તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
મે મહીનામાં GST કલેક્શન રૂ.૧.૯૪ લાખ કરોડને પાર
ભારતીય અર્થતંત્રે મજબૂત સ્થાનિક માંગ અને આયાતમાં જોરદાર વૃદ્ધિનો નવો ઈતિહાસ રચ્યો

નવી દિલ્હી, તા.૧: ભારતીય અર્થતંત્ર માટે મે મહિનો ટેક્સ કલેક્શનના મોરચે શાનદાર સાબિત થયો છે. દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સની વસૂલાત ૩.૨% ના વધારા સાથે રૂ.૧.૯૪ લાખ કરોડના આંકડાને વટાવી ગઈ છે. સરકારી ડેટા અનુસાર, બજારમાં માલ અને સેવાઓના પુરવઠામાં થયેલો સુધારો અને ખાસ કરીને આયાત (ઇમ્પોર્ટ) પરની કર વસૂલાતમાં થયેલો તગડો વધારો આ તેજી પાછળનું મુખ્ય કારણ છે. ગત વર્ષે મે ૨૦૨૫માં આ આંકડો રૂ.૧.૮૮ લાખ કરોડ હતો, જેની સરખામણીએ આ વખતે સ્થાનિક વપરાશ અને માંગની મજબૂતાઈ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
મે મહિનાના કલેક્શનના ગણિત પર નજર કરીએ તો, સ્થાનિક વ્યવહારોમાંથી સેન્ટ્રલ GST પેટે રૂ.૩૭,૩૯૭ કરોડ અને સ્ટેટ GST પેટે રૂ.૪૫,૧૪૩ કરોડની આવક થઈ છે. આ સિવાય ઇન્ટિગ્રેટેડ GST તરીકે રૂ.૫૧,૯૯૦ કરોડ સરકારી તિજોરીમાં જમા થયા છે. આ સમયગાળા દરમિયાન દેશમાં કરપાત્ર માલસામાનના પુરવઠામાં ૨૬.૯% નો તોતિંગ ઉછાળો આવ્યો છે, જે દર્શાવે છે કે સ્થાનિક સ્તરે ખરીદીની માંગ ખૂબ જ મજબૂત છે. આ સાથે જ સર્વિસ સેક્ટરમાં પણ ૨૨.૨% ની વળદ્ધિ નોંધાઈ છે, જે ભારતીય ગ્રાહકોની મજબૂત ખરીદશક્તિનો પુરાવો છે.
આંકડાની અંદરની રસપ્રદ વાત એ છે કે, આ વખતે સ્થાનિક GST કલેક્શનમાં વાર્ષિક ધોરણે ૨.૬% નો નજીવો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આ ખાદ્યને આયાત પરના GST સંગ્રહે બખૂબી સરભર કરી દીધી છે. મે મહિનામાં આયાત પરનો IGST ૧૯.૧% વધીને રૂ.૫૯,૬૫૪ કરોડ પર પહોંચી ગયો છે, જે દેશના ઔદ્યોગિક ક્ષમતાના વિસ્તરણ અને મજબૂત બાહ્ય વેપાર પ્રવાહ તરફ ઈશારો કરે છે. આયાતની આ ધમાકેદાર કમાણીના જોરે જ કુલ ચોખ્ખી GST આવકમાં ૫.૫% નો વાર્ષિક ગ્રોથ સંભવ બન્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં આયાત પરનો ટેક્સ ગ્રોથ અત્યાર સુધીમાં લગભગ ૩૦% એ પહોંચી ચૂકયો છે.આ શાનદાર પ્રદર્શન વચ્ચે, આર્થિક નિષ્ણાતોએ આગામી GST કાઉન્સિલની બેઠક માટે સરકારને મહત્વના સૂચનો કર્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે હવે GSTના માળખામાં મોટા સુધારા કરવાનો સમય આવી ગયો છે, જેમાં પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવવા એ સૌથી મોટો ક્રાંતિકારી સુધારો સાબિત થશે, જેનાથી સામાન્ય જનતા પરનો કરનો બોજ ઘટશે. આ ઉપરાંત, ઇનપુટ સર્વિસ રિફંડના જટિલ નિયમોને સરળ બનાવવા અને વેપારીઓ માટે જોખમી ટેગિંગની પ્રક્રિયા પારદર્શક બનાવવાની માંગ ઉઠી છે, જેથી પ્રમાણિક ઉદ્યોગોને ફંડ બ્લોક થવાના કારણે બિનજરૂરી મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં GST કલેક્શન રૂ.૨.૪૩ લાખ કરોડની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું હતું, જે બાદ મે મહિનાના આ આંકડા પણ અર્થતંત્રની મજબૂતાઈ ગતિશીલ હોવાના સંકેત આપે છે.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
