<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

મોંઘવારીનો વધતો બોજ: ડુંગળીના ભાવમાં એક વર્ષમાં બમણો વધારો અને ખાંડ સહિત ખાદ્યતેલની વધતી કિંમતો ચિંતાજનક

કેટલીક શાકભાજીના ભાવ ઘટતાં થોડી રાહત મળી ; જાણો આખરે કઈ વસ્તુએ સૌથી વધુ ઝટકો આપ્યો?

નવી દિલ્હી :દેશમાં વધતી મોંઘવારીની અસર હવે સામાન્ય માણસના રસોડાના બજેટ પર જોવા મળી રહી છે. છેલ્લા એક વર્ષમાં અનેક જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં મોટો વધારો થયો છે. ખાસ કરીને ડુંગળીના ભાવ લગભગ બમણા થઈ ગયા છે, જ્યારે ખાંડના ભાવમાં 31 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. આ ઉપરાંત સરસવ, સોયાબીન અને સૂર્યમુખી તેલ સહિત વિવિધ ખાદ્યતેલ પણ મોંઘાં થયાં છે.

કેન્દ્ર સરકારના 24 નવેમ્બર 2025 અને 24 નવેમ્બર 2026ના આંકડા મુજબ, ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ પ્રતિ કિલો ₹26.95થી વધીને ₹53.38 થયો છે. એટલે કે એક વર્ષમાં લગભગ 98.07 ટકાનો વધારો થયો છે. ખાંડના ભાવ પણ ₹46.60થી વધીને ₹61.06 પ્રતિ કિલો થયા છે. ચોખાના ભાવમાં 11.33 ટકાનો વધારો નોંધાયો છે.

સરસવ તેલનો ભાવ પ્રતિ કિલો ₹186.54થી વધીને ₹215.30 થયો છે. સોયાબીન તેલ ₹146.63થી વધીને ₹169.45 અને સૂર્યમુખી તેલ ₹165.05થી વધીને ₹190.55 થયું છે. મગફળી તેલ અને પામ ઓઇલના ભાવમાં પણ વધારો થયો છે. જથ્થાબંધ બજારમાં પણ ખાદ્યતેલ મોંઘાં થયાં છે.

 

ચણા દાળનો ભાવ ₹86.85થી વધીને ₹96.13 થયો છે. તુવેર દાળ ₹115થી વધીને ₹136 પ્રતિ કિલો થઈ છે. મસૂર દાળના ભાવમાં પણ 15 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.

મોંઘવારી વચ્ચે બટાકાના ભાવમાં 13.56 ટકા અને ટામેટાંના ભાવમાં 24.59 ટકાનો ઘટાડો થયો છે. જોકે, અન્ય ચીજવસ્તુઓના વધતા ભાવને કારણે સામાન્ય પરિવારોના ઘરખર્ચ પર દબાણ યથાવત્ છે.

નબળું ચોમાસું, પાકને થયેલી અસર, ખેતીનો વધતો ખર્ચ અને પશુઆહારની મોંઘવારીને ભાવવધારા પાછળનાં કારણો ગણાવવામાં આવી રહ્યાં છે. ભારત ખાદ્યતેલની અડધાથી વધુ જરૂરિયાત આયાતથી પૂરી કરે છે. તેથી આંતરરાષ્ટ્રીય બજારના ભાવમાં ફેરફારની અસર પણ ભારતીય ગ્રાહકો પર પડે છે.

(12:37 AM IST)