે હવે જીએસટી વિભાગે છ મહિના સુધી વેપાર નહીં કરનારનો નંબર જ રદ કરી દેવાનો નિર્ણય કર્યો છે.

(10:43 AM IST)