<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

દુલ્‍હન જાનની રાહ જોતી રહી અને વરરાજા ઘરેથી થયો ફરાર

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક દીકરીનું ઘર વસતા પહેલા જ વેરાન થઈ ગયું

ફિરોઝાબાદ તા.૨૯: ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક દીકરીનું ઘર વસતા પહેલા જ વેરાન થઈ ગયું. ફિરોઝાબાદ જિલ્‍લાના શિકોહાબાદ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના નીમ ખેડિયા ગામમાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે, જ્‍યાં લગ્નના દિવસે દુલ્‍હન જાનની રાહ જોતી રહી ગઈ, પરંતુ વરરાજા જ ઘરથી ફરાર થઈ ગયો. આ ઘટના બાદ આખા ગામમાં ફફડાટ ફેલાઈ ગયો અને લગ્નનું ઘર માતમમાં ફેરવાઈ ગયું.

મળતી જાણકારી મુજબ, ગામના રહેવાસી બોબી જાટવની દીકરી મોહિનીના લગ્ન પુષ્‍પેન્‍દ્ર નામના યુવક સાથે નક્કી થયા હતા. લગ્નની તારીખ ૨૭ એપ્રિલ નક્કી હતી અને જાન તે જ દિવસે આવવાની હતી. લગ્નને લઈને ઘરમાં તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી હતી. સંબંધીઓ અને મહેમાનો પણ મોટી સંખ્‍યામાં આવી પહોંચ્‍યા હતા. ઘરને શણગારવામાં આવ્‍યું હતું અને દુલ્‍હન મોહિની પણ બ્‍યુટી પાર્લરથી તૈયાર થઈને મંડપમાં બેસીને જાનની રાહ જોઈ રહી હતી.

પરિવાર તરફથી મહેમાનોને ભોજન પણ કરાવવામાં આવ્‍યું અને મોડી રાત સુધી જાન આવવાની આશામાં તમામ લોકો રાહ જોતા રહ્યા, પરંતુ આ દરમિયાન સમાચાર મળ્‍યા કે વરરાજા પુષ્‍પેન્‍દ્ર પોતાના ઘરેથી જ ફરાર થઈ ગયો છે અને જાન નહીં આવે. આ સાંભળતા જ લગ્નવાળા ઘરમાં અફરાતફરી મચી ગઈ. દુલ્‍હન મોહિની આ સમાચાર સાંભળતા જ બેભાન થઈને ઢળી પડી, તો બીજી તરફ પિતા બોબી જાટવ અને અન્‍ય પરિવારજનોની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ ગામના લોકો મોટી સંખ્‍યામાં ઘટનાસ્‍થળે એકઠા થઈ ગયા હતા. મહિલાઓ અને પુરુષોની ભીડ જામી ગઈ અને જાતજાતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. લગ્નનો મંડપ સૂનો પડ્‍યો રહ્યો અને ખુશીઓનો માહોલ પળવારમાં ગમમાં ફેરવાઈ ગયો હતો. પરિવારજનોએ આ મામલે પોલીસને જાણ કરી દીધી છે. પોલીસ આખા મામલાની તપાસમાં લાગી ગઈ છે અને વરરાજાની શોધખોળ કરવામાં આવી રહી છે. બીજી તરફ પરિવારનું કહેવું છે કે આ ઘટનાથી તેમની સામાજિક પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચી છે અને તેઓ ન્‍યાયની માગ કરી રહ્યા છે.

(10:22 AM IST)