<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

પાકિસ્તાનમાં મેડિકલ સેક્ટરની ઘોર બેદરકારી: કરાચીમાં ૧૩૦થી વધુ નિર્દોષ લોકો એચઆઇવી (HIV) નો ભોગ બન્યા, સંક્રમિતોમાં મોટાભાગના માસૂમ બાળકો!

હોસ્પિટલના પાપે ફેલાયો જીવલેણ રોગ – વપરાયેલી સિરીંજનો ફરી ઉપયોગ અને જંતુમુક્ત કર્યા વગરના સાધનોએ મચાવી તબાહી; ડબ્લ્યુએચઓ (WHO) ની ચેતવણી વચ્ચે દેશભરમાં એચઆઈવી સ્ક્રીનીંગ ફરજિયાત કરાયું

કરાચી:પાકિસ્તાનનો સિંધ પ્રાંત હાલમાં એક અત્યંત ભયાનક અને કંપારી છૂટી જાય તેવી મેડિકલ કટોકટીનો સામનો કરી રહ્યો છે. કરાચીની સરકારી આરોગ્ય સુવિધાઓની ગંભીર બેદરકારીના કારણે અત્યાર સુધીમાં ૧૩૦ થી વધુ નિર્દોષ લોકો એચઆઇવી (HIV) પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જેમાં સૌથી વધુ સંખ્યા નાના બાળકોની છે. સરકારી તંત્રની આ ગુનાહિત બેદરકારી સામે આવ્યા બાદ સમગ્ર પાકિસ્તાન સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે તબીબી જગતમાં ભારે આક્રોશ અને ચિંતા ફેલાઈ ગઈ છે.

એક જ હોસ્પિટલમાંથી બહાર આવ્યો પાપનો ઘડો

આ સમગ્ર રોગચાળો સિંધ કર્મચારી સામાજિક સુરક્ષા સંસ્થા (SESSI) દ્વારા સંચાલિત 'કુલસુમ બાઈ વાલિકા' (KBV) હોસ્પિટલમાંથી ફાટી નીકળ્યો છે. નવેમ્બર ૨૦૨૫ માં સ્થાનિક રહેવાસીઓએ હોસ્પિટલમાં સારવાર લેતા બાળકોમાં એચઆઇવીના અસામાન્ય લક્ષણો જોયા બાદ આ બાબત પ્રકાશમાં આવી હતી. તાજેતરમાં હાથ ધરાયેલી તપાસમાં હોસ્પિટલ અને તેની આસપાસના ૧૦,૫૦૦ લોકોના સ્ક્રીનીંગ દરમિયાન ૧૨૦ કેસ પોઝિટિવ મળ્યા હતા, જ્યારે કરાચીના લાંધી વિસ્તારમાંથી અન્ય ૧૦ કેસ મળી આવતા કુલ આંકડો ૧૩૦ ને વટાવી ગયો છે.

તપાસમાં ખુલી હોસ્પિટલની ભયાનક વાસ્તવિકતા

સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહ દ્વારા જાહેર કરાયેલા આંતરિક તપાસ અહેવાલો મુજબ, હોસ્પિટલનો સ્ટાફ ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલના સરેઆમ લીરેલીરા ઉડાવતો હતો. હોસ્પિટલમાં સિંગલ-યુઝ સિરીંજ અને સોયનો નિકાલ કરવાને બદલે તેનો ફરી-ફરીને ઉપયોગ કરવામાં આવતો હતો. એટલું જ નહીં, તબીબી ઉપકરણોને જંતુમુક્ત (Sterilize) કરવા માટેનું મશીન 'ઓટોક્લેવ' પણ ચાલુ હાલતમાં નહોતું. મુલાકાત દરમિયાન નર્સિંગ અને ઓપરેશન થિયેટરનો સ્ટાફ ગેરહાજર હતો અને હોસ્પિટલનો જોખમી બાયોમેડિકલ કચરો ખુલ્લામાં ફેંકી દેવામાં આવતો હતો. આ ગંભીર બેદરકારી બદલ અત્યાર સુધીમાં ૩૭ ડૉક્ટરો અને કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

આરોગ્ય મંત્રીની લાચારી: સિંધના શ્રમ મંત્રી સઈદ ગનીએ આ ઘટનાની પરોક્ષ જવાબદારી સ્વીકારતા જણાવ્યું છે કે, જો મારા રાજીનામાથી આ સમસ્યા ઉકલી જતી હોય તો હું પદ છોડવા તૈયાર છું. હાલમાં અસરગ્રસ્ત બાળકોની સારવાર માટે ૨ અબજ રૂપિયાનું વિશેષ ફંડ બનાવવામાં આવ્યું છે.

આરોગ્ય પ્રણાલી જ બની રહી છે રોગનું વાહન!

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને UNAIDS ના તાજેતરના અહેવાલો મુજબ, પાકિસ્તાન પૂર્વીય ભૂમધ્ય ક્ષેત્રમાં સૌથી ઝડપથી વધતા એચઆઇવી રોગચાળાનો સામનો કરી રહ્યું છે. દેશમાં ૨૦૧૦ માં જે કેસોની સંખ્યા ૧૬,૦૦૦ હતી તે ૨૦૨૪ માં ૨૦૦ ટકાના જોરદાર ઉછાળા સાથે ૪૮,૦૦૦ એ પહોંચી ગઈ છે. બ્રિટિશ મેડિકલ જર્નલ 'ધ લેન્સેટ' (The Lancet) ના તબીબોએ પણ દલીલ કરી છે કે, પાકિસ્તાનનો આ રોગચાળો હવે કુદરતી નથી પરંતુ ત્યાંની ખખડધજ અને બેજવાબદાર 'આરોગ્ય સંભાળ પ્રણાલી દ્વારા જ ફેલાવવામાં' આવી રહ્યો છે. આ ભયાનક સ્થિતિને જોતા પાકિસ્તાનના ફેડરલ આરોગ્ય મંત્રી મુસ્તફા કમાલે હવે દેશભરમાં કોઈપણ સર્જરી કે ઓપરેશન પહેલાં દર્દીનું HIV સ્ક્રીનીંગ કરવું કાયદાકીય રીતે ફરજિયાત બનાવવાની જાહેરાત કરી છે.

(5:53 PM IST)