તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
BRICS સમિટના કારણે GST કાઉન્સિલની બેઠક મુલતવી: હવે ૧૨ સપ્ટેમ્બરને બદલે ૭ ઓક્ટોબરે યોજાશે
દિલ્હીમાં ૧૨-૧૩ સપ્ટેમ્બરે યોજાનારી વાર્ષિક BRICS શિખર પરિષદને પગલે નિર્ણય: નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાશે ૫૭મી બેઠક

નવી દિલ્હી: નવી દિલ્હીમાં આગામી ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ યોજાનારી વાર્ષિક BRICS સમિટને ધ્યાનમાં રાખીને Goods and Services Tax (GST) કાઉન્સિલની ૫૭મી બેઠક પાછી ઠેલવામાં આવી છે. પૂર્વ નિર્ધારિત શિડ્યુલ મુજબ આ બેઠક ૧૨ સપ્ટેમ્બરે યોજાવાની હતી, જે હવે ૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ યોજાશે. આ મહત્ત્વપૂર્ણ બેઠક પૂર્વે ૫ અને ૬ ઓક્ટોબરે નાણાં મંત્રાલય અને રાજ્યોના ઉચ્ચ અધિકારીઓની પૂર્વ તૈયારી રૂપે બેઠક યોજાશે.
BRICS શિખર પરિષદ જેવા મોટા આંતરરાષ્ટ્રીય આયોજન માટે વ્યાપક સુરક્ષા અને વ્યવસ્થાપકીય (Logistical) વ્યવસ્થાઓ જરૂરી હોવાથી બંને કાર્યક્રમો એકસાથે ન યોજાય તે હેતુથી આ તારીખ બદલવામાં આવી છે. ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાનારી BRICS સમિટમાં પશ્ચિમ એશિયાઈ કટોકટી અને વૈશ્વિક આર્થિક પડકારો સહિતના વિષયો પર ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના બનેલા આ જૂથમાં ૨૦૨૪માં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને UAE નો સમાવેશ થયો હતો, જ્યારે ૨૦૨૫માં ઇન્ડોનેશિયા પણ BRICSનું સભ્ય બન્યું હતું.
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં અને તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાં મંત્રીઓની હાજરીમાં આયોજિત થનારી આ કાઉન્સિલની બેઠક લગભગ એક વર્ષના વિરામ બાદ યોજાઈ રહી છે. આ પહેલાં ૫૬મી બેઠક ૩-૪ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ યોજાઈ હતી, જેમાં GST દરો અને શ્રેણીઓમાં સુધારા અંગે ચર્ચા કરાઈ હતી.
ઓક્ટોબરમાં યોજાનારી આ બેઠકમાં ટેક્સ રેટ રેશનાલાઈઝેશન, ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ના સરળ નિયમો, કોર્પોરેટ ગેરંટી અને વેપારીઓ માટે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ સુગમ બનાવવા માટેના પ્રસ્તાવો પર વિચારણા કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
