તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
ડિજિટલ સોનાનો વધતો જાદુ: યુવા રોકાણકારોની પહેલી પસંદગી, વૈશ્વિક બજાર ૨૦૩૧ સુધીમાં $૨૮૦ બિલિયન સુધી પહોંચવાની શક્યતા
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલમાં મોટો ખુલાસો: ભારતમાં સ્માર્ટફોન અને ડિજિટલ પેમેન્ટના લીધે ડિજિટલ ગોલ્ડમાં રોકાણકારોનો સતત વધારો

નવી દિલ્હી: સદીઓથી સુરક્ષિત અને શ્રેષ્ઠ રોકાણ માનવામાં આવતા સોના પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ અને ખરીદીની પદ્ધતિઓ હવે ઝડપથી બદલાઈ રહી છે. આજની નવી અને ટેક-સેવી પેઢી સોનાના દાગીના કે ભૌતિક સિક્કા ખરીદવાના બદલે પોતાના મોબાઇલ ફોન દ્વારા ડિજિટલ સોના માં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) અને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના સંયુક્ત અહેવાલ મુજબ, વૈશ્વિક ડિજિટલ સોનાનું બજાર હાલમાં આશરે US$ ૪૫ થી ૫૫ બિલિયન મૂલ્ય ધરાવે છે, જે આગામી પાંચ વર્ષમાં વાર્ષિક ૨૭ ટકાના દરે વધીને ૨૦૩૧ સુધીમાં $૨૭૦ થી $૨૮૦ બિલિયન સુધી પહોંચવાની વિશાળ સંભાવના ધરાવે છે.
અહેવાલ અનુસાર, વૈશ્વિક રિટેલ ડિજિટલ સોનાનું બજાર ૨૦૩૧ સુધીમાં ત્રણ ગણાથી વધુ વધીને $૧૬૦ થી $૧૭૦ બિલિયન થવાનો અંદાજ છે. હાલમાં વિશ્વભરમાં ડિજિટલ ગોલ્ડ હોલ્ડિંગ્સ આશરે ૩૭૦ ટન સોનું છે, જે વૈશ્વિક સ્તરે ગોલ્ડ-બેક્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs) ના કુલ હોલ્ડિંગ્સના આશરે ૮ ટકા જેટલું થવા જાય છે.
યુવા વર્ગમાં ભૌતિક સોના કરતાં ડિજિટલ સોનાનું આકર્ષણ વધુ WGCના અહેવાલ મુજબ, ૨૫ થી ૩૪ વર્ષની વયના યુવાનોમાં ડિજિટલ સોના અંગેની જાગૃતિ ૫૦ ટકા જેટલી છે, જ્યારે ૫૫ વર્ષથી વધુ વયના લોકોમાં આ પ્રમાણ માત્ર ૨૩ ટકા છે. યુવા રોકાણકારો નાની નાની રકમથી પણ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ભૌતિક સોનામાં આંશિક હિસ્સો પ્રાપ્ત કરી રહ્યા છે. આ રોકાણોને તૃતીય-પક્ષ કસ્ટોડિયન દ્વારા સુરક્ષિત તિજોરીઓમાં રાખવામાં આવેલા ભૌતિક સોનાના ભંડારનું સમર્થન હોય છે. હાલમાં વૈશ્વિક સ્તરે ૭૦ થી વધુ ડિજિટલ ગોલ્ડ પ્રોડક્ટ્સ કાર્યરત છે.
નાણાકીય બજારોના ઝડપી ડિજિટાઇઝેશનની સાથે ટોકનાઇઝ્ડ ગોલ્ડ પ્રોડક્ટ્સ પણ મુખ્ય પ્રવાહમાં આવી રહી છે. ડિજિટલ ગોલ્ડ માર્કેટમાં ટોકનાઇઝ્ડ ગોલ્ડનું મૂલ્ય ૨૦૨૪ના અંતથી પાંચ ગણું વધીને લગભગ $૬ બિલિયન થયું છે. ૨૦૨૬ના પ્રથમ ક્વાર્ટરમાં જ ટોકનાઇઝ્ડ ગોલ્ડનું કુલ સ્પોટ ટ્રેડિંગ વોલ્યુમ $૯૦ બિલિયનને વટાવી ગયું હતું, જે સમગ્ર વર્ષ ૨૦૨૫ના કુલ ટ્રેડિંગ વોલ્યુમ કરતાં પણ વધુ છે.
ભારત ડિજિટલ ગોલ્ડ માટે મુખ્ય ગ્રોથ હબ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સીઈઓ ડેવિડ ટેટે જણાવ્યા મુજબ, રોકાણકારોની માંગ ડિજિટલ રોકાણ તરફ ઝડપથી વળી રહી છે. ભારત, ચીન અને ઇન્ડોનેશિયા જેવા દેશો આ ક્ષેત્રમાં મુખ્ય હબ તરીકે ઉભરી આવ્યા છે. ભારતમાં વ્યાપક સ્માર્ટફોનનો ઉપયોગ, યુપીઆઈ અને ડિજિટલ ચુકવણીની સરળતા તેમજ વૈવિધ્યસભર રોકાણમાં વધતી રુચિને કારણે ભારત ડિજિટલ ગોલ્ડ માટે એક અગ્રણી બજાર બની રહ્યું છે.
ડિજિટલ સોનાએ પ્રથમ વાર રોકાણ કરનારાઓ માટે ઉત્તમ દ્વાર ખોલ્યું છે. આંકડા દર્શાવે છે કે સંભવિત માંગનો ૬૫ ટકા હિસ્સો એવા લોકો પાસેથી આવી શકે છે જેઓ પહેલેથી સોનું ધરાવતા નથી. આ ડિજિટલ ક્રાંતિથી ૨૦૩૧ સુધીમાં સોનાની વધારાની વૈશ્વિક માંગમાં આશરે $૯૫ બિલિયનનો ઉમેરો થવાની ધારણા છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
